ભીતરની વેદના
ભીતરની વેદના
આ હૈયાનો ઉત્પાત,
આ ભીતરની વેદના,
આ ભીતરની સંવેદના,
જો ને ઉલેચાય આમ શબ્દો બની,
ભીતર વેદના શૂળ સમ ખૂચે,
પણ તોયે આ ચહેરો ફૂલ સમ હસે,
આ ઉત્પાત સર્જે ઉથલ પાથલ,
આ માનવીને કરી દે છે પાગલ,
હૈયે હોય ઉત્પાતતો માનવી રાતભર જાગે,
એકલતા ગમે એને, મહેફિલથી દૂર એ ભાગે,
આ વાદળ અને પર્વત પણ સર્જે ઉથલપાથલ,
અતિ વર્ષા અને જવાળમુખી થકી ધરા પર ઉથલપાથલ,
કદાચ પૃથ્વીની ભીતર પણ હશે દર્દભરી વાત,
એટલે જ ધરતીકંપ થકી કરતી હશે ભયંકર રજૂઆત,
સમંદરના હૃદયમાં પણ થતો હશે ઉત્પાત,
સુનામી થકી કરતો હશે પીડાની રજૂઆત !
પ્રકૃતિને પણ થતી હશે પીડા કદાચ,
એટલે જ આ ફૂલો આંસુ સારતા હશે કદાચ,
એટલે જ ક્યારેક પવન આમ ગાંડોતૂર થતો હશે !
નદીઓ બેકાબૂ થતી હશે !
આકાશ પણ ગર્જના કરતું હશે !
વૃક્ષો બધા તાંડવ નૃત્ય કરતા હશે !
ઉત્પાત થતો હશે માનવીની ભીતરમાં પણ,
એટલે જ દુનિયામાં ગઝલો રચાતી હશે !
