આગ.
આગ.
વાંસ ઘર્ષણે કદીક વનમાં લાગી જાય છે આગ.
કરી ભસ્મીભૂત સઘળુંને જાગી જાય છે આગ.
કરી ગર્જનાને ઘૂઘવતો સમદર ઉત્તંગ ઉછાળે,
ભીતર ભભૂકે વડવાનલની પરખાય છે આગ.
કવચિત કોઈ વૈખરીવેણે પ્રગટી જાય છે આગ,
દુ:શ્મનના અંતરે બદલાની વરતાય છે આગ.
કૈંક પામવા દ્રઢમનોબળે પ્રબળ પ્રયત્નો થતા,
કર્મપથમાં કર્મયોગીથી રખે સંકળાય છે આગ.
કદી પિત્તવિકૃતિમાં પાચનતંત્રે દેખાય છે આગ,
મૃતદેહ વિલોપને સ્મશાને પ્રગટાવાય છે આગ.
ગૃહિણીઓના રસોઈઘરમાં મલકાય છે આગ,
ઠૂંઠવાતી ઠંડીમાં તાપણું થઈ હરખાય છે આગ.