અસત્ય
અસત્ય
મારે તને એક અસત્ય કહેવું છે.
જો ! તારે ભડકવાનું નહીં.
એવું તો જરાય નહીં વિચારવાનું
કે મેં તને પહેલાં કેમ ન કહ્યું ?
કહ્યું હોત તો કંઈ કરી શકત તુૃં.
બની શકે કે તને એમ પણ લાગે કે
મેં મારાં મગજ પરનો કાબૂ
ગુમાવી દીધો છે,
એવુંય લાગી શકે કે
આ દુનિયાથી મેં
મારા તમામ રસ્તા કાપીને ખાઈ નાંખ્યા છે.
તુૃં સજ્જન છે રે
એટલે તને મારી વાત
કલ્પનોત્થ કે ઊપજાવી કાઢેલી
લાગી શકે.
લાવામાં હાથ ઝબોળી
ખેંચી કાઢેલી કોઈ વાર્તા પણ
લાગી શકે.
શક્ય છે કે તને એ બધું
કશેથી કરેલું કૉપી-પેસ્ટ લાગે !
પણ તોયે
તુૃં સાંભળી લે એકવાર
બસ એક જ વાર
પછી જિદ નહીં કરું, બસ !
પ્રોમિસ.
હા, તો તુૃં
સાંભળે છે ને ?
મારે તને એક અસત્ય કહેવું છે.

