STORYMIRROR

Manu V Thakor

Others

3  

Manu V Thakor

Others

પતંગોત્સવની ગઈકાલ અને આજ

પતંગોત્સવની ગઈકાલ અને આજ

4 mins
15.2K


એક સમય હતો જ્યારે ઉત્તરાયણનો તહેવાર એ મને સૌથી વધુ ગમતો. ત્યારે દરેક તહેવારોની ઉજવણી ખૂબ મજાથી મનભરીને થતી. દિવાળી પુરી થતાં જ પતંગ દુકાનો પર આવી જતી.. અને અમારું મન રંગબેરંગી પતંગો જોઇ લલચાય જતું.

ત્યારે અમારા ભદ્રાડા ગામે પતંગોત્સવ એક-બે દિવસ પુરતો નહીં પણ એક મહિના પહેલાથી ઉજવાતો એમ કહી શકાય. તૈયાર પતંગ કરતાં પણ જાતે બનાવેલી પતંગનું અમારે મન વધુ આકર્ષણ હતું. પ્લાસ્ટિકની થેલી કે છાપાઓમાંથી પતંગો ઘરે જાતે જ તૈયાર કરતાં. એ માટે સાધન-સામગ્રીમાં જોઇએ ગુંદર.ને એ માટે અમે મિત્રોની ટોળકી ઉપડી પડીએ ખેતરોની ઝાડીઓમાં ! બાવળના ગુંદને શીશીમાં ભરી ગુંદર બનાવીએ. નાની-મોટી પૂંછડીઓ જૂની કેસેટની પટ્ટીઓમાંથી બનાવતાં ને પતંગની અલગ જ છાપ ઊભી કરતા..

આ સમયે જીરું, ઘઉં, ચણા ને સરસવનાં લીલાછમ ખેતરો લહેરાતા હોય ને અમે હાથમાં ચડાવેલા પતંગની કંઇ-કેટલીય ગાંઠો ને ગૂંચોવાળી દોરીનો ઢેરો લઈ સીમ ભણી દોડી જતાં. ખેતરોના શેઢા પર કે ઢુવાના ઝાડ પર ચડીને પતંગ ચગાવવાની મજા જ કંઇક અલગ હતી. લહેરાતા પાક સાથે પતંગ પણ લહેરાતી. ખૂબ ઊંચે ચડાવી ને હાથમાંથી છોડી મુકવી ને પાછળ-પાછળ પકડવા દૂર સુધી દોડવું એ પણ આનંદ હતો. 

પતંગ થોડી-ઘણી ફાટી તૂટી હોય તો એનું રીપેરીંગ કામ શરૂ થતું. કેટકેટલી પટ્ટીઓ મારવાની ને સઢ તૂટી હોય તો દોરી બાંધીને પણ સરખી કરવાની. ને એ જ પતંગને ઉડાડવાની. પતંગ ઉડાવવી ને પેચ લડાવવા એ પણ કળા છે. એમાં પણ અવનવા તુક્કા થતા. ઘુમરી મારતી પતંગ હોય તો લાંબી પૂંછડી બાંધવી પડે.. ને થાપ ખાઈ જતી હોય તો ઢઢો વાળી ને ઉડાવવી. અથવા તો કિન્ના સરખી ન હોય ત્યારે ઘોડાગાંઠ મારીને સરખી કરવાની. આવા નિત-નવા જુગાડ કરતાં.

ઉત્તરાયણના એક મહિના પૂર્વે પણ દરેક દિવસ ઉત્તરાયણ જ લાગતો. શાળાથી છૂટતાં જ ઘરે દફતર મૂકી પતંગ આકાશે ચડાવી દેતા. આ પર્વ આવતાં સુધી તો કેટલીય વખત દોરી પીવડાવી દેતા ને ખતમ પણ થઈ જતી. પૂર્વતૈયારીઓ મહીના પહેલા થઈ જતી. ભાઈબંધો સાથે મળીને દોરી પાવાની યોજના થાય. ઊડી ગયેલા બલ્બ ને ટ્યુબલાઇટ ભેગી કરતા ને કાચ વાટી રાખતા. ખાટલા ને ઊભો કરી ઉપરના બે પાયા પર દોરી વીંટીને પવાતી હતી. બે ઝાડ નજીક ઉભા હોય તો એની ફરતે પણ વીંટાળાતી. 

પતંગો ચગાવવા કરતાં પણ લૂંટવાની એક મજા રહી છે.

પવનમાં ચડી ગયેલ પતંગડીને લૂંટવા ખેતરોમાં એક-બે કિમી અંતર ક્યાં કપાઇ જતું એ ખબર ન રહેતી. ખેતર ફરતે કાંટાની વાડમાં અડવાણાં પગે ગરછીંડામાંથી ગરકીને પણ પતંગ સુધી પહોંચી જતાં. ન કાંટાની વેદના હતી કે ના શર્ટ ફાટવાની ચિંતા. હતો માત્ર પતંગને લૂંટવાનો અનહદ આનંદ. ઊંચી - ઊંચી ડાંગ લઈ ગામની ગોંદરે. ઊડતી પતંગો સામે મીટ માંડીને ઊંચુ જોતા ઊભા રહેતા. લંપ્પેટના અવાજે દોડવા કાન એવી રીતે સળવા થઈ જતાં જાણે રેસમાં દોડવા વિહ્સલનો અવાજ પડ્યો હોય. 

લૂંટનારની પણ ટોળકી સતર્ક બની ઊભી હોય. ક્યારેક પતંગ માટે ઝપાઝપી થાય ને ફાટી જાય. કોઇના પણ હાથમાં ન આવે. તો ક્યારેક ઝઘડવાનું પણ થાય. 

ક્યારેક દૂર સુધી દોડતા જઇએ પતંગનો પીછો કરતાં અને હમણાં નીચે આવશે એવી આશા હોયને એ જ પતંગ કોઈ ઊંચી જગ્યાએ ફસાઈ રહે ને પછી એને જોઈ કેવું મન લલચાય. પછી વીલા મોંએ પાછું ફરવું પડતું. ને બીજા પતંગો પર નજર માંડવી પડે. 

કોઈ આપણી પતંગ ખેંચીને લઈ જાય તો એ ગુસ્સો ઉતારવા ઊડતી પતંગોને લંઘર નાખીને પાડી દેવાની. લંધર પણ તૈયાર કરી રાખ્યા હોય. એ દોરી લૂંટવા માટેનું હાથવગું હથિયાર. દોરી લૂંટી ઢેરો કરવાનો ને એનો ઉપયોગ આગલી રાત્રે કિન્ના બાંધવા થતો. 

કેટલાય ગૂંચડાઓ લૂંટીને ભેગા કર્યા પછી નિરાંતે ગૂંચો ઉકેલાતી ને ઢેરો બનાવવામાં આવતો. 

ઉત્તરાયણની આગલી રાત્રી તો મોડે સુધી જાગીને બધા જ પતંગોને કિન્ના બાંધી દેવાની. અને એમાય મને તો ચિતરવામાં રસ એટલે સફેદ ચીલ પતંગમાં કેટલીય ડિઝાઈન ને લખાણોથી રંગીન બનાવી દઉ. ઉત્સુકતા એટલી વધી જતી કે એ દિવસે તો અંધારામાં જ વહેલા ઊઠી જતા. ધાબુ તો હતું નહીં એટલે આંગણામાં જ ઊભા રહી પતંગો ચડાવતા. ક્યારેક છાપરે પણ ચડી જતા. 

કિકિયારીઓ ને લંપ્પેટટ્ના અવાજોથી આકાશ ગૂંજી ઊઠતું. દિવસભર આકાશ પતંગોથી છવાયેલું રહેતું. ખરેખર... એ ઉમંગ-ઉત્સવ જેવી મજા આજે નથી રહી.... 

આજે ગામડાઓમાંથી પણ લોકો શહેરમાં ઉત્તરાયણ મનાવવા જાય છે. ધાબા પર ડીજે ના લાઉડસ્પીકર પર ડાન્સ અને મહેફિલ જામે છે. સેલ્ફીઓ અને ફોટોના દંભ અને દેખાડા થકી ઉત્સવો ઉજવાય છે. જ્યારે એ સમયે ના તો મોબાઈલ હતા કે ના સેલ્ફીના શોખ. ખરો આનંદ ખૂપી ગયો છે ક્યાં ? કોને ખબર ? શહેરી ઉત્સવોના વધતા આકર્ષણે ગામડાઓમાં મજા ઓછી કરી નાખી છે. છૂટા-છવાયા પતંગો જોવા મળે છે એ પણ ફક્ત ઉત્તરાયણના દિવસે. જ્યારે અમારે તો વાસી ઉત્તરાયણ પણ એટલી જ ધામધૂમથી ઉજવાતી. લોકો ખબર નહીં કયા પ્રકારની જિંદગીની મજા લૂંટે છે. તૂટક-ફૂટક આનંદ મારી-મરડીને લેવાય છે. મિત્રો પણ હવે મળતા નથી. દૂર રહેતા હોય એ પહેલાં તો ગામડે આવતા તહેવારોમાં જ્યારે હવે તો એ પણ શહેરી રંગે રંગાઈ ત્યાંજ માત્ર પરીવાર સાથે પતંગની મજા લે છે. જ્યારે અમારે ગામડે તો આ દિવસે આખું ગામ જ એક પરીવાર જેવો બની જતો.

બસ... હવે તો આ ઉત્તરાયણ ધાબે ચડી એકાદ બે મિત્રો સાથે બેસીને જ ઉજવાય છે. પતંગ એક-બે ઉડાવે અને ઘણા સાથે રહી ખાણી-પીણીની મજા લેતા રહે. 

ગામડાની મજા આ શહેરી અનુકરણમાં ખપી ગઇ છે. ચાઇનીઝ દોરીઓ અને તુક્કલથી લૂંટાતી મજા હવે સજા પણ બનતી જાય છે. ઉત્સવ જેવું કંઈ લાગતું નથી હવે. ઉત્સવમાં ઉત્સાહ હોવો જોઈએ. એ આજે જોવા નથી મળતો. આજકાલ ફોટાઓ થકી સોશ્યલ મિડિયામાં ઉત્સવો ઉજવાયાની ખબર આપે છે સૌ. બાકી બધા વ્યસ્તતાને વાયરે ક્યાં ચગી ગયેલ છે ખબર નહીં. એવા કયા કામની કિન્નાએ સૌ બંધાઈ ગયા છે આજે, કે હૈયે ઉમટતો અનાયસ આનંદ નથી રહ્યો આ ઉત્સવો માટે. એ ઉત્સાહ નથી રહ્યો આજે. તો પણ આ આધુનિકતા સાથે ઉત્સવોની મજા લઈએ છીએ....


Rate this content
Log in