અધૂરો પ્રેમ
અધૂરો પ્રેમ
તું રોકાઈ જા ને !
તે શક્ય નથી.
પણ કેમ ?
કારણ કે હું તને પ્રેમ નહીં કરી શકું.
પણ હું તો કરું છું ને.
પણ મારા દિલમાં કોઈ બીજું છે.
મને બસ થોડી જ જગ્યા જોઈએ છે.
તે પણ હું તને નહિ આપી શકું.
તો પછી મને થોડા અપશબ્દો બોલીને, મને છોડીને જતી રહે.
તે હું નહિ કરી શકું.
પણ કેમ ? મને પ્રેમ નથી કરતી તો પછી નફરત કર.
તે પણ હું નહિ કરી શકું.
કેમ ?
હું તને નફરત નહિ કરી શકું, તારું અપમાન પણ ના કરી શકું.
તું મને સમજાય એવી વાત કર, હું કંઈ કવિ નથી કે તારી આવી વાતો સમજી શકું.
હું તારો આદર કરું છું, તારી કાળજી રાખું છું, તને દુઃખી કરવા નથી ઈચ્છતી.
તો પછી મને છોડીને નઈ જા.
જવું પડશે.
હું નહિ રહી શકું તારી સાથે વાતો કર્યા વિના.
થોડા દિવસમાં આદત પડી જશે.
અને આદત નહિ પડી તો ?
તારે મારી આદત છોડવી પડશે, એક ખરાબ આદત.
તું પોતાને ખરાબ નહિ કહી શકે.
હું છું જ ખરાબ.
ના તું તો શ્રેષ્ઠ છે.
હવે તો તું મારા વખાણ કરવાનું બંધ કર.
જાણી જોઈને થોડી કરું, થઈ જાય છે.
બધુ જ થઈ જાય છે ?
તું છે જ એવી તો હું શું કરું.
હું કોઈ ખાસ નથી, આ તારો ભ્રમ છે.
તને ક્યાં પરખ છે ખાસ ની.
હવે મને સંભળાવવાનું બંધ કર.
તૂટેલા દિલમાંથી કંઈ પણ નીકળી શકે.
તને દિલ જોડવા કોણે કહ્યું હતું.
જોડાય ગયું ખબર જ ના પડી.
તને ખબર શું પડે છે ?
તને પ્રેમ કરૂં છું બસ આ જ ખબર પડે છે મને.
તારી લાગણી વ્યર્થ કરે છે તું, પહેલા પણ કહ્યું હતું.
પણ તેના પર કોઈ કાબૂ નહોતો ને..
<p>તો હવે ?
બસ તું રોકાય જા
કેમ જિદ કરે છે ?
તું પૂરી થોડી કરવાની છે, બોલવા તો દે
ના..
હવે તું મને બોલવાની પણ ના પાડે, મારી આ વાતો જ તને પ્રિય હતી ને ?
હજુ પણ છે.
પણ હું પ્રિય નથી ને.
એવું નથી
તો પછી રોકાય જા ને..
તે શક્ય નથી
તારો સાથ, તારી વાતો મજાની છે, તે મને ગમે છે એટલે જ તો તું ખાસ છે.
પણ મને તારો સાથ નથી ને.
તું મિત્ર તરીકે હંમેશા સાથે રહેશે.
પણ મારે ફક્ત મિત્ર નથી રહેવું.
તને બધું ખબર જ હતી પહેલેથી
હા પણ કહ્યું ને તને લાગણીઓ પણ કાબુ નથી હોતો, તારા જેવા દિલ બધા નથી હોતાં ને !
હા, તને ચેતવ્યો હતો.
હું રોકાયો હતો પણ મારી લાગણીઓ તો અવિરત વહેતી જ હતી, ખબર હતી કે તું મારી નહિ થઈ શકે પણ હું પોતાની જાતને રોકી ના શક્યો !
મારે હવે જવું પડશે
એક વાર મને તારો હાથ પકડવા દે ની
તેનાથી શું ફરક પડશે ?
તારા હાથની નરમાશ અને તારા સ્પર્શની હુંફ મને હંમેશા યાદ રહેશે !
તેને યાદ રાખવાની જરુર નથી
તને યાદ રાખવા પણ તારી મંજૂરી લેવાની ?
તું ક્યાં મારી કોઈ વાત માને છે !!
તને ભૂલવાની વાત કેવી રીતે માની શકું હું..
તને આ દર્દથી બચાવતી હતી હું, પણ તું તો તારા મનનું જ કરે છે ને
મારું મન ક્યાં મારા કહ્યામાં રહ્યું છે હવે
બસ હવે હું જાઉં છું, આ લે મારો હાથ પકડી લે એક વાર..
મને ખબર જ હતી તું મને ના નહિ કહેશે
તને દુઃખી નહિ જોઈ શકું હું
તો રોકાઈ જા અને મને ખુશ કરી દે
બસ હવે તારી વાતોમાં નથી આવવું
પણ મારી યાદોમાં તો તું રહેશે જ, જા હવે તને નહીં રોકું !