ઢળતી જીવનસંધ્યા
ઢળતી જીવનસંધ્યા
થોડું થોડું જૂઠું બોલતા, હવે તો હું શીખી રહી છું,
થોડું થોડું ચૂપ રહેતા, હવે તો હું શીખી રહી છું.
કદીક, ક્યારેક બારી બહાર સાવ અમસ્તાજ, નિર્લેપ ભાવે,
કુદરતના રંગોની છટાને માણતા, હું શીખી રહી છું.
ક્યાં કલ્લાકો સુધી સખીયો સાથે બેવજહ વાતો કરતી,
હવે શબ્દોને તોળીતોળીને બોલતા હું શીખી રહી છું.
બાળપણમાં મારા માબાપે જે શીખ મને આપી'તી,
એ શીખનું મૂલ્ય સમજતા હવે હું શીખી રહી છું.
અને મારા બાળકોમાં મેં જે સંસ્કારોનું સીંચન કર્યું છે,
એ સંસ્કારોની કિંમત શું છે એ સમજતા શીખી રહી છું.
એકલતાના અહેસાસને કેવી રીતે છે નિભાવવાનો,
શું યાદ રાખવું, ને શું ભૂલવું એ પણ હું શીખી રહી છું.
ઢળતી જીવનસંધ્યાના આ પડાવમાં ધીરે ધીરે આગળ વધતા,
કેમ રહેવું, ને શું સહેવું એ સમજીને હું શીખી રહી છું.
તમે શું શીખવાડશો ઓ દુનિયાવાલો, કે સમયની આ દ્વિધાએ,
ઉત્તુંગ શિખરોને કેવી રીતે ધરાશાયી કર્યા ? એ સમજતા હું શીખી રહી છું.
અભિમાન છે મને મારા પર કે,
ઢળતી જીવન સંધ્યાએ પણ હજી હું કંઈ શીખી રહી છું.
