Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj Joshi

Romance Inspirational

5.0  

Manoj Joshi

Romance Inspirational

કાગળ

કાગળ

7 mins
793


સાંજના પાંચ વાગતા અને સ્મિતા આંખોમાં આતુરતા મઢીને ડેલીનું બારણું ખોલી કાનજીકાકાની રાહ જોતી. પાંચ વાગતા 'ને કાનજીકાકાની સાઈકલની ઘંટડી રણકી જ હોય ! કાનજીકાકા ગામના ટપાલી હતા.એ જમાનો મોબાઈલનો ન હતો ! અરે ટેલિફોન પણ શહેર સિવાય કોણે જોયા હતા ? લોકો પ્રિયજનના 'કાગળ'ની કાગડોળે રાહ જોતા.


કાનજીકાકા ગામમાં ઘરે ઘરે આદરપાત્ર વ્યક્તિ હતા. કારણકે કોઈનો બાપ, તો કોઈનો બેટો, કોઈનો પતિ તો કોઈની સાસરવાસી પુત્રીના કાગળની રાહ લગભગ કોઈને કોઈ સ્વરૂપે, દરેક ઘરમાં દરરોજ જોવાતી જ રહેતી. સગા-સ્નેહી, મિત્રો-પરિચિતો અને વેવાઈ-વેલાના સારા-માઠા સમાચાર માટે સંદેશ વ્યવહારનું એકમાત્ર માધ્યમ હતું- ટપાલ ! અને ટપાલ માટેનો એક લોકપ્રિય, સાર્વજનિક, ગામઠી શબ્દ હતો કાગળ. કાનજીકાકાને ઘરે ઘરેથી આતુરતાપૂર્વક શબ્દો દ્વારા નહીં, તો આંખો દ્વારા લોકો પૂછ્યા કરતા 'કાગળ આવ્યો ?'


સ્મિતા નવપરણિત ગૃહ-વધૂ હતી. ગામના આગેવાન ગણાતા સુખી, બ્રાહ્મણ પરિવારના યુવાન, સુંદર, હોશિયાર અને નોકરિયાત પુત્રની તે વહુ હતી. સંસ્કારી અને ખાનદાન મા-બાપની સુંદર, સુકુમાર અને શીલવાન દીકરી એટલે સ્મિતા. હજી તો અઢારમી વસંત સ્મિતાના બદન પર બેઠી જ હતી, ત્યાં તો સ્મિતા સાસરવાસી બની ગઈ હતી.


 સ્મિતાના લગ્ન બંને પરિવારોની સંમતિથી, ધામધૂમપૂર્વક થયેલા. પિતાની એકની એક લાડકવાયી દીકરી, ચારભાઇની વ્હાલુડી બેનડી અને નિરક્ષર માતાની દિકરી- કરતાંય મિત્ર અને માર્ગદર્શક વધારે- એવી હસમુખી, મૃદુ સ્વભાવ ધરાવતી સ્મિતા સ્વભાવથી જ કુટુંબ વત્સલ હતી. સ્ત્રી તો હજી બનવાની હતી ! હજી તો સાસરે આવેલી કોડભરી કન્યા જ હતી ! સાસરવાસી થયાને હજુ તો છ માસ જ વીત્યા હતા. સંયુક્ત પરિવારમાં રહેતા ચાર દિયર, ચાર નણંદ અને સાસુ-સસરા એમ પતિ સિવાયના પરિવારના અન્ય દસ સદસ્યોને પ્રિય બનીને રહેવાના ઉમંગ સાથે સ્મિતા પરણીને આવી હતી.


અઢાર વર્ષથી સાચવતી માની મમતા ભરી ગોદ અને પિતાની વત્સલ શીળી છાંયડી છોડીને સાવ અજાણ્યા સંસારમાં એકલી સ્ત્રી સૌ પ્રથમ તો પોતાના પતિની હૂંફ ઝંખે ! પરંતુ સ્મિતાનું ભોળું હૈયું, કાંઈ પણ સમજે એ પહેલાં તો પરણ્યાનાં એકાદ અઠવાડિયામાં એનો પતિ માનવ સાસરીમાં સાસુ-સસરાને હવાલે કરીને, નોકરી કરવા અમદાવાદ જતો રહ્યો. સ્મિતા સંસારના કૂડ-કપટ અને સ્વાર્થ-પરાયણતાથી સાવ બેખબર હતી. પતિ અમદાવાદ નોકરી માટે ગયો, તો પણ એ વાતને સરળતાથી સ્વીકારી લીધી. પરણિત સ્ત્રીની કુટુંબમાં સાસુ-સસરાની સેવા કરવાની ફરજ છે એવા સંસ્કાર ગળથૂથીમાં પામેલી એટલે પતિના ગયા પછી પણ, એ તો પૂરા પ્રેમ અને સમર્પણ ભાવ સાથે પરિવારની સેવા કરતી રહી. સાસુ-સસરાની લાડકી વહુ અને નણંદ-દિયરની પ્રેમાળ ભાભી તરીકેની જવાબદારી નિભાવવા લાગી.


 દિવસો વીતતા ગયા. સ્મિતાને હતું, કે પહોંચીને તરત માનવનો કાગળ આવશે. પણ એની આશા ઠગારી નીવડી. ક્યારેક પરિવારને સંબોધીને ઔપચારિક પોસ્ટકાર્ડ આવતું. જેમાં એનું સરનામું 'યુનિવર્સિટી હોસ્ટેલ'નું લખેલું હતું. 'ભાઇ સાહેબે' અમદાવાદ જઇ, નોકરી સાથે અભ્યાસ શરૂ કરી દીધેલો ! અને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી, વિદ્યાર્થીના નાતે હોસ્ટેલમાં રહેવા લાગેલો, એટલે પત્નીને અમદાવાદ લાવવાપણું રહે જ નહીં ! ભાડે મકાન રાખ્યું હોય,તો ક્યારેક પણ સ્મિતાને લાવવી પડે ને !

સ્મિતા દિવસ તો હસતાં આવતા સમગ્ર પરિવારની સેવામાં દિવસ વિતાવી દેતી સ્મિતા માટે રાત લાંબી થઈ પડતી. પ્રિયતમની યાદમાં પડખાં ફેરવીને ઓશિકા ભીંજવતી રહેતી. માનવના સરનામે હૈયાની સમસ્ત ઉર્મિઓને ઠાલવીને સ્મિતા કાગળ લખતી. કવરમાં ક્યારેક ગુલાબનું ફૂલ, ક્યારેક મોગરાનું ફૂલ તો ક્યારેક પોતાના સુકુમાર હોઠની છાપ પાડીને મોકલતી ! ક્યારેક તો આંસુથી શબ્દો ધોવાઈ જતાં,અને ભીંજાયેલા કાગળ માનવ પાસે પહોંચતો હશે કે કેમ, એની એને શંકા રહેતી. માનવ, પત્ર મળ્યાની જવાબ આપવાની ફરજ બજાવવા જેટલી ય લાગણી એ નહોતો દાખવતો. રજાઓમાં માનવ ટ્રેકિંગ-શિબિરોમાં, યુવા-શિબિરોમાં અને સ્ટેજ પ્રોગ્રામ આપવા જતો રહેતો.


 માનવનું માત્ર નામ જ જાણે માનવ હતું, સ્મિતાના જીવનમાં તો એ દાનવ બનીને આવ્યો હતો ! પણ સ્મિતાના હોઠ પર કદી કોઈ ફરિયાદ આવી ન હતી. માનવના માતા-પિતા સ્મિતાની આવી સ્થિતિ જોઈને, પોતાની જાતને કોસતા રહેતા ! માનવે વેવિશાળ સમયે જ સ્મિતા સાથે લગ્ન કરવાની ના કહ્યાં છતાં, પોતાના મિથ્યા અહંકારને સંતોષવા માટે અને 'પોતે કહે એમ જ થવું જોઈએ' એવી જડતામાં તેમણે પોતાના કપાતર ( કુપાત્ર ) સાથે એક ભલીભોળી, પારેવડાં જેવી છોકરીની જિંદગી સાથે રમત કરી હતી ! એ સત્ય એમને કોરી ખાતું હતું.


પોતાની પહાડ જેવડી ભૂલને પોતે જ માફ નહોતા કરી શકતા.પિતા પણ માનવને પત્ર લખતા. નણંદોને પણ દેવી જેવી ભાભીને તરછોડતો માનવ મહામૂર્ખ લાગતો ! અને ખરેખર માનવ મૂર્ખ જ હતો ! ત્યારે તો એક સુયોગ્ય જીવનસાથીના સુગંધ ભર્યા શ્વાસને છોડીને, અમદાવાદના પ્રદૂષિત પર્યાવરણમાં ફેફસા બગાડી રહ્યો હતો.


અહીં સ્મિતાનું સ્મિત ધીમે-ધીમે મુર્ઝાતું જતું હતું. એની સુંદરતા ઝાંખી પડવા લાગી હતી. રડી રડીને આંખો સુઝેલી રહેતી. વૃક્ષના આધાર વિના મુરઝાતી વેલ જેવી તેની દશા હતી ! સાસુ કહેતાં "બેટા, થોડા દિવસ પિયર જઈ આવો."

પણ સ્મિતા ના કહેતી. પોતાના માતા-પિતાની દશા પોતાને દુઃખી જોઈને કેવી થશે, એની ચિંતામાં એ પિયર પણ જતી ન હતી. તેના પિતા કે નાના ભાઈઓ ક્યારેક ખબર પૂછવા આવતા. પણ સ્મિતા એવા સમયે પોતે વધારે ખુશ હોવાનું દર્શાવતી.તે પોતાની સારપ સંસ્કાર, શીલ, સેવાભાવ અને ધીરજ છોડતી ન હતી.


માનવને અમદાવાદ ગયા ને સવા વર્ષ થવા આવ્યું હતું. ધૂમકેતુની પોસ્ટ ઓફિસના અલી ડોસા જેમ મરિયમના પત્રની રાહ જોતાં, એમ જ સ્મિતા પતિના પત્રની રાહ જોતી. સ્મિતાના અંતરમાં ઊંડેઊંડે આશા હતી કે 'કાગળ આવશે .... કાગળ.... આવશે..... કાગળ આવશે'

માનવને અમદાવાદ ગયાને સવા વર્ષ થવા આવ્યું હતું. તે દિવસે સોમવાર હતો. પાંચ વાગવાની તૈયારી હતી. સ્મિતા આશા- નિરાશા વચ્ચે ઝોલાં ખાતી, કાનજીકાકાની રાહમાં ડેલી ખોલવા ગઈ. 'હમણાં સાઈકલની ઘંટડી સંભળાશે' એવી આતુરતા હતી. ત્યાં તો ડેલીની સાંકળ ખખડી ! સ્મિતાએ ધીમેથી બારણું ખોલ્યું. અને એની આંખો વિસ્ફારિત થઈ ગઈ ! સામે કાગળને બદલે કાગળ લખનાર ખુદ ઉભો હતો ! હા, માનવ સામે જ ઉભો હતો ! સ્મિતાની આંખો આંસુથી અને હૈયું ખુશીથી છલકાઈ ગયું. લજ્જાથી ઝુકેલી આંખે અને રોમાન્ચથી ધ્રુજતા શરીરે એણે માથું હલાવી, ઇશારાથી જ માનવને આવકાર્યો.


માનવ ઘરમાં પ્રવેશો,ત્યાં તો ઘરમાંથી બા અને બંને મોટી બહેનો દોડી આવી. 'ભાઈ આવ્યો... ભાઈ આવ્યોના આનંદભર્યા ઉદ્ગારો સાથે જાણે હરખની હેલી ઉભરાણી ! બહેને ભાઈના હાથમાંથી બેગ લીધી. માનવ બાને પગે લાગવા ઝૂક્યો,ત્યારે બાએ જોયું તો માનવની આંખો પીળી પડી ગઈ હતી, શરીર લેવાઈ ગયું હતું, ચહેરા પરનું નૂર ઊડેલું હતું. બાની સામે જોઇ માનવે મ્લાન હાસ્ય સાથે કહ્યું "કાંઈ થયું નથી, નબળાઈ છે." સ્મિતા સંકોચવશ થોડે દૂર ઊભી હતી.બાએ કહ્યું, 'સ્મિતા,બેટા ચાલ આપણે ઉપર તમારા ઓરડામાં જઈએ. માનવ ત્યાં જ આરામ કરશે.'


નાનોભાઈ પિતાને બોલાવવા માટે ગયો અને બેન ડોક્ટર કાકાને બોલાવવા માટે દોડી. પછી તો દવાઓ શરૂ થઈ. કમળો ચિંતાજનક રીતે વધી ગયો હતો. લિવર પર સોજો હતો. સંપૂર્ણ બેડરેસ્ટ જરૂરી હતો. ખાવાપીવામાં અત્યંત પરેજી રાખવી પડે એમ હતી.


જો કમળામાંથી કમળી થઈ જાય તો પછી ખલાસ ! ડોક્ટરના હાથમાંથી બાજી છીનવાઈ જવાની હતી ! ડોક્ટરે થોડા ચિંતાના ભાવ સાથે સ્મિતાને કહ્યું 'બેટા,માનવને હવે તારે જ બેઠો કરવાનો છે.'


સવા વર્ષથી જેની રાત દિવસ રાહ જોઈ હતી, પળેપળ જેની યાદમાં વિતાવી હતી, જેના યોગક્ષેમ માટે કાયમ પ્રાર્થનારત રહેતી હતી, એવી શાલીન સ્મિતા અચાનક અને ઉપરાઉપરી બની રહેલી ઘટનાઓથી અવાચક હતી. ડોક્ટરના વાત્સલ્યભર્યા શબ્દોથી તે ભાનમાં આવી. પછી તો રાત દિવસ જોયા વિના સ્મિતાએ માનવની સુશ્રુષા શરૂ કરી. તે તેને નાના બાળકની જેમ સાચવતી. સવારમાં પોતાના ટેકે ધીરે ધીરે બાથરૂમ સુધી લઇ લઇ જઇ તેની પ્રાત:ક્રિયા પતાવવામાં સહાયક થતી.


 શરીરને બહુ કષ્ટ ન પડે,એ રીતે માનવને સ્પંજ કરી દેતી. પૂરા શરીર પર પાઉડર લગાડી, હળવા હાથે કપડાં પહેરાવતી. માનવ માટે સુપાચ્ય એવી રસોઈ બનાવતી.નિયમિત એલોપથી દવા અને ઔષધિય નુસખાઓની સાથોસાથ નિરંતર તેની પ્રભુ પ્રાર્થના ચાલુ હતી. પણ શરૂઆતમાં માનવને તાવ એટલો રહેતો કે ઉતરવાનું નામ લેતો ન હતો ! માનવની નબળાઈ વધતી જતી હતી. ડોક્ટર દિવસમાં બે વાર આવતા. તેમનું કહેવું હતું કે કમળો ખૂબ આગળ વધી ગયો હોવાથી રાહ જોવી પડશે. દવાની અસર થતાં પણ થોડો સમય લાગશે. ઘરના બધા સભ્યો વ્યાકુળ થઇ જતાં. પણ સ્મિતા જાણે હવે સ્મિતા મટી અને સાવિત્રી બની ચૂકી હતી ! એનું એક જ લક્ષ્ય હતું- માનવને બેઠો કરવાનું ! એમાં ખુદના શરીરની ખેવના કર્યા વિના, તે ખૂંપેલી રહેતી.


કોમળાંગી સ્મિતા જાણે વજ્રાંગના બની ગઈ હતી ! ચોવીસ કલાક અવિરત માનવની દેખભાળ, આહાર, દવા, ઔષધ અને પ્રાર્થનાથી માનવ સાજો થવા લાગ્યો. પંદરમા દિવસે તેનો તાવ ઉતરી ગયો ! ધીમે ધીમે આંખોમાંથી પીળાશ ઘટવા લાગી. સ્મિતાની સેવા રંગ લાવી.માનવના ચહેરા પર રોનક આવવા લાગી. માનવ મૌન રહીને, પોતાના માટે યમરાજ સામે ઝઝૂમતી સ્મિતાને જોઈ રહેતો. તેના મનમાં આટલી પ્રેમાળ,આટલી સમર્પિત અને આટલી ઉમદા પત્નીનો અકારણ અપરાધ કર્યાનો વસવસો પ્રગટતો હતો.


માનવને હવે ઘણો આરામ હતો. એક દિવસ, સાંજના ચારેક વાગેલાં. માનવની ઊંઘ ઊડી અને જોયું તો સ્મિતા એના પગ પાસે બન્ને હાથ રાખી, પલંગ પર માથું ટેકવી, નીચે બેઠા બેઠા જ ઉંઘી ગઈ હતી. તેનું સુકોમળ શરીર હવે થાકની સીમાઓ પાર કરી ગયું હતું. માનવે હળવેકથી ઊભા થઈ, તેના માથે હાથ મૂક્યો. સ્મિતાનું માથું તાવથી ધખતું હતું. ચિંતાતુર માનવે,સુતેલી સ્મિતાને પોતાના નિર્બળ હાથોથી ઊંચકી. ફૂલ જેવી કોમળ કાયા, જેવી માનવના હાથોમાં ઝીલાઈ કે તરત જ સ્મિતાએ આંખો ખોલી. કંઈક બોલવા જેવું મોં ખોલ્યું ,ત્યાં તો માનવે પોતાના હોઠથી સ્મિતાના હોઠને સીવી લીધા !


પોતાની જગ્યાએ સ્મિતાને સુવડાવી, નીચે આવેલા ડોક્ટરને ઉપર બોલાવ્યા. ડોક્ટરે માનવને તપાસીને કહ્યું કે "હવે તે સાજો થઇ ગયો છે. અને સ્મિતાને ખાલી થાકનો તાવ છે, જે એક-બે દિવસમાં જ ઊતરી જશે."


પરિવારમાં આનંદ છવાઈ ગયો. માનવ સ્મિતાના મસ્તકને ખોળામાં લઈને બેઠો અને બાને કહ્યું "બા, આજે તો સ્મિતાને ભાવતું ભોજન તમે અને બહેનો બનાવો. સ્મિતાને હું આરામ કરાવું છું અને પછી મારા હાથે જમાડુ છું."


માની આંખમાં હર્ષનાં આંસુ હતાં. તેણે કહ્યું,'ગાંડા, અમદાવાદથી ક્યારેક કાગળ લખતો હોત, તો મારી સ્મિતા દીકરી આવી દુબળી ન થઈ ગઈ હોત.' માનવે સ્મિતાના કાનમાં કહ્યું, હવે કાગળ,શાહી કે કલમની કાંઈ જરૂર નથી. હવે તો મારી સ્મિતાના હૈયા પર પ્રેમના અક્ષર લખવા, કાગળ લખવાવાળો જ કાગળ બનીને આવી ગયો છે. સ્મિતાનું રોમરોમ નાચી રહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Romance