Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અશ્ક રેશમિયા

Drama Romance

3  

અશ્ક રેશમિયા

Drama Romance

અધૂરા અરમાનો-૧૯

અધૂરા અરમાનો-૧૯

5 mins
416



     મહોબ્બતની શરૂઆત અને અંતની કલ્પના કરવી અશક્ય છે. એ તો જે મહાશયે અનુભવી હોય એ જ એની ભવ્ય રોમાંચકતાને જાણે! 'પ્રેમ' શબ્દ જ નિરાળો છે. એ મડદાને બેઠાં કરી શકવાની તાકાત ધરાવે છે.

    પ્રેમની શરૂઆત અને અંતની પોતાની અલગ શાન છે. એક જીવ આપવા મજબૂર કરે છે જ્યારે બીજું જીવ ત્યજવા. બંનેમાં સ્વર્ગ અને નર્ક જેવો તફાવત છે. જ્યારે જવાન સીના પર પ્રેમની સવારી થાય છે ત્યારે મહોબ્બતના અશ્વો ક્યાંયની સફરે પહોંચી જતા હોય છે. પ્રેમનો પવિત્ર પવન જ્યારે રૂહને સ્પર્શે છે ત્યારે જાણે સ્વર્ગના ચૈતનવંતા ઉપવનમાં કોઈ અપ્સરા સંગે સ્વૈરવિહાર કરતા હોઈએ એનાથીયે અનેક ઘણો અનુપમ આનંદ મહેસૂસ થવા લાગે છે.


અને જ્યારે એ જ પ્રેમનો અંત થવા લાગે છે ત્યારે આ શરીર જાણે આત્મા વિનાનું ખોળિયું! જાણે ભયંકર નર્કાગારમાં ડૂબી રહ્યાં હોઈએ અને એનાથી બચવા વ્યર્થ ફાંફાં મારવાના વલખા મારવા પડે છે. એમાંય જ્યારે પ્રેમની સપ્રેમ ભેટ સ્વરૂપે બેવફાઈ અને બદનામીની હિમાલય જેવી જહોજલાલી ભરેલી જાગીરી મળે ત્યારે તો જાણે નર્કની ઓલી આગથી ધગધગતી ખાણમાં જાણે ભડકે બળી રહ્યાં ન હોઈએ?


સૂરજ અને સેજલ સ્વર્ગસા અનુપમ તથા દિવ્ય ખુશિયોના આલમમાં વિહરી ચૂક્યાં હતાં. અને એ અનુભૂતિને ડામવા અંત નર્કની અનુભુતિ લઈને પાછળ પડી ગયો હતો. કિન્તું એ બેમાંથી એકેય અંતને દાવ દે એવા નિર્બળ તો નહોતા જ. જોકે સેજલ તો ધડ પડ્યેય આવું થવા ન દે કિન્તું સૂરજ હવે ખરેખરનો સપડાયો હતો. તેમ છતાંય એ વફાનું આયુધ લઈને મક્કમ મને ખડેપગે ઊભો હતો. છતાંય કંઈ કહી શકાય એમ તો હતું જ નહી. કેમ કે કાળની ગતિ બહું જ ન્યારી છે.


સાંજની અગિયારસ પાળીને સેજલ પલંગમાં પડી પડી ચિત્કારી રહી હતી. એની નજરો ભાવિના અરમાનોની રખેવાળી કરી રહી હતી. સૂરજ સાથેના ભવ્ય રંગમહેલ તૂટી પડવાના ભયે એ શાનભાન ભૂલી ગઈ હતી. એક માં બિચારી બાપડી બનીને એની પલંગે આંસું સારતી બેઠી હતી.

દીકરીના દર્દથી બેચેન બનેલા શિલ્પાબેન હૈયામાં ઘુંટાતી વેદનાને ઉરમાં જ દાબીને સૂનમૂન બેઠાં હતાં.


"ભણવાની કાચી ઉંમરે જ મારી દીકરીને પ્રેમમાં પાડી નુગરાએ? અરે, એને હજું સંસારની ખબર પણ નથી ને એ પ્રેમના પંથે લઈ ગયો?"

એ આગળ વિચારે એ જ પળે દરવાજો ખખડ્યો. ને એ સાથે જ શિલ્પાબેનના હૈયે ધ્રુજારી ઉપડી.

રાત્રિના બારનો સમય થયો હતો. કશાક કામે ડીસા ગયેલ કિશોરીલાલનુ આગમન થયું. ઘરનું વિખરાયેલું વાતાવરણ જોઈને અંતરમાં વિમાસણનું વિષ વ્યાપ્યું. ડિલ તગતગવા માંડ્યું. સેજલને જોઈ આત્મા દુભાયો. ભૂખ ભયથી ભાંગી ગઈ. આંખે આંસું બેઠાં. પલંગ પાસે બેસતા પૂછવા લાગ્યા:"દીકરા સેજલ! શું થયું તને મારા લાલ..!" સેજલના હાથને ઝાલીને ધીમી હલાવી પણ એ ટસ ની મસ ન થઈ. એ ઉઘાડી આંખે છત ભેદીને અંધારી રાતે સૂરજને ગોતવાની વ્યર્થ મથામણ કરી રહી હતી.


"નિરાંતે ઊંઘવા દો એને. બપોરથી ભારે તાવ આવી ગયો છે. ને માથામાં પીડા થાય છે. જમવાનું પણ બાકી છે." પાણીનો પ્યાલો આપતા શિલ્પાબેન નીચી નજરે બોલી ગયા.

"તો હોસ્પિટલમાં લઈ જવી હતી ને! દવાખાને યોગ્ય સારવારથી સાજી થઈ જ જાત." પાણીનો ઘુંટ માંડ ગળે ઊતારતા કિશોરીલાલે કહ્યું.

દવાખાનાને જવાની તો એ ના પાડતી હતી. મેડીકલથી લાવીને ગોળી આપેલ છે." ગભરાયેલા સાદે શિલ્પાબેને ઉત્તર વાળ્યો.

"અરે, તને ખબર નથી કે ડોક્ટરને પૂછ્યા વિના કોઈ ગોળી ગળાય જ નહી? તું તો જબરી હો, જાતે જ ડોક્ટર બની ગઈ!"


શિલ્પાબેનના સૂકા હોઠ મૌન રહ્યાં. આશ્ચર્યભરી વેધક નજરે અંજલી આ બધુ જોઈ-સાંભળી રહી. એના અંતરમા અનેક સવાલ હતાં. શિલ્પાબેને અંજલીના સવાલો ગળી જઈ એને શાનમાં પટાવી લીધી. ગમે તોય માતા! માતા પોતાના બાળકોની કેટલી હદે કાળજી રાખી શકે એનું એ ઉદાહરણ હતું. દીકરીની લાજ ખાતર એને જુઠું બોલવુ પડ્યું.

ક્ષણિક ચિંતા કરીને ઝટ વાળું પતાવીને કિશોરીલાલે લાંબી ફરમાવી. પળમાં જ નસકોરા બોલાવવા માંડ્યા.

ને શિલ્પાબેનની આંખે ઉજાગરો બેઠો.


મળસ્કે જ સેજલની આંખ ઊઘડી. એ સહેંજ સ્વસ્થ અને પ્રફુલ્લિત લાગી. સાંજે ઘટેલી ઘટનાએ એના દિલદિમાગને ભરમાવવા માંડ્યું. સહસા એને સ્મરણ થયું કે 'શાયદ રાત્રે સૂરજ વિશે મમ્મીને ખબર પડી ગઈ હશે તો?' એને ગભરામણ ચડી. થોડીવારે સ્વસ્થતા ધરીને એ મમ્મીને મળવા દોડી આવી. "મમ્મી, જો હુ સારી થઈ ગઈ. મારી ચિંતા હવે કરીશ નહી." તેમ છતાંય હૈયું તો માંય ને માંય રડતું હતું. એવામાં મયુરી આવી. બંને એકાંતમાં મળી. આવતી શુભ સવારે સૂરજ સાથે મુલાકાત કરવાના આયોજન સાથે એ ઘેર ગઈ. ઘેર જઈને મયુરીએ વિજયને ફોન જોડ્યો. કહ્યું, 'આવતીકાલે મળીએ.'


કેસરબિંદી સમી પ્હોં ફાટી. ધીમે રહીને સૂર્ય ઊંચે ચડી રહ્યો હતો. રાતના ખેંચેલી સિગરેટના ઘેનમાં સૂરજ હજુંય ઊંઘ્યો હતો. વિજયનો ફોન આવ્યો એટલે એણે આંખ ઊઘાડી. એની આંખ જાણે ટામેટા!

બપોરી વેળા થઈ. વિજય પાલનવાડા આવ્યો. એણે ફોન જોડીને સૌને મુલાકાત માટે સતર્ક કર્યા. હરજીવન, વિજય, સૂરજ, મયુરી અને સેજલનું પંચેશ્ર્વર ગૃપ ગ્રામપંચાયતની સામે જ આવેલ રામદેવપીરના મંદિરે મળવાની વિચારણા થઈ.

સમય ઈંતજારમાં વીતવા લાગ્યો. સૂરજ, વિજય અને હરજીવન સાડા અગિયાર વાગ્યાથી કાગના ડોળે સેજલના આવવાની રાહ જોઈ રહ્યાં હતાં. બરાબર બારના ટકોરે સેજલે એની સખી સાથે બારણે દસ્તક દીધી. સૂનમૂન સૂરજની એના પર નજર પડી.


સુંદર વર્ણવાળી, અનોખી આભાવાળી, સૌદર્યના ઉડતા ફુવારા જેવી, પદ્મ જેવી કમનીય કમરવાળી અને પરવાળા જેવા મખમલી અધરોવાળી સેજલ મંદિરના બાગમાં ઝુલતાં પુષ્પોના આકર્ષણનું કેન્દ્ર બની. હરજીવન અને વિજય પણ ઘડીવાર ગોટે વળી ગયા. સૂરજની ઈર્ષ્યા આવી. સેજલે ડગ માંડ્યા. એના આગમનથી પવન એકતાલે હવાના ઝીણાં-ઝીણાં વાજિંત્રો વગાડવા માંડ્યો. ગગનમાં મસ્તાન બનીને મહાલતી વાદળીઓ અમી છાંટા ઉડાડવા માંડી. પતંગિયાઓ ગેલમાં આવીને નાચવા લાગ્યા. નાગરવેલની પત્તીઓ હેલે ચડી. સર્વે દિશાઓ આનંદથી એના ઓવારણા લેવા લાગી. ચોફેર પ્રેમની ખુશ્બુના ફુંવારા ઉડાડતી સેજલ સીધી જ સૂરજને બાથ ભરી બેઠી! એને એના મિત્રોની તો આમન્યા હતી જ નહી પરંતું અન્યોની પણ એણે પરવા કરી નહી. અત્યારે મંદિરની મૂર્તિની કે મિત્રોની એને જરૂર નહોતી જાણે. આટલુંય ઓછું હોય એમ એ સૂરજને ચુંબન ભરી બેઠી.


ચહેરા પર અસંખ્ય અકળિત ભાવોને સજાવીને સૂરજ એની માશૂકાની મહોબ્બતભરી દિવાનગીને માણી રહ્યો હતો. જ્યારે સેજલ સૂરજનો હાથ ઝાલીને, આંખોમાં આંખ પરોવીને થનગની રહી હતી.

પ્યાર જેની હસીન જીંદગી હતી, મિલનની મિજબાનીભરી જેમની ખુશી હતી, પ્રેમલગ્ન જેમની મંઝીલ હતી, જેમના નમણા નયનોમાં ભાવિને માણવાના સોનેરી અરમાનો તાજમહલ બની રહ્યાં હતાં એ જ બે દિલ જાણે હવે સંસારઉદધિમાં અટવાઈ પડ્યા હતાં.

આસોપાલવ અને નીલગિરીના વૃક્ષોની હારમાળા વચ્ચેથી દેખાતી ક્ષિતિજ તરફ મીટ માંડીને ધીમા સાદે મયુરી બોલી:"હરજીવન, સમજાવને તારા મિત્રને?"


     હરજીવન:"સૂરજ, યાર તું જગતને સમજાવતો ફરે છે ને આજે અમારે તને સમજાવવો પડે છે એથી તારો દોસ્ત હોવાના નાતે હું સંકોચ અનુભવી રહ્યો છું!" કહીને એણે સૂરજના હાથમાંથી મોબાઈલ સરકાવી લીધો.

    "તો ભઈલા મારા, તું મારો દુશ્મન થઈ જા ને! આયો મોટો સંકોચ વાળો!" સૂરજે ઉગ્રતા ધરવા માંડી.

  હરજીવન પ્રત્યુત્તર આપે એ પહેલા જ વિજયે ઉત્સાહભેર ઉમેર્યું:"સૂરજ, ભાઈ તું સેજલને પ્રેમ તો કરે છે ને?"

   જવાબમાં ઝીણી આંખે સૂરજે વિજય ભણી નજરના તીર તાક્યા.


     "સૂરજ, આ તમારા પ્રેમનો સવાલ છે. કંઈક તો બોલો. મને નવાઈ લાગે છે કે તમે પ્રેમમાં પીછેહટ કરી રહ્યાં છો?" મયુરીએ એને ઉશ્કેર્યો.

  સૂરજે ઊંડો શ્વાસ ભર્યો. સામેના ગાંડા બાવળ પર બેઠેલો ગુસ્સો કહે હવે તો મારૂ જ કામ! ને એ સૂરજની જીભ પર આવીને બેઠો. એણે સેજલ ભણી નજર તાકીને ભાંડવા માંડ્યું:"આ સેજલ નાહકનો મને બધાની વચ્ચે વગોવા બેઠી છે! કેટલા દિવસથી એને પ્રેમથી સમજાવું છું તોય સમજતી નથી?" એણે સેજલનો હાથ પકડ્યો. આગળ કહેવા માંડ્યું:"સેજલ, તું માનતી હોઈશ કે આપણા મિત્રો આપણને સમજાવે ને હું માની જઈશ! કદાપિ નહી! તારી દર્દીલી સમજાવટથીયે હું મારી મજબુરીથી માની શકતો નથી તો આ લોકોની વાત તો ક્યારેય નહી માની શકું! હજીય સવાર છે ને લગ્નની વાત માંડી વાળ. નહી તો નાહકનો મારે કુવો-હવાડો કરવો પડશે!"

    સૂરજ હવે લગન કરે છે કે કૂવો હવાડો ?  

  વાંચો આવતા અંકે...!

                  ક્રમશ:



Rate this content
Log in

Similar gujarati story from Drama