યુ – ટર્ન !– માઈક્રોફિક્શન
યુ – ટર્ન !– માઈક્રોફિક્શન


વર્ગપ્રાર્થના પત્યા પછી વિદ્યાર્થીઓની હાજરી પૂરવા પહેલાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની આવેલી રજાચિઠ્ઠીઓને વારાફરતી મોટેથી વાંચીને લખાણની ટીકાટિપ્પણી દ્વારા તેમની ઠઠ્ઠામશકરી કરવાની ગુરુજીની રોજની આદત બની ગઈ હતી. એકએક શબ્દ કે વાક્ય વાંચતા જાય, કોમેન્ટરી આપતા જાય, પોતે હસતા જાય અને આખા વર્ગને હસાવતા જાય. મોટા ભાગે તેમની કોમેન્ટરીઓ આવી રહેતી:
પૂજ્ય ગુરુજી… વાહ ભાઈ વાહ ! … અમે પૂજ્ય ?… અલ્યા, એને કહેજો કે મારા ઘરે અગરબત્તી ખલાસ થઈ ગઈ છે, તો કાલે એકાદ પેકેટ લેતો આવે, તો અમે પૂજ્ય ખરા ! … સવિનય જણાવવાનું કે…ઓહોહો…વિનય સાથે !… વાહ રે !…લ્યો, શું જણાવવાનું છે, મારા ભાઈ ?… તાવ આવ્યો છે, એમ કે ? … અલ્યા, ઘા કે રિમ નહિ અને એકલો તાવ ? વગેરે…વગેરે.
આજે એક છોકરાએ ગુરુજીના ટેબલ ઉપર ચિઠ્ઠી મૂકી અને તે છોકરાઓ સામે મુસ્કુરાતો મુસ્કુરાતો ગુરુજી તરફ પીઠ ફેરવીને પોતાની પાટલી તરફ જઈ રહ્યો હતો. ગુરુજીએ રોજિંદા પુરોવચનોના ટોળટપ્પા પછી આગળ વાંચ્યું કે ‘આપના પેન્ટની પોસ્ટનાં બટન …’ અને તરત જ કબૂતરની જેમ પાટિયા તરફ ફરી જઈને એક ઝાટકે યુ ટર્ન લેતાં ઘરે રહી ગયેલા અધૂરા કામને આટોપતાં તેઓ એટલું જ બોલ્યા, ‘ચાલો, ચાલો…ગુજરાતીનો છઠ્ઠો પાઠ કાઢો.. લ્યા !.’