Manu V Thakor

Inspirational Others

4  

Manu V Thakor

Inspirational Others

વતનની વાતો ભાગ - ૩

વતનની વાતો ભાગ - ૩

3 mins
13.5K


મોમાઇ માતાજીના મંદિર વિશેની દંતકથા નીચે પ્રમાણે છે.

વર્ષો પહેલાંની આ વાત છે. એક વયોવૃદ્ધ બ્રાહ્મણભક્ત મોમાઇ માતાજીના દર્શનાર્થે પગપાળા મોરાગઢ ધામે જાય છે. મોરાગઢ ધામ એટલે મા મોમાઇ માતાજીનું સ્થાનક.

એ સમય વાહનવ્યવહારની સવલતો ન હતી એટલે પગપાળા જ જાવું પડતું. ઘરેથી પગપાળા યાત્રાએ જવા તે બ્રાહ્મણ નીકળે છે અને માતાજીના ધામે પહોંચે છે. દર્શન કરે છે. માતાના સાનિધ્યમાં થોડો સમય રહે છે. ત્યારબાદ માતાના ચરણોમાં નમન કરી ઘરે પરત ફરવા નીકળે છે. સાંજનો સમય પણ થવા આવ્યો છે. સતત ચાલવાથી આ વયોવૃદ્ધ થાકી જાય છે. તેના પગ ભરાય જાય છે અને હવે રાત્રિના સમયે આગળ ચાલી શકે એવું જોર પગમાં નથી જણાતું ત્યારે બોરડીના સૂકાં ઠૂંઠા પર માથું ટેકવી બેસી જાય છે. મનોમન માતાજીનું સ્મરણ કરે છે ને કહે છે કે માડી મારા પગ હવે મારે ગામ પહોંચી શકે એટલા જોરમાં નથી રહ્યા. શ્વાસ વધુ ચડતો જાય છે. શરીર હાંફતું રહે છે. હવે ઘરે પહોંચવું દુષ્કર જેવું લાગે છે. થાકને કારણે સૂકાં ઠૂંઠા પર ક્યારે મીઠી નીંદર આવી જાય છે એ ખબર નથી રહેતી અને ઘસઘસાટ ઊંઘી જાય છે.

રાત વીતે છે. મળસકું થતાં આંખ ખૂલે છે.ઊભા થઈને આજુબાજુ નજર કરી જુએ છે. બોરડીના સૂકાં ઠૂંઠાને બિછાનું બનાવી તે સૂતેલો હતો. ઊઠતાંની સાથે જ રાત્રે નીંદર ક્યારે આવી ગઈ...? પોતે અત્યારે ક્યાં છે..? મનમાં એવા સહજ પ્રશ્ર્નો ઉદ્ભવે છે. પાસે તળાવ છે. દૂર કૂવા પર પાણી ભરવાવાળી ગામની કેટલીક સ્ત્રીઓની ચહલપહલ વરતાય છે. આછા અંધારામાં કૂવા પાસે જઈને તે આ સ્ત્રીઓને પૂછે છે.

'બેટા, કોઇ કહેશો આ ગામ કયું છે....?' પાણી ભરતી સ્ત્રીઓમાંથી કોઈ જવાબ આપે છે કે, 'ભદ્રાડા ગામ છે'.

આ શબ્દો સાંભળતા જ તે ખળભળી ઉઠ્યો. મારું જ ગામ...! ઊંડા વિચારોમાં ઊતરી ગયો. કંઇ સમજાતું ન હતું. ઊગમણે સુરજ ડોકિયું કરે છે ને સર્વત્ર અજવાળું પથરાય છે ત્યારે બધું પરિચિત લાગે છે. તે પોતાના ઘરે પહોંચે છે. પણ મનમાં કંઈક સમજવાની મથામણ ચાલે છે. કશું યાદ કરવાની કોશિશ કરે છે. છેવટે મોરાગઢથી પરત ફરતાં થાકી જવાની વાતનું સ્મરણ થાય છે ત્યારે અંતે સમજાય છે કે આ બધો મોમાઇ માતાજીનો જ ચમત્કાર છે.

યાત્રાથી જલ્દી આવી ગયા એટલે બધા કૂતુહલવશ પૂછે છે ત્યારે તે પોતાની સાથે બનેલી ઘટના વિગતથી સૌને જણાવે છે. જોતજોતામાં ગામ આખાયમાં આ વાત વાયુવેગે પ્રસરી જાય છે. ગામલોકો આ વાતને માનવા તૈયાર નથી થતાં. સૌ એ બ્રાહ્મણ સાથે તળાવકાંઠે આવે છે અને તે સૌને સૂકાયેલ એ બોરડીનો ઠૂંઠો બતાવે છે, જેના પર એ અહીં આવી પહોંચ્યા હતા.કોઈ સત્ય નથી માનતા ત્યારે બધાં પરચો માંગવા કહે છે કે જો આ બોરડીનો સૂકો ઠૂંઠો પાંગરે તો આ વાતને સ્વીકારીએ. થોડો સમય વીતતાં આ સૂકાંભઠ્ઠ લાકડાને બંને બાજુએથી લીલીછમ પાંદડીઓ ફૂટી અને ફાલી.

લોકોમાં અચરજ થયું. સૌએ માતાજીના પરચાનો શ્રદ્ધાથી સ્વીકાર કર્યો. અહીં નાની દેરી બનાવી અને સ્થાનક બનાવ્યું. એ પછી લોકો અહીં દર્શનાર્થે આવતા રહ્યા. પુજા-અર્ચન થતું રહ્યું. સમય જતાં અહી મંદિર બનાવાયું. ભવ્ય પ્રતિષ્ઠા પણ થઈ.આજ પણ ગામને તળાવકાંઠે આ મંદિર સ્થિત છે. લોકો પોતાની શ્રદ્ધા પુરી થતાં આજે પણ દૂર દૂરથી દર્શનાર્થે આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational