Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Others

3  

Mariyam Dhupli

Inspirational Others

અજાણ્યો

અજાણ્યો

7 mins
14.2K


સ્કૂટી પરથી નીચે ઉતરતા ફરીથી માધવીને અશક્તિ જેવું લાગ્યું. આજે લેક્ચરમાંજ ઊંઘ અને ઘેન જેવું અનુભવાઈ રહ્યું હતું. પરીક્ષાઓ નજીક હોવાથી રાત્રે અભ્યાસ માટેના ઉજાગરાઓની એ સીધે-સીધી અસર હતી. પરિણામની ચિંતા અને તાણમાં જમવા પ્રત્યે પણ બેદરકારી દાખવી હતી. વર્ગમાં બેસી શકવા શરીર સમર્થ ન લાગતા માધવીને ઘરે જઈ આરામ લેવું જ ઉચિત લાગ્યું. શિલ્પા એને પોતાની સ્કૂટી ઉપર જાતે છોડવા આવી.

"ઉપર આવું તારી જોડે ?"

"નહીં, હું ચાલી જઈશ. લેક્ચર શરૂ થઇ ગયા હશે, તું નીકળ. હું આવતી કાલે તારી પાસેથી નોટ્સ લઇ લઈશ. થેન્ક્સ ફોર યોર હેલ્પ !"

"થેન્ક્સ કહી મિત્રતાનું અપમાન ન કર. અને હા , આજે થોડો યોગ્ય આરામ લઇ લેજે. એક રાત્રી વાંચ્યા વિના ઊંઘી જશે તો આભ નથી તૂટી પડવાનું. તને આરામની જરૂર છે. "

માધવી પ્રત્યે પ્રેમ અને કાળજી દર્શાવી શિલ્પાએ સ્કૂટી કોલેજની દિશામાં હાંકી. માધવી હિમ્મત ભેગી કરતી એપાર્ટમેન્ટની દાદરો તરફ પહોંચી. ત્રણ માળ ચઢવાના હતા. જૂની ઇમારતમાં લિફ્ટ પણ ન હતી. દાદરની પાલીઓનો આશરો લેતી એ ધીરે ધીરે પગથિયાં ચઢવા માંડી. બીજા હાથમાં થમાયેલા પુસ્તકોને એણે સાચવીને છાતીની વધુ નજીક ચાંપી દીધા. આખરે એ પુસ્તકોમાં તો એનો જીવ હતો. એના સ્વપ્નો, એનું ભવિષ્ય, એનું સમગ્ર અસ્તિત્વ હતું.

૧૨મા ધોરણ પછી આગળ ભણવા માટે ઘરમાંથી સીધી નાજ પાડી દીધી હતી. પરંતુ એના ભાઈ માટે તો જે પ્રવાહમાં જવું હોય એ પ્રવાહમાં આગળ વધી સ્વપ્નોને સ્પર્શવાની છૂટ હતી. ભણવામાં સહેજે રસ ન હોવા છતાં અને ૧૨માં ધોરણમાં ફક્ત ૪૦ % જોડે હેમખેમ પાસ થયો હોવા છતાં બળજબરીથી કોલેજમાં એનું એડમિશન કરાવવામાં આવ્યું હતું. બાઈકની પણ સગવડ કેવી સહેલાઈથી મળી રહી હતી. માધવીને તો શિલ્પાની સ્કૂટી ઉપર જ પરાવલંબન સાધવું પડતું. ૧૨માં ધોરણમાં ૮૫ % લાવ્યા પછી પણ કોલેજનો અભ્યાસ આગળ વધારવા એને માતા-પિતા આગળ કેટલા વલખા મારવા પડ્યા હતા ! આડોશપાડોશનાં રૂઢિચુસ્ત લોકોએ પણ બળતામાં ઘી હોમવાની સામાજિક જવાબદારી પ્રમાણિકતાથી નિભાવી હતી .

"કોલેજના માહોલ હવે કેટલા બગડી ગયા છે ! "

"કોલેજમાં તો ભણવાનું ઓછું ને પ્રેમલીલાઓ વધારે ."

"નહીં ખબર કેવા કેવા ડેઝ ઉજવાય. બધુજ ધતિંગ. વર્ગો ખાલીને કેમ્પસ ને પાર્કિંગ ભરેલા."

"ને ઉપરથી પાછું આ ફેસબુક ને વ્હોટ્સઍપનું દુષણ બાકીની કસર પુરી કરી નાખે. "

"હવે તો છોકરીઓ લફરાંબાજીમાં પણ છોકરાઓ ને ગાંઠતી નથી. ભાગીને લગ્ન પણ કરી નાખે તો કઈ કહેવાય નહીં. "

"કોલેજ કરતા તો છોકરીઓ ઘરેજ સુરક્ષિત. ને એટલુંજ ભણવું હોય તો ઘરેથી 'ડિસ્ટન્સ એજ્યુકેશન' નો વિકલ્પ વધુ ઉચિત."

પણ માધવીને 'ડિસ્ટન્સ એજ્યુકેશન'ની જગ્યાએ નિયમિત કોલેજમાંથીજ અભ્યાસ કરવો હતો. સામાજિક ડર આગળ દીકરીનું ભવિષ્ય અંધકારમાં નાખવા રાજી થઇ ગયેલ સંકુચિત માન્યતાઓ વાળા પરિવારને મનાવવા માધવીએ પોતાના શાળા સમયના ટ્યૂશન શિક્ષકની મદદ માંગી હતી. પુષ્પા મેડમે ઘરે આવીને જાતે માધવીના માતાપિતાને સમજાવીને મનાવ્યા હતા. માધવીની ધગશ અને એમાં છુપાયેલી પ્રગતિની ક્ષમતાથી એમણે એમને અવગત કરાવ્યા હતા.

આખરે માધવીની પરિવાર રાજી તો થયું પણ શરતની લાંબી યાદી જોડે .

૧ ઘરેથી કોલેજ અને કોલેજથી ઘરે. અન્ય કોઈ સ્થળે જવાની કોઈ છૂટ નહીં. ૨ મોબાઈલ મળશે નહીં. પિતાજીનો મોબાઈલ નંબર કે લેન્ડલાઈન નંબરજ મિત્રોને આપવા. 3 મિત્રો જોડે વાતચીત માતાપિતાની હાજરીમાંજ કરવી. ૪ કોઈ પણ છોકરા જોડે મિત્રતા કરવી નહીં કે વાતો કરવી નહીં. ૫ કોઈ પણ ડેઝની ઉજવણીમાં ભાગ લેવો નહીં. ૬ પ્રવાસ, કેમ્પ, રમતગમત કે શહેર બહારની કોઈ પણ ઈતર પ્રવૃત્તિઓ જોડે સંકળાવું નહીં.

માધવીને ભણવું હતું. જ્ઞાન મેળવવું હતું. પોતાના સ્વપ્નો એના ધ્યેયના કેન્દ્રમાં હતા. પોતે જીવનમાં સ્વાવલંબી થવું હતું. એ માટે ફક્ત કોલેજ જવાની છૂટ મળી ગઈ હતી એજ સૌથી મહત્વની બાબત હતી. એ સિવાયની અન્ય બાબતો એના માટે તદ્દન ગૌણ હતી. પરિવારની દરેક શરત આંખ મીંચીને એણે સ્વીકારી લીધી અને આજ દિવસ સુધી એનું શબ્દેશબ્દ જતન પણ કર્યું.

ત્રીજા માળ ઉપર પહોંચતાંજ શ્વાસો થોડી ફુલી ગઈ. અશક્તિ એ જોર પકડ્યું. ફ્લેટની ડોરબેલ વગાડતા એણે માથું બારણાં જોડે ટેકવી દીધું. થોડી રાહત અનુભવી જ કે બારણું અંદર તરફ ધસ્યું. ફ્લેટમાં પગ મુક્તાંજ પરિવારના દરેક સભ્યને એ બેઠકખંડમાં નિહાળી રહી. માતાપિતા અને ભાઈની નજરોમાં વ્યાપેલા ક્રોધનો લાવા કોઈ જ્વાળામુખી ફાટવાની આગાહી આપી રહ્યો.

"ક્યાં હતી ?" પિતાની ખુટેલી ધીરજ શીઘ્ર શબ્દોના પડઘામાં ડોકાઈ રહી.

"આટલી જલ્દી ઘરે આવતી રહી ? કોણ મુકવા આવ્યું હતું ? " માતાએ પણ પિતાની પ્રશ્નાવલિમાં નવા પ્રશ્નો ઉમેર્યા.

"એ જ જેની જોડે કોલેજની પાર્કિંગમાં એકાંત ખૂણામાં વાતો થઇ રહી હતી. જેનો હાથ એના ખભા ઉપર વીંટળાયો હતો." ભાઈએ મૂકેલા આરોપથી માધવી શોકથી ચમકી ઉઠી. શરીરની માંદગી દુણાયેલા ઘરના વાતાવરણમાં પીગળી ગઈ.

"પણ હું તો ....એ તો ..." માધવીના શબ્દો વાક્યમાં પરિવર્તિત થઇ શકે એ પહેલાજ ગુસ્સામાં લાલ પિતાજી એની આગળ ધસી આવ્યા.

"તું પાર્કિંગમાં હતી ? કોઈ છોકરા જોડે એકાંત ખૂણામાં વાતો કરી રહી હતી ?"

પિતાએ પૂછેલા પ્રશ્નોનો પ્રમાણિકપણે ઉત્તર આપવા માધવી સજ્જ થઇ .

"હા, એ અમારો...."

વાક્ય પૂરું થાય એ પહેલાજ એક ઉષ્ણ તમાચો ગાલને લાલચોળ કરી ગયો.

"શરમ નથી આવતી તને. આમ એક અજાણ્યા યુવક જોડે એકાંત ખૂણામાં ભરાઈ વાત કરી પરિવારની આબરુ ધૂળ ભેગી કરવા તને કોલેજ મોકલાવી હતી ?" માતાના શબ્દો સાંભળી માધવી ભાવાત્મક રીતે તૂટી પડી.

"પણ મમ્મી પપ્પા સાંભળો તો એ યુવરાજ હતો. મારા વર્ગમાંજ ..."

"એક શબ્દ આગળ ઉચ્ચાર્યો તો જોજે. મને ખબરજ હતી આ બધા કોલેજવેડા. મને શું સૂજ્યું કે હું એક ટ્યુશન શિક્ષકની વાત સાંભળી મારા પરિવારની આબરુ દાવ પર લગાવી બેઠો ? એ તો સારું થયું કે અભિષેકને દરરોજ ચોરીછૂપે કોલેજનો એક ચક્કર લઇ આવવા મોકલ્યો. નહીંતર શું અનર્થ થઇ જતે ?"

માધવીની ભીંજાયેલી આંખો ભાઈને ધૃણાથી તાકી રહી.

"મને શું આંખ દેખાડે છે ?"

"બસ હવે બહુ થયું . આજથી કોલેજ બંધ . કોઈ જરૂર નથી આગળ ભણવાની. ઘરે બેસી ઘરના કામકાજ શીખો. એજ આગળ જઈ કામ આવશે." માતાના નિર્ણયથી એકજ ક્ષણમાં માધવીના જીવન સ્વપ્નો રજે રજ કચડાઈ ગયા.

"ને કોઈ પણ દિવસ હવે કોઈ અજાણ્યા જોડે એકાંતમાં વાત કરી તો જોવા જેવી થશે. પરિવારના સંસ્કારોની કોઈ લાજ રાખવી છે કે નહીં ?" પિતાના ધમકી ભર્યા શબ્દો ફ્લેટના ખૂણેખૂણામાં ગુંજી રહ્યા, એક અંતિમ ચેતવણી સ્વરૂપે .

પોતાના ઓરડામાં બંધ થઇ માધવી પથારીમાં પછડાઈ. શારીરિક માંદગી જોડે માનસિક થાક અસહ્ય બની ધોધ સમા અશ્રુ થઇ વહી રહ્યો. ભવિષ્યને નામે ફક્ત અંધકાર અને અંધકાર હાથમાં રહી ગયો. સ્વનિર્ભરતાનું સ્વપ્ન રેત સમું હાથમાંથી સરી ગયું.

એક અજાણ્યા જોડે એકાંતમાં વાત કરવાની આટલી મોટી સજા ? પણ એ અજાણ્યો ક્યાં હતો એ તો એના કોલેજનો જી.એસ. યુવરાજ હતો. જાતે કદી કોઈ યુવક જોડે આગળથી એણે વાતજ ક્યાં કરી હતી ?પરિવારની દરેક શરત સાચા મનથી નિભાવી હતી. શિલ્પા પાર્કિંગના બીજે ખૂણે ખૂબજ લાંબા અંતરે સ્કૂટી નીકાળવા ગઈ હતી. શરીરની અશક્તિને કારણે એક ખૂણામાં ઉભી રહી એની રાહ જોઈ રહી હતી. અચાનક થોડી ક્ષણો માટે આંખો આગળ કાળું અંધારું છવાયું. પાર્કિંગમાંથી બાઈક નીકાળવા પહોંચેલ યુવરાજની દ્રષ્ટિ એની ઉપર પડી. માનવતા ખાતર માધવીના શરીરને સહારો ને ટેકો આપી એક ખૂણામાં બેસાડી. શિલ્પાના આવ્યા સુધી એને થામી રાખી. કદાચ ત્યારેજ માધવીનો ભાઈ પાર્કિંગમાં નિહાળેલા એ અધૂરા દ્રશ્યને નિહાળી અધૂરી માહિતી અને અધૂરા જ્ઞાન જોડે ઉતાવળે ઘરે પરત થઇ ગયો.

સંકુચિતતા અને રૂઢિચુસ્તતાએ નવયુવાન સ્વપ્નોને, ધ્યેયને તદ્દન મૂળમાંથી જ ઉખાડી ફેંક્યા.

થોડા વર્ષો પછી ....

બેઠક ખંડ મહેમાનોથી સજ્જ હતો. સાડી પહેરી સોફા ઉપર ગોઠવાયેલી માધવીની નજર હતાશાના ભારથી ઢળી ચુકી હતી. બધી નજર ઝીણવટથી માથેથી પગ સુધી એના શરીરનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહી હતી. એક પછી એક ઔપચારિકતાઓ હાસ્યના લ્હેકા જોડે સમાપ્ત થઇ કે મહેમાનગણ તરફથી અપેક્ષિત માંગણી થઇ :

"હવે બન્ને એકાંતમાં થોડી વાત ...."

મહેમાનનું વાક્ય પૂરું થાય એ પહેલાજ માધવી ચિત્તાની ઝડપે ઉભી થઇ ગઈ. પોતાની નજરને સીધી સામા પક્ષ તરફ વિશ્વાસથી ગોઠવી એણે પોતાની પ્રતિક્રિયા સ્પષ્ટપણે વ્યક્ત કરી.

"માફ કરશો . આ સંસ્કારી લોકોનું ઘર છે. અહીં અજાણ્યા યુવક- યુવતી એકાંતમાં વાત કરે એ સંસ્કારોની ઉણપ તરીકે જોવાય છે. આવી અસંસ્કારી માંગણી કરતા આપને શરમ આવવી જોઈએ. તમારા પરિવારના સંસ્કારોની તમને કોઈ લાજ રાખવી છે કે નહીં ?"

શીઘ્ર પોતાના ઓરડામાં પહોંચી માધવીએ અંદરથી બારણું વાંસી દીધું.

થોડીજ ક્ષણોમાં ફ્લેટનો મુખ્ય દરવાજો અફળાયો.

મહેમાનોની ક્રોધિત વિદાય જોડેજ બેઠકખંડમાંથી પિતાજીનો અવાજ ફ્લેટને ધ્રુજાવી રહ્યો.

"માધવી બહાર આવ , હમણાંજ !"

માધવી સમજી ગઈ આજે ઘરમાં ફરીથી એક જ્વાળામુખી ફાટશે. પણ આજે માધવી એ જ્વાળામુખીનો સામનો કરવા ઓરડામાંથી નીડર બહાર નીકળી , એક ક્રાંતિની ચિનગારી સમી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational