વર્તુળે આમ શું કામ કર્યું હશે?
વર્તુળે આમ શું કામ કર્યું હશે?


“દાદા, આ વર્તુળ જો અંચાઈ કરે છે!” ત્રીપદાએ પોતાના દાદાને ફરિયાદ કરી.
“ના. દાદા, ત્રીપદાએ પહેલાં અંચાઈ કરી.” વર્તુળે મારી પાસે પોતાનો બચાવ કર્યો.
“એલા, રમતમાં ઝગડવાનું નહિ.” ત્રીપદાના દાદા જન્મેજયે સંધિ કરવાનો પ્રયાસ કર્યો.
“પણ દાદા! વર્તુળ ચીટીંગ કરે છે. તેની સાથે હું નહિ રમું.” ત્રીપદાને સંધિ મંજૂર ન હતી.
“જો સામે ઝાડ દેખાય છે ને? તેને અડીને જે પહેલું આવશે તેને હું ઈનામ આપીશ. જાઓ દોડો.”
“પણ ઈનામ શું આપશો?” વર્તુળે ખુલાસો પૂછ્યો.
“એ સિક્રેટ છે. રેડી? થ્રી..ટુ..વન..ગો!” જન્મેજયે ફરિયાદનો ચુકાદો આપવાનું ટાળી કળથી વચલો માર્ગ અપનાવ્યો.
વર્તુળ અને ત્રીપદા બંનેએ દોટ મૂકી.
જન્મેજય તેની પૌત્રી ત્રીપદા અને હું મારા પૌત્ર વર્તુળને લઈ વીક એડમાં પાર્કમાં આવીએ. બન્ને છોકરાંઓ રમે અને અમે પાર્કમાં થોડાં ચક્કર લગાવી એક બાંકડા પર બેસીએ અને અમારી તબિયત તથા ભાઈબંધી
મજબૂત કરીએ. સદર ફરિયાદમાં વર્તુળે ચોક્કસ ચાલાકી કરી હશે તેની મને અને જન્મેજયને ખાત્રી હતી. બંને છોકરાંઓ દોડ પૂરી કરી પાછાં આવ્યાં.
“વાહ! ત્રીપદા પહેલી આવી! લે આ તારું ઈનામ!” કહી જન્મેજયે ગુલાબનું એક મોટું ફૂલ તેને આપ્યું.
“દાદા! બગીચામાંથી ફૂલ તોડવાની મનાઈ છે તો તમે કેમ તોડ્યું?” વર્તુળે પ્રશ્ન કર્યો.
“હા, વર્તુળ! તારી વાત સાચી છે. પણ આ ફૂલ માળીકાકાએ જ જન્મેજયદાદાને આપ્યાં છે. તોડ્યાં નથી. દાદાએ માળીને મોટાં ગુલાબ ઉગાડવાની રીત શીખવી હતી. તે પ્રમાણે કરવાથી આ ગુલાબ ઊગ્યાં.” મેં કહ્યું.
“પણ દાદા! ઈનામ તો વર્તુળને મળવું જોઈએ. તે મારાથી આગળ જ હતો પણ છેલ્લે જાણી જોઈને તે ધીમો પડી ગયો અને મને આગળ જવા દીધી.“ ત્રીપદાએ ઘટસ્ફોટ કર્યો.
“એમ? તો લે વર્તુળ આ તારું ઈનામ! જાઓ હવે રમો બંને જણાં.”
હું અને જન્મેજય એકબીજાની સામે જોતા રહ્યા.
વર્તુળે આમ શું કામ કર્યું હશે?