અનમોલ સંબંધ
અનમોલ સંબંધ
એક એવો સંબંધ જેની પરિભાષા અત્યંત કપરી છે, એ સંબંધ છે ભાઈ - બહેનનો.
આ પ્રેમનો જો સરવાળો કરવામાં આવે તો પ્રેમ બમણો થઇ જાય,
આ પ્રેમની જો બાદબાકી કરવામાં આવે તો પ્રેમ વહેંચાઇને વધી જાય,
આ પ્રેમનો જો ગુણાકાર કરવામાં આવે તો પ્રેમ અનેક ગણો થઇ જાય,
આ પ્રેમનો જો ભાગાકાર કરવામાં આવે તો પ્રેમ ભાગ થઇ વધી જાય
બહેન ભલે નાની હોય કે મોટી, એના પ્રેમમાં ક્યારેય કોઇ બદલાવ નથી આવતો. આવા જ પ્રેમને શબ્દોમાં ઢાળવાની કોશિશ નીચેની પ્રસ્તુતિમાં છે.
બાળપણમાં મારી સાથે બધી જ વસ્તુ વહેંચતી એ,
કયારેક વાતો છુપાવા લાગે છે
પપ્પાના ગુસ્સા અંને મારથી બચાવતી એ,
ક્યારેક ગુસ્સે પણ થાય છે
મારા બધા જ રહસ્યોનો પીટારો એ
,
ક્યારેક મારી માટે રહસ્ય બની જાય છે
મારી બધી જ જીદને પૂરી કરતી એ,
ક્યારેક બાળક જેવી બની જાય છે
મારી બધી જ વાતોને સાંભળતી એ,
ક્યારેક એકદમ ચૂપ થઇ જાય છે
મારા માટે પપ્પા અને મમ્મી સાથે ઝઘડતી એ,
ક્યારેક મારાથી પણ રીસાઇ જાય છે
મારા સપનાઓને પુરા કરવા મને પ્રોત્સાહન આપતી એ,
ક્યારેક પોતાની ઈચ્છાઓ ભુલી જાય છે
મમ્મીની જેમ લાડ લડાવતી એ,
ક્યારેક પોતે મારા જેવી થઇ જાય છે
જેણે બેની બેની કહેતા હું થાકતો નથી એ,
થોડા જ દિવસોમાં પારકી થઇ જાય છે
કહેવાય છે કે "દિકરી વહાલનો દરિયો" પણ એ દરિયામાંથી બને એટલો વહાલ મેળવી લેવા માટે આતુર એક ભાઈના મનની લાગણીઓ.