ભૂલી જતાં શીખીએ
ભૂલી જતાં શીખીએ
આવને અનુભવોથી શીખીએ,
ક્યાંક થોડું ભૂલી થોડું છોડીએ,
ચાલ, ભૂલોને ભૂલી જતા શીખીએ,
તું ભૂલી જા ફરી મારી ભૂલોને
હું પણ ભૂલી જાઉં ફરિયાદોને,
ફરી પાછા ભૂલી જતાં શીખીએ,
આવ ને અરસપરસ ના વખાણ કરીએ,
આમ તો કરી પરસ્પરની ટીકાઓ ઘણીએ,
આજ એ બધું ફરી ભૂલી જતાં શીખીએ,
હું ફરી ફૂલોનો શણગાર સજીને આવું,
તું રસપાન કરતો ભમરો બની આવ,
શું કહેશે કોઈ ? એ ભૂલી જતાં શીખીએ,
હું બનું પેન્સિલ લખવા કાગળ પર જીવનને,
તું બની જા રબર દૂર કરવા મારી ભૂલોને,
ચાલ ને, ભૂસાયેલ ભૂલોને ભૂલી જતાં શીખીએ,
કંઈ મજા નથી ક્યાં એવું શું બોલીએ ?
ક્યાંક મજાને ભીતર પણ શોધીએ !
આવ ને ફરી બધું જ ભૂલી જતાં શીખીએ,
કાલ શું હતું એ ભૂલી જઈએ,
ચાલને આજને ફરી યાદ કરીએ,
ક્યાં છે મજા કે 'ફરિયાદો' કરીએ,
ચાલ ને બધું જ ભૂલી જતાં શીખીએ.
