આવ્યો દિવાળીનો તહેવાર
આવ્યો દિવાળીનો તહેવાર
અગિયારસે હું તો આંગણે સાથીયા પુરાવું,
હરખના તેડાં કરું, આહવાન કરી દેવોને બોલાવું,
દેવોને ફરાળ ધરાવું, હું તો ફળાહાર કરાવું,
આવ્યો રે આવ્યો, જુઓ દિવાળીનો તહેવાર.
બારસે હું તો બારણે લીલાં તોરણીયા બંધાવું,
જીવનમાં હું તો આશાનો સંચાર કરાવું,
ભોજનમાં હું તો રસ-પૂરી, ઇડદા ધરાવું,
આવ્યો, આવ્યો, જુઓ દિવાળીનો તહેવાર.
તેરસે ઘરમાં હું તો લક્ષ્મીજીના પગલાં કરાવું,
લક્ષ્મીજીની પાછળ પાછળ વિષ્ણુજી પધારે,
ભોજનમાં હું તો લાપસીના આંધણ મુકાવું,
આવ્યો, આવ્યો, જુઓ દિવાળીનો તહેવાર.
કાળી ચૌદશે ચોકમાં હું તો ગરબા લેવરાવું,
અંધારા ઉલેચીને, હું તો પાવન જ્યોત પ્રગટાવું,
ભોજનમાં દૂધપાકનો, હું તો ભોગ લગાવું,
આવ્યો, આવ્યો, જુઓ દિવાળીનો તહેવાર.
આવ્યો દિવાળીનો દિવસ, કેવો સપરમો દિવસ,
અંધારી રાતોને હું તો દિવડાઓથી અજવાળું,
સૌને ખુશીઓ વહેંચું, હું તો ઈર્ષ્યાને ઓગાળું,
આવ્યો, આવ્યો, જુઓ દિવાળીનો તહેવાર.
નવલાં વર્ષે હું તો મતભેદો ભૂલી સૌને આવકારું,
ઊગ્યું પ્રભાત નવતર, આજે હું શુકન કરાવું,
સપનાઓમાં આશા કેરી, હું તો રંગોળી પુરાવું,
આવ્યો, આવ્યો, જુઓ દિવાળીનો તહેવાર.