બાપુ તારી ગાંધીગીરી
બાપુ તારી ગાંધીગીરી
બાપુ તારી ગાંધીગીરી, કેવી જગમાં થઈ વિખ્યાત !
વ્યક્તિ ને વ્યક્તિત્વ જોને, કેવા બનાવ્યા વિખ્યાત !
સત્ય ને અહિંસાના માર્ગ પર, તમે ચાલ્યા છો ચૂપચાપ,
ટોપી, લાકડી ને પોતડીનો, અદભૂત રહ્યો સંગાથ..બાપુ તારી,
હૃદયે ગીતા સ્થાપી ને, અંગે ધારી ખાદી,
બન્યા હિંદકાજે તમે, સ્વાતંત્ર્યસેનાની..બાપુ તારી.
મીઠાનાં સત્યાગ્રહે ધ્રૂજાવ્યા, તમે કેવા વાઈસરોયને,
હિંદ-છોડો આંદોલને, કેવા ભગાડ્યા અંગ્રેજોને..બાપુ તારી.
ચંપારણ સત્યાગ્રહે, પામ્યા ખેડૂત પ્રેમ અપાર,
'બાપુ' બિરુદ પામી થયા પૂરા દેશમાં પ્રખ્યાત ..બાપુ તારી.
કોમી રમખાણોએ, કેવા દુભાવ્યા તમને !
ભારત પાકિસ્તાન ભાગલાએ, કેવા રડાવ્યા તમને !..બાપુ તારી.
નથી થતો બાપુ હવે, ચૌરી ચૌરા કાંડ,
પણ મૂકી દારૂબંધી છતાંય, થાય અનેક લઠ્ઠાકાંડ..બાપુ તારી.
'સ્વચ્છતામાં જ પ્રભુતા' એ તમારું અભિયાન,
અસ્પૃશ્યતા નિવારણ કાજે સ્થાપ્યો 'હરિજન સેવક સંઘ'...
બાપુ તારી.
'હે રામ !' ઉચ્ચારે પુનિત, દેહ ત્યજ્યો ગોળી ખાઈ,
દેશદાઝ કારણે દેહની, આકરી કસોટી આપી..બાપુ તારી.
'રાજઘાટ' પર જઈ હવે, દેશવાસીઓ તમને શોધે,
પણ ક્યા હવે કર્મવીર, તુજ જેવા દેખાશે !..બાપુ તારી.
મૌન, ત્યાગ, સાદગી, તપસ્યા, પ્રાર્થના તમારો અલૌકિક શણગાર,
ક્યાં અને કોનામાં હવે શોધું, આ ગુણલાં અપરંપાર ?...બાપુ તારી.
કથની ને કરણી તમારી જીવનભર એક સમાન,
'સત્યના પ્રયોગોમાં દીપે, કેવું તમારું આત્મજ્ઞાન...બાપુ તારી.
બાપુ તારી ગાંધીગીરી, કેવી જગમાં થઈ વિખ્યાત !
વ્યક્તિ ને વ્યક્તિત્વ જોને કેવા બનાવ્યા વિખ્યાત.
