બેસીએ
બેસીએ
ચાંદનીમાં આજ રાતે બેસીએ,
રાહ જોઇશ આવ પાસે બેસીએ.
હું ઝરણ થાઉં તું કંકર થાય તો,
ખળખળી ઝરણાંને કાંઠે બેસીએ.
એક ઝરણું આંખમાં ઉભરાય છે,
કર નજર પાંપણની ધારે બેસીએ.
સાંકડી બનતી રહે છે સૌ ગલી,
ચાલ મારા મનના દ્વારે બેસીએ.
મૌનની ધારામાં વ્હેતી જિંદગી,
વ્હેણ બદલી ક્યાંક આજે બેસીએ.
