ચલ ! જીવી લઈએ
ચલ ! જીવી લઈએ
શ્વાસ ઉતારે ઊંડા એની પહેલા, ચલ ! જીવી લઈએ થોડું થોડું,
દુનિયા મન ફાવે તે સમજે, ખુદ ને મળીયે થોડું થોડું,
જિંદગી આખી ક્યાં વીતી ગઈ, બીજાની પરવા કરવામાં,
બીજા ને ખુશીઓ વહેંચી બેઠા, હવે ખુશી રહી ના ગજવામાં,
જિંદગીની હર પલ માણી લઈએ, હસીયે મીઠું થોડું થોડું,
ટેકો દઈએ એક બીજાને, સંભાળી લઈએ થોડું થોડું.
ઉતાવળે ભર્યો કોળિયો, એમ જિંદગી જીવી લીધી,
કડવી ક્ષણો ને ઘૂંટડે ઘૂંટડે, દવા માની પીધી,
એકબીજાના સાથનું સપનું, સેવી લઈએ થોડું થોડું,
હજી થયું છે ક્યાં મોડું, ચલ ! જગ જીતી લઈએ થોડું થોડું .