ચડાઈ કરી છે
ચડાઈ કરી છે
અચાનક હૃદય પર ચડાઈ કરી છે,
કરી પ્રેમ મુજ પર વધાઈ કરી છે,
વધુ શું કહું પ્રેમ બાબત હવે હું,
વધુ બોલવાની મનાઈ કરી છે,
પળે પળ હૃદયમાં રહે છે તું મારા,
કેવી તે અજબ આ સગાઈ કરી છે,
મળીને તને જાત ખોઈ છે આજે,
સદા લાગણીને સવાઈ કરી છે,
રહું જાગતો રાતભર યાદમાં હું,
ઊંઘે આંખ સાથે ઠગાઈ કરી છે,
કરે છે જગત પ્રેમના નામે શોષણ,
છતાં એ ગુનાની સફાઈ કરી છે,
ધરી જાતને જ્યારથી પ્રેમ ચરણે,
જગત સામે કાયમ લડાઈ કરી છે,
ગુમાવ્યું જીવન પ્રેમમાં જેને આખું,
એ લોકોએ જગ પર ભલાઈ કરી છે,
થઈ છે મહોબ્બત જીવનમાં જે પળથી,
ફિકર સર્વ જાણે પરાઈ કરી છે,
કહું ફક્ત મારા વિષે પ્રેમમાં હું,
સદા પ્રેમમાં મેં વફાઈ કરી છે,
નથી આમ તો ખાસ કાંઈ જીવનમાં,
ફક્ત લાગણીની કમાઈ કરી છે.

