Manu V Thakor

Others

3  

Manu V Thakor

Others

ગ્રામ્યપરીવેશ

ગ્રામ્યપરીવેશ

2 mins
7.8K


કુદરતના સાનિધ્યમાં સમય વ્યતીત કરવો કોને ન ગમે..? 

નિસર્ગની નિરાળી નયનરમ્યતાને માણવાનો સૌથી સુંદર સમય એટલે ઉગમણે ઉગતી સવાર અને આથમણે ઢળતી સાંજ. આ જ સમયે મિત્રો સાથે ઘરની બહાર વિહરવું ગમે. એ સૌંદર્યાનુભૂતિને આંખોમાં ભરવી ગમે. નૈસર્ગિક વાતાવરણ મનને આહ્લાદક શાંતિ અર્પે છે. 

ગામડું એ પ્રકૃતિનો પર્યાય ગણાતું. દરેક ગામને ગોંદરું હોય. જે ભાગોળ, પાદર, વગેરે નામથી ઓળખાય છે. જે કલરવતું હોય પક્ષીઓના મીઠા ટહુકાથી... ઘેંઘુર વડલાની વડવાઈયે ઝૂલતા બાળકોની કિલકારીઓથી... વાતા વાયરાથી.... આવતા-જતાં વટેમાર્ગુઓના વિસામાથી, વાગોળતાં પશુઓથી...ગોધૂલી સાંજથી... ગોવાળોની હાકથી....પડખે વહેતી નદીના વહેણથી કે તળાવથી, કૂવાથી પાણી ભરી આવતી પનિહારીઓની વાતોથી... શહેરથી હટાણું કરી પાછાં ફરતા લોકથી... ખેતરેથી વળતાં થયેલ થાક્યા-પાક્યા ખેડૂતોથી - મજૂરોથી, બળદગાડા ચલાવતા થતાં હાકોટાથી... ઘેટાં-બકરાંના પગરવથી... ભસતા કૂતરાઓથી... સંધ્યાટાણે ગામથી આવતા આરતી અને ઝાલરના મધૂરવથી... આ ગોંદરું હંમેશા ગુંજતું રહેતું. 

આહ્હા... ! 

કેટલો મજાનો વૈભવ હતો આ ગ્રામ્યજીવનનો...! કેટલી ભવ્ય હતી એ ગ્રામ્ય સંસ્કૃતિ...! આ ગ્રામીણ જીવનમાં એક મધૂર લય હતો.....

આજે ગામડાઓની ઉપર પણ આધુનિકતાનું આવરણ ચડતું જાય છે. ગ્રામ્યજીવન પણ જૂનું ખંખેરીને નવું સ્વરૂપ ઓઢી રહ્યું છે. એકસમયે ગામડું ગુંજતું રહેતું.... હવે લાગે છે જાણે મૂંઝાઈ રહ્યું છે. ભૂંસાઈ રહ્યું છે... ત્યારે મણિલાલ.હ.પટેલના નિબંધ 'ભૂંસાતા ગ્રામચિત્રો'ની યાદ આવી જાય છે. હું ગામડાંમાં જ ગામડાંના અવશેષો શોધું છું. એના બદલાયેલા રૂપમાં એનું એ ભાતીગળ સ્વરૂપ શોધવા પ્રયાસ કરું છું. મને લાગે છે જાણે આ ગામડું પણ શહેરી મેક-અપ કરી રહ્યું છે. હવે એનો અસલ મિજાજ મળવો મુશ્કેલ થઈ રહ્યો છે. 

સવારના પ્રભાતિયા હવે કાને નથી પડતાં... ઘમ્મર વલોણાનાં એ અવાજો હવે સાંભળવા નથી મળતા. 

ડેલી-ડેલો કે માઢ, આંગણ, ફળિયું, ઢાળીયું, દેશી નળીયું, 

હવે અંશતઃ નજરે પડે છે. એટલે જ ક્યાંક ધરબાઇ ગયેલી લોકલાગણી અને લોકહૈયાના એ ઉમંગ-ઉલ્લાસને શોધું છું. એ હાલરડાં, એ ગીતો, એ લોકસાહિત્યના લયને શોધું છું..... મારી નજરે.... પ્રકૃતિની પાસ-પાસ રહીને...


Rate this content
Log in