મને ભીંજવે તું, તને વરસાદ
મને ભીંજવે તું, તને વરસાદ
રાજકોટના એસટી સ્ટેન્ડ પર હું ઉતર્યો. જૂન મહિનાનો સૂરજ તપતો હતો. બાર વાગ્યે યુનિવર્સિટી પહોંચવાનું હતું. ઉતરીને તરત જ મેં બિસલેરીની ચીલ્ડ બોટલ લીધી અને ઝડપથી ત્રિકોણબાગ તરફ ચાલવા લાગ્યો. પહોંચ્યાની પાંચેક મિનિટમાં યુનિવર્સિટીની સીટી બસ આવીને ઊભી રહી. મને હાશકારો થયો. પાંચેક વડીલો બસમાં ચડ્યા પછી જેવો મેં પગથિયાં પર પગ મૂક્યો, ત્યાં જ કંડક્ટરે ઘંટડી મારી અને બસ સ્ટાર્ટ થઇ. મેં જોયું તો એસ ટી તરફથી વ્હાઈટ જીન્સ અને લાઈટ બ્લુ ટોપમાં શોભતી, ખભા પર પર્સ સાથે દોડતી એક યુવતી, હાથના ઇશારાથી બસ અટકાવવા કંડકટરને ઈશારો કરી રહી હતી. કંડકટરનું ધ્યાન ન હતું. મેં પગથિયે ઉભા ઉભા હાથ લંબાવીને એક ઘંટડી મારી. બસે હજી ગતિ પકડી ન હતી. બસ ધીમી પડી. યુવતી બસનો સળિયો પકડી, ચડવા લાગી. અચાનક, ઉતાવળમાં એનો પગ લપસ્યો. મેં ઝડપથી એનો બીજો હાથ પકડીને એને ઉપર ખેંચી લીધી.
અજાણપણે જ યુવતી એનો જમણો હાથ મારા ગળામાં ભરાવી, બસના ઝટકાથી મારા સીના સાથે ચીપકી ગઈ હતી. દોડવાને કારણે શ્વાસ ઝડપથી ચાલતો હતો. પવનના લીધે ઉડતા કેશની લટો મારા ચહેરા પર પથરાયેલી હતી. ક્ષણભરમાં એણે જાતને સંભાળી લીધી. સંકોચ સાથે એ બસમાં ચડી. બસે ગતિ પકડી. અમે બંને પાછળની ખાલી સીટ પર ગોઠવાયા. તેના સુંદર મખમલી ચહેરા પર પ્રસ્વેદબિંદુ જામ્યાં હતાં.
મેં સહજપણે બીસલરીની બોટલ ખોલીને તેના હાથમાં આપી. તેણે આભારવશ નજરે મારી સામે જોયું. મારા હાથમાંથી બોટલ લઈ, પાણી પીવા માટે મસ્તક પાછળ ઝૂકાવ્યું. અવશપણે મારી નજર તેની સુરાહી જેવી સુંદર, ગરમીને કારણે ગુલાબી બની ગયેલી ગરદન પર ચોંટી ગઇ. પીવાતું પાણી જાણે મખમલી ત્વચામાંથી હમણાં જ બહાર આવી જશે, એવું પારદર્શક સૌંદર્ય હતું. એની સામે ટગર ટગર જોઈ રહેવામાં મને મારી સંસ્કારિતા ને કારણે સંકોચ થયો. મેં પરાણે નજરને પાછી વાળી. હું કવિતા રચી કાઢું તે પહેલાં તો એણે 'થેન્ક્સ' કહીને મને બોટલ પાછી આપી. કન્ડક્ટરે આવીને કહ્યું 'ટિકિટ'. અમે બંને એક સાથે બોલ્યા- 'યુનિવર્સિટી.' અને પછી તરત જ એકબીજા સામે જોઈને હસી પડ્યા. મેં વોલેટ કાઢીને વીસની નોટ કંડકટરને આપી. યુવતીને પોતાનું પર્સ ખોલતાં મારા હાથથી અટકાવીને કહ્યું 'નો પ્લીઝ..' એણે પણ સસ્મિત મારાં સ્ત્રી-દાક્ષિણ્યને સ્વીકાર્યું.
વાતવાતમાં મેં જાણી લીધું કે અમે બંને સહાધ્યાયી બનવાના છીએ. ઇકોનોમિક્સ એમ.એ પાર્ટ વનમાં પ્રવેશ લેવા આવ્યા છીએ. સ્વાભાવિક રીતે જ અમે સાથોસાથ ફી ભરી. પરિચયને મૈત્રીમાં પરિવર્તિત થતાં વાર ન લાગી. બપોરનો એક થવા આવ્યો હતો. અમે કેન્ટીનમાં જઇને સ્નેક્સ અને ચા લઈને ભૂખ મિટાવી.
તેનું નામ આરાધ્યા હતું. ગોંડલથી અપડાઉન કરવાની હતી. જામનગરના ઉદ્યોગપતિ લોહાણા પરિવારની સૌથી નાની પુત્રી હતી. બે મોટી બહેન અને પછી બે મોટાભાઈ બાદ ઘરની સૌથી લાડકી હતી. એટલે જ એને એમ.એ.માં પ્રવેશ લેવાની પરિવારની મંજૂરી મળી હતી.
હું અર્પિત જાની. મધ્યમવર્ગનો યુવક. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક. સંઘનું કાર્યાલય એસ ટી થી બહુ દૂર ન હતું. એટલે હું તો ત્યાં જ રહીને અભ્યાસ કરવાનો હતો. આરાધ્યા ગોંડલથી આવતી અને એસટી થી અગિયારની એ જ સીટી બસમાં હંમેશા યુનિવર્સિટીમાં સાથે જ જતાં. વર્ગમાં સાથે જ બેસતાં. લાઈબ્રેરીમાં સાથે જ સ્વાધ્યાય કરતાં. હું તો બપોરે જમીને આવું, પણ એના લંચબોક્સમાં ભાગ પડાવતો. અમારો પરિચય ગાઢ મૈત્રીમાં પરિણમ્યો હતો.
જુલાઈ પૂરો થઈ, ઓગસ્ટ બેઠો હતો. શ્રાવણી સરવડા ગમે ત્યારે વરસી પડતાં. વરસાદનું આગમન અત્યંત આહ્લાદક લાગતું. આરાધ્યા પણ નાના બાળક જેવી હતી. બારીમાંથી આવતી વરસાદની છાલકથી ભીંજાવાનું એને પણ ગમતું.
રક્ષાબંધનનું પર્વ પૂરું થયું. સાથોસાથ અમારું મીની વેકેશન પણ પૂરું થયું. સોમવારે આરાધ્યાની રાહ જોઈ, હું એસટી સ્ટેન્ડ પર ઊભો હતો. આરાધ્યાની બસ અગિયાર વાગ્યે આવી. બ્રેકડાઉન હોવાથી મોડી પડેલી. આરાધ્ય નીચે ઉતરી. થોડી ચિંતાતુર થઈ બોલી, "આજે બસ ચૂકી ગયા. હવે તો બે કલાક પછી મળે અને પહોંચીએ ત્યાં તો.....રીક્ષા કરીને જતા રહીએ? "એણે કહ્યું
"અરે, જવા દે યાર, આવી મનગમતી ઋતુ- આસમાનમાં વાદળાં જામ્યાં છે, હમણાં બુંદાબાંદી શરૂં થશે. સારું થયું બસ જતી રહી. આપણે ચાલતા જઈએ." મેં કહ્યું.
'ચાલતાં ?' એની મોટી મોટી આંખો પહોળી થઇ.'પાંચ-સાત કિલોમીટર ચાલીને જવાનું ?'
" કેમ તું કંઈ વૃદ્ધ થઈ ગઈ છો? હજી તો નાના છીએ,યાર! ચાલ ચપટી વગાડતા દોડતા પહોંચી જઈશું."
" ચાલ ત્યારે... "એ પણ બાળપણમાં પ્રવેશવા થનગની રહી! અમે એકબીજાનો હાથ પકડી, યુનિવર્સિટી જવા માટે ચાલી નીકળ્યા. રામકૃષ્ણ આશ્રમ અને રેસકોર્સ વટીને અમે ગોરંભાયેલા આકાશ નીચે, મંદ મંદ વહેતા શીતળ પવનને માણતાં, નાના બાળકોની માફક હસતાં, ખેલતાં, દોડતાં અને ગાતાં જઈ રહ્યા હતા.
અમ્રપાલી થઈને પછી હનુમાનગઢીના. એકાકી રસ્તા પર અમે આગળ વધ્યાં. ત્યાં તો વરસાદ તૂટી પડ્યો. અમે સ્થળ-કાળ ભૂલી નાચતાં કુદતાં રહ્યાં એટલામાં તો આરાધ્યાની ચપ્પલની પટ્ટી પાણીમાં દોડતા તૂટી ગઈ. આરાધ્યાના સુકોમળ પગ આટલું ચાલીને લાલ-ગુલાબી થઇ ચૂક્યા હતા. એમાંય ચપ્પલ વિના તો ચલાય તેમ જ નહોતું. આરાધ્યા મુંજાઈ. વિસ્તાર એકાકી હતો. રીક્ષા પણ જવલ્લે જ- ભાડુ મળ્યું હોય તો જ- આવે જાય!
મેં કહ્યું "અરે યાર, એમાં ચિંતા શું કરે છે ? હમ હૈ ફિર ક્યા ગમ હૈ? ખડખડાટ હસતા મેં આરાધ્યાને મારા મજબૂત હાથથી ઊંચકી લીધી. આરાધ્યાના બંને હાથ માળાની માફક મારા ગળામાં વીંટળાયા. મારી પૌરુષી છાતીને, સુકોમળ આરાધ્યાના ઉન્નત ઉરોજનો સ્પર્શ થતો હતો. આરાધ્યા આમ તો ખુલ્લા વાળ રાખતી, પણ આજે તેણે અંબોડો વાળીને ઉપર શ્વેત સુગંધી મોગરાની વેણી પહેરેલી હતી. મારા મજબૂત હાથમાં ઝીલાયેલી આરાધ્યા ગંભીર થઇ ગઇ હતી, એનો મને ખ્યાલ જ ન હતો ! હું તો મારી મસ્તીમાં મનગમતા ગીત ગણગણતો, એને પુષ્પના ગુચ્છની માફક ઊંચકીને ચાલી રહ્યો હતો. પણ એના ઉષ્ણ ઉચ્છવાસ મારા ગાલ અને કાન પર ટકરાઇ રહ્યા હતા.
હું ઉભો રહી ગયો. આરાધ્યાના દિલના ધબકાર મારી છાતીની ધડકન સાથે સંગત કરતા હતા. એના ઉરોજ કદાચ વધારે સખત થયા હતા. પલળતા મોગરાની સુગંધ વાતાવરણને માદક બનાવી રહી હતી. એના ગરમા ગરમ શ્વાસો શ્વાસ વધારે વેગવાન બનીને મને સ્પર્શે, ત્યારે ન સમજાય એવો સળવળાટ હું મારા બદનમાં અનુભવતો હતો.
મારી ડોક પર વીંટળાયેલા આરાધ્યાના હાથની પકડ ઢીલી પડી. મેં એની આંખ સામે જોયું. એની બંને આંખના ખૂણામાં ગુલાબી ઝાંય ઉભરી આવી હતી. શ્વેત સુંદર ચહેરો, શરમના શેરડાથી રતુમડો બની ચૂક્યો હતો ! મેં એને નજાકતથી નીચે ઉતારી. વરસતા વરસાદમાં એના દેહ પર ચપોચપ ચોંટી ગયેલી પારદર્શી પંજાબી કુર્તીમાંથી નીતરતું લાવણ્યભર્યું એનું સૌંદર્ય, એની હાંફતી છાતીનો ચઢાવ-ઉતાર, એના ધ્રૂજતા કોમળ ગુલાબી હોઠ, ઝુકેલી નજરો.... હું ક્ષણવારમાં બાલ્યાવસ્થાના સ્વપ્નમાંથી ફરી બાવીસ વર્ષનો યુવાન બની ગયો.
મારા વાંકડિયા એ ઝુલ્ફાં ખભા ઉપર પથરાયા હતા. બ્રાસાનો શર્ટ ચપોચપ ચોંટીને મારી વિશાળ છાતીના પૌરુષી ઘેરાવને ઉઠાવ આપી રહ્યા હતા. મેં મારા બંને હાથથી આરાધ્યાના બંને બાહુ ન પકડ્યા હોત, તો એ નક્કી રસ્તા પર ઢળી પડી હોત !
અમારા બંનેના શ્વાસોશ્વાસ તેજ થઇ ગયા હતા. અચાનક આરાધનાએ એનું મસ્તક મારી છાતી પર ઢાળી દીધું. મારી છાતી પર વરસતા શીતળ વર્ષાજલ સાથે આરાધ્યાની આંખમાંથી વહેતા ઉષ્ણ અશ્રુજળનો અભિષેક થઇ રહ્યો હતો. અત્યંત સંસ્કારી, શીલવાન, ચારિત્ર્યવાન, ગુણવાન અને સમજદાર એવી, ખાનદાન પરિવારની એક યુવતી અને સહાધ્યાયીમાંથી માત્ર ગાઢ મિત્ર બનેલા મારા જેવા એક ગામડાના સરળ યુવકને અચાનક રમત-રમતમાં સર્જાયેલા આ પ્રસંગે મિત્રોમાંથી પ્રેમી બનાવી દીધા હતા.
એને રડતી જોઈને મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. મારા માટે પણ એક યુવાન સુંદર સ્ત્રીનો આ પ્રકારનો સ્પર્શ પ્રથમ વખત હતો. હું યે ગ્રામ્ય પરિવેશમાંથી આવેલો, સંસ્કારી પરિવારનો, ધર્મભીરુ સ્વભાવનો યુવાન હતો. દુનિયા ગમે તેટલી આગળ વધી હોય, હું લગ્નેતર સંબંધને સદાય ત્યાજ્ય ગણતો. એ મારા ખાનદાની સંસ્કાર હતા. મેં આટલા વર્ષમાં ક્યારેય કોઈ સ્ત્રીને આવી દ્રષ્ટિથી જોઈ પણ ન હતી. કોઈ સ્ત્રીની સંવેદનશીલતાનો લાભ લઇ, તેને ફસાવી, તેની જિંદગી બરબાદ કરવાનો વિચાર સરખોય કોઈ દિવસ મેં કર્યો ન હતો. અમે બંને ભલે રોમાંચિત હતાં એનાથી પણ વધારે દુઃખી હતાં.
વરસાદનું જોર ઘટયું. થોડે દૂર એક વૃક્ષની નીચેની બેંચ પર અમે બેઠા. આરાધ્યા મારા ખોળામાં માથું મૂકી, ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી. હું એના માથા અને પીઠ પર હાથ પસવારીને અને મૂક આશ્વાસન આપતો રહ્યો, મારી આંખ પણ એના પર આંસુઓનું સિંચન કરી રહી હતી.
રડીને હળવી થયા પછી તે સ્વસ્થ થઈ. મારી બાજુમાં લગોલગ બેઠી. મારી હથેળીને પોતાની બંને સુકોમળ હથેળીથી દબાવી, ઊંડો નિશ્વાસ નાખ્યો. મારા હાથને પોતાના હોઠ સુધી લઈ જઈ, એક હળવું ચુંબન કર્યું, ત્યારે ફરી તેની આંખો ઊભરાણી. આખરે ધીમા અવાજે બોલી, "અર્પિત, આપણે આટલા આગળ ક્યારે નીકળી ગયા એની જાણ જ ન થઈ !! પણ અમે લુહાણા છીએ. અમે રઘુવંશી- અમારા મૂળ પુરુષ સૂર્યવંશી હોવાનું મારા પરિવારને ગૌરવ છે. વળી મારા પપ્પા અને બંને ભાઈઓ અત્યંત ઉગ્ર સ્વભાવના છે. મારા પર વિશ્વાસ મૂકી, મને રાજકોટ ઉચ્ચ અભ્યાસ માટે આવવા દીધી, એ વિશ્વાસનો દ્રોહ મારાથી ન થાય અને તારી સાથે જોડાવાની મંજૂરી કદી મારા શ્રીમંત પપ્પા મને આપે નહીં. જ્ઞાતિના પ્રમુખ હોવાથી અમારી આબરૂને ધક્કો પહોંચે એવું હું કંઈ કરી ન શકું."
મેં એક ઊંડો નિશ્વાસ નાખ્યો ને કહ્યું," મને પણ ખબર ન પડી કે આપણો પરિચય મૈત્રીમાંથી પરિણયમાં ક્યારે પરિણમ્યો ! આપણે તો જાણે આપણા બચપણને જીવતા હતા ! આજે વરસાદે આપણને યૌવનમાં પ્રવેશ્યાનું ભાન કરાવ્યું. આપણે રોમાંચિત જરૂર છીએ પણ નથી, મતિભ્રષ્ટ નથી. તારી વાત સાચી છે. જેણે બાવીસ-બાવીસ વર્ષથી તને ફૂલની જેમ ઉછેરી છે, તેનો દ્રોહ કરીને, તું મારી સાથે ભાગી આવે એ તો મારા સંસ્કારને પણ ન રૂચે. તું કહે તો હું મારા પરિવારમાં વાત કરીને તારા પપ્પા પાસે તારો હાથ માગવા આવી શકું.
આરાધ્યાએ ચોંકીને અર્પિતની સામે જોયું. "ના... ના.. જોજે, એવી ભૂલ ન કરતો. તારું કે તારા માતા-પિતાનું અપમાન થાય કે તમે હડધૂત થાવ, એવું હું કદી ન ઇચ્છું. મારા માતા-પિતા આ સંબંધ મંજૂર રાખે, એવી કોઈ સંભાવના નથી. આરાધ્યાએ પોતાના બંને હાથથી અર્પિતના ચહેરાને સ્પર્શ કર્યો. તેની આંખ ફરી છલકાઇ પડી.
તેની આંખોમાં પવિત્ર પ્રેમની જ્યોત ઝળહળતી હતી. તે બોલી, "અર્પિત, મને ખબર હતી કે આપણે પ્રેમમાં પડી ચૂક્યા છીએ. પણ તારી નિર્દોષ મસ્તી અને બાળક જેવા સ્વભાવે તારા તરફના પ્રેમ ભાવને પ્રગટ કરવા ન દીધો. બળજબરીથી મેં તારા તરફની મારી ઉર્મિઓને દબાવી રાખી. આમ પણ મને ખબર હતી કે આપણું જોડાણ કદી શક્ય નથી. પણ પ્રેમ કાંઇ કોઇને પુછીને કે યોજનાથી થતો નથી. પ્રેમ એક દૈવી તત્ત્વ છે. તે કરી ન શકાય, થઈ જાય!! તે પ્રકટે, પ્રકાશે પછી પ્રકાશે અને ઉજાસ પણ પાથરે !
અર્પિતે મંદિરની આરતીની ઝળહળતી જ્યોત સમી પવિત્ર આરાધ્યા સામે જોયું. તેની ચિબુક પકડી, તેનાં મસ્તક પર ચુંબન કર્યું, અને કહ્યું, "આરાધ્યા, આપણી મધુર યાદોને, આપણા ઉજ્જવળ-પાવન પ્રેમને, આપણા હૈયામાં કાયમી યાદ બનાવીને, તેની પૂજા કરશું. હું તને ક્યારેય, કોઈ રીતે પરેશાન નહીં કરું. તું હળવી થઈ જા. બધો ભાર ઉતારી નાખ. આવો અનન્ય પ્રેમ પામીને આપણે ધન્ય થયા છીએ- એટલું જ યાદ રાખીએ ! અહીં જ આપણા સંબંધોને પુર્ણવિરામ આપીએ."
આરાધ્યા હવે સ્વસ્થ થઇ ચૂકી હતી. આકાશમાં ગોરંભાયેલાં વાદળાંઓ હટી ગયાં હતાં. અર્પિતે આરાધ્યાના પગમાં ચપ્પલ પહેરાવી, તેના પર પોતાનો સફેદ રૂમાલ વ્યવસ્થિત રીતે બાંધી દીધો. ત્યાં જ કોઈ પેસેન્જર ઉતારીને આવતી રીક્ષા નીકળી, તેને રોકીને બંને એસ.ટી.સ્ટેન્ડ પાછા ફર્યા. ગોંડલ જતી બસ ઉભી હતી. આંસુને છુપાવવા માટે અર્પિતે ગોગલ્સ પહેરી લીધા. અર્પિતા કૃત્રિમ સ્મિત કરવાનો પ્રયાસ કરી રહી. આંખના આંસુને રોકતી, તે બસમાં ચડી. શ્રાવણી સરવડાંની મધુર યાદ સાથે બે યુવાન હૈયા વિખુટા પડ્યા. બે-ત્રણ દિવસમાં અર્પિતે અમરેલીમાં પ્રવેશ લઇ, કાયમ માટે રાજકોટ છોડી દીધું.