Manu V Thakor

Abstract Inspirational

2.5  

Manu V Thakor

Abstract Inspirational

વતનની વાતો ભાગ-1

વતનની વાતો ભાગ-1

3 mins
15.2K


તળાવકાંઠે

તળાવકાંઠો એટલે ઢળતી બપોરે આંટો-ફેરો લગાવવા માટેનું તેમજ પોરો ખાવા માટેનું શ્રેષ્ઠ સ્થળ. બે-ચાર મિત્રો મળી જાય એટલે પહોંચી જઇએ મારે ગામને તળાવકાંઠે... ઉનાળાની ધખતી બપોરે અહીં ઘેઘૂર વડલાની છાંય નીચે બેસીને બેઘડી તરોતાજા થવાની મજા. તળાવના જળને સ્પર્શીને આવતો શીતળ સમીર શરીરને કેટલી ટાઢાશ આપે છે. કાળઝાળ વરસતી ગરમીથી આંખે ઊતરતો ગરમાવો આ પવનની ઠંડી લહેરખીના સ્પર્શ માત્રથી જ ગાયબ થઈ જાય છે. જળને જોતાં જ આંખોમાંથી ભીનાશ ઝરમરે છે. નીતરે છે.

મારા વતનની આ સૌથી સુંદર અને પ્રકૃતિમય જગ્યા. જ્યાં લટાર મારવા જવું ગમે. જ્યાં એકલતા નહીં પણ ગમતું એકાંત મળે... મનની મથામણને હેઠી મૂકતાં થોડી નિરાંત મળે...

ગામનું તળાવ, તળાવની પાળ, પાળ ઉપર લીમડો, પીપળો, વડ, ઢૂવા જેવા ઝાડ, સામે કાંઠે મંદિર, વાવ, કૂવો, પનઘટ, હવાડો, વગેરે... આ બધું જ મારી સ્મૃતિમાં સચવાય છે. જે સાક્ષી છે મારા બાળપણનું, શૈશવની સુંદર પળોની યાદોને એ સાચવી બેઠું છે. વડલાની ડાળ-ડાળ ને પાન-પાન અમારી બાળપણની કેટલીય રમતોની યાદ અપાવે છે. લીમડાની કાચી લીંબોળીના ખિસ્સા ભરી એકબીજાને મારવાની. આંબલી-પીપળીની કે અડવાદોકની એ રમતો. ભૂતકાળની ભવ્ય સ્મૃતિઓ યાદ આવી જાય છે. વડના લાલચટ્ટાક ટેટાં ખાવાની મજા, વડવાઇએ લટકી હીંચકા ખાતા ને કૂદાકૂદ કરતાં. તળાવમાં પાણી વધુ રહ્યું હોય તો એ અમારે માટે સ્વિમિંગપુલ બની જતું. ન્હાવાનું, ઢીમકા લગાવવાના, વળી પાણીની રમતો પણ ઘણી... કલૂડીફોડ... એટલે કે કોઇ પથ્થરને પાણીમાં ફેંકવાનો અને પછી ડૂબકી લગાવી શોધવાનો... જાણે કોઈ મરજીવો મોતી કાઢવા જાય એટલો ઉત્સાહ અમને આ પથ્થર શોધવામાં મળતો. પકડદાવ જેમાં એકબીજા ને તરીને કે ડૂબકી મારીને પકડવાના, કોઇ નાનું લાકડું પાણીમાં ફેંકી એ પકડવા જવાનું... જેવી રમતોથી અમારું બાળપણ સમૃદ્ધ હતું.

તળાવ મધ્યે સ્થિત વાવમાં પથ્થરો ફેંકવા અને પડઘાઓ સાંભળવા ગમતા. જોર-જોરથી અવાજો કરતાં ત્યારે એક મધૂર લયનો રણકો સંભળાતો. ક્યારેક કાંઠે બેસીને નાના પથ્થરોને પાણીમાં સરકાવીએ.. ને તરંગો ઉત્પન્ન કરીએ. તો વળી કૂવા પર બેસીને એકધ્યાન થઈ કાચબાઓ પણ જોતા... કોઈ પાણી ભરવા આવે એટલે ડોલ લઈ કૂવામાંથી પાણી ખેંચવાની મજા. બળતા બપોરના તપ્યા હોય તો ડોલને માથે પણ નમાવી દઇએ. વડલે રમતાં તરસ્યા થઈએ એટલે સીધી દોટ કૂવા તરફ... કોઇને કોઈ ગામની પાણીયારી પાણી ભરતી હોય એમની પાસે ખોબલે - ખોબલે પાણી પીવાની મજા.

આહ્હા... કેટલું મનોરમ્ય હતું અમારું ભાવવિશ્વ.

કદીક તળાવ સૂકુંભઠ્ઠ થઈ જાય તો તેની તરાડો પર ચાલવાનું ગમતું. ઝીણો ઝીણો પગ ખૂંચાય એમ ચાલવાનો રોમાંચ કંઈક અલગ જ આનંદ આપતો. નાના - નાના શંખ અને છીપલાઓ વીણવાનો આનંદ અનેરો. એને બે આંગળી વચ્ચે છીપલું રાખી સીટી વગાડતા.

કોઇ એકાદ તરાડ ઉખાડી તેની માટી લઈ આવતા. માટીના રમકડાં બનાવવાનો મને ભારે શોખ. હાથી, ઘોડા, બળદ, ગાડી, વગેરે જેવા કેટલાય રમકડાં બનાવતા.

પછી એ શાળામાં પણ લઇ જવાનાં... માટીકામ કે અન્ય ક્રાફ્ટકામ પણ આપણને સૌથી વધુ ગમતું...

ચૈત્ર મહીને એટલે કે આ સમયગાળા દરમિયાન લીમડાના મોરને ભેગો કરતાં, વાટી-ઘૂંટી કડવો રસ કાઢીને પીતા અને બીજાને માટે પણ લઇ જતા. વડલાની ડાળ-ડાળ પર કોતરાયેલાં એ નામ આજે પણ હયાત છે...

આ એક - એક દ્રશ્ય ઉપસી આવે છે આંખો મહીં... પોતાના અસ્તિત્વને સાચવવા મથતાં એ દ્રશ્યોને હું ભરી લઉ છું નિજ ભીતર...

કદાચ ખબર હશે એમને કે હું કંડારી શકીશ કાગળ પર એમની જીવંતતાને... ને હું આપી શકીશ પીંછીથી આકાર એ બધાને ને શબ્દો થકી અવાજ.

આજે એ બધું જ પહેલાંની જેમ સ્થિતિવત છે. પરંતુ ઘણું બદલાઈ ગયું છે. હવે જઇએ છીએ ત્યાં પણ બસ માત્ર ઘડી બે ઘડી જ... બસ એ બધાની સાથે એકાદ સેલ્ફી - ફોટો લઈએ. એ કૂવા પર હવે કોઈ પાણીયારી જોવા મળે એ દુર્લભ છે... એ તળાવનું જળ શાંત થઈ જંપી ગયું છે. એ કલરવતો વડલો આજે ભેંકાર ભાસે છે. એ લીમડાની લીંબોળીઓ પાકી થઈ એમ જ ખરી પડે છે. એ તળાવની પાળ સૂની થઈ ગઈ છે. નિરવતા અહીં સર્વત્ર પથરાયેલી હોય છે... એ બધું જ તરસે છે આજના બાળપણને... જે ખોવાઈ ગયું છે... શાળાની ચાર દીવાલો મહીં... મોબાઈલ ગેમની દુનિયામાં... શિક્ષિત પરીવેશમાં...

પણ મને સાંભરે છે આ બધું જ, જેની સાથે મારી એક - એક પળની ભવ્ય યાદ જોડાયેલી છે...

જે આજે પણ સ્મરણોમાં ભરી જીવું છું... જોવું છું... આ પ્રકૃતિની પાસ-પાસ રહીને...


Rate this content
Log in

Similar gujarati story from Abstract