Vandana Patel

Inspirational Thriller Others

4.5  

Vandana Patel

Inspirational Thriller Others

વરસાદની એ રાત

વરસાદની એ રાત

5 mins
432


મારો અનુભવ આ રાતનો અવિસ્મરણીય કહી શકાય.

                       શ્રાવણ માસનો છેલ્લો સોમવાર. હું ખુબ ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરી ઘરે આવી. બપોરે જમી. થોડી વાર આડી પડી. નીંદર જ ન આવે. હું બધો સામાન ફરીથી તપાસવા માંડી. હું અને મારો બાબો વિદેશ જવા માટે તૈયારી કરતા હતા. ભાભીએ રસોઈ કરી. હું અને મારો બાબો સાંજે જમીને આઠ વાગ્યાની બસમાં જવાના હતા. અમે સાંજે સાડા સાતે ટ્રાવેલ્સ ઑફિસે પહોંચી ગયા. વરસાદ ચાલુ થઈ ગયો હતો. બસ અડધી કલાક મોડી આવી. મારો ભાઈ મને કહે કે આ સમય પર તને એરપોર્ટ ન પહોંચાડે તો ફ્લાઈટ ચૂકી જવાય.

                અમે બધા કારમાં ઘરે આવ્યા. ફટાફટ મારા પપ્પાને તૈયાર કર્યા કે અમારી સાથે કારમાં આવે. મારા ભાઈએ ડ્રાઇવરને કુવાડવા રોડ પર આવવાનું કહી દીધું. ટ્રાવેલ્સ ઑફિસેથી ફોન કરી દીધો હતો કે પપ્પા ફટાફટ જમી લે. બધું એટલી ઉતાવળ અને રઘવાટમાં થતું હતું. વરસાદે સારી સ્પીડ પકડી લીધી હતી. ખબર નહોતી પડતી કે ફ્લાઇટમાં અમારે જવું છે કે વરસાદને ! કદાચ અમારી વિદાયમાં રડતો હશે. મેં એને છાનો રાખવા ખુબ ખુબ પ્રયત્નો કર્યા, પણ એ જીદી બાળકની જેમ કંઈ સાંભળવા જ તૈયાર ન હતો. અનરાધાર વરસાદ અને વીજળીના કડાકા...

                            રાજકોટ ઘરેથી પોણા નવ વાગ્યે નીકળ્યા. કુવાડવા રોડથી અમદાવાદ જવાના હાઈવે પહોંચતા સવા દસ વાગી ગયા હતા. વરસાદમાં કંઈ દેખાય નહીં. ટ્રાફિક ને વરસાદ ....હું તો ચિંતામાં મુકાઈ ગઈ કે કારમાં જવાનો નિર્ણય બરાબર તો છે ને ! ત્યાં ડ્રાઈવરભાઈ બાઈકમાં આવી ગયા. તેને મુકવા કોઈ આવ્યું હતું. બંને પલળી ગયા હતા. મારો ભાઈ નીચે ઉતરી ગયો ને ડ્રાઈવર બેસી ગયો. જે ભાઈ ડ્રાઇવરને મુકવા આવ્યો હતો એ મારા ભાઈને ઘરે મુકવા ગયો.

                    મને ચિંતા થતી હતી કેમ કે વરસાદ ધીમો પડવાનું નામ લેતો ન હતો. અમે એવા વરસાદમાં ચોટીલા પહોંચ્યા. ત્યાં તો પેલા ડ્રાઈવરભાઈએ ચા પીવા માટે કાર ઊભી રાખી. મને અને મારા પપ્પાને એમ થયુ કે વાંધો નહીં ચા પીતા કેટલી વાર ! અને એ સરસ જાગતો રહે એ જરુરી હતું. જેવા એ ભાઈ ચા પીને આવ્યા એટલે તરત મારા પપ્પાને કહે કે કાકા, કારની ચાવી આપો. મારા પપ્પાએ ના પાડી કે મારી પાસે ચાવી નથી. હવે.............?

            કાર ઓટોમેટિક હતી. કાર ચાલુ રાખીને ચા પીવા ગયા હોત તો સારું થાત. પણ હવે શું થાય ? એમાં થયું એવું કે મારો ભાઈ ઉતર્યો ને ડ્રાઈવર બેસી ગયો ત્યારે કાર ચાલુ હતી. કારની ચાવી મારા ભાઈના ખિસ્સામાં રહી ગઈ. ભાઈ આપતા ભૂલી ગયો અને ડ્રાઈવરભાઈ માગતા ભૂલી ગયા. (એ ભાઈ અમારી કાર બે વરસથી ચલાવતા હતા, તો પણ ભૂલી ગયા.) વરસાદ તો વધતો જ જાય, વીજળીના ચમકારા ને વાદળની ગર્જના ....બાપ રે! મારા ભાઈને તરત ફોન કર્યો કે કયાં છો ? ઘરે પહોંચી ગયો ? મારો ભાઈ ઘરે પહોંચીને સ્નાન કર્યું હતું, બસ એટલી વાર થઈ હતી. ત્યાં પણ ટ્રાફિક ને વરસાદ હતો. મારા પપ્પાએ બધી વાત કરી. અમે બીજી કારમાં જઈએ છીએ. તું ચાવી લઈને અહીં આવી જા. અમે ત્યાંથી બીજી કાર માટે ચા ની હોટલમાં જ પૂછ્યું. પંદર વીસ મિનિટમાં બીજી કાર આવી ગઈ. વરસતા વરસાદમાં સામાન શિફ્ટ કર્યો. પંદર મિનિટ બીજી ગઈ.

                   ચા ની હોટલમાંથી ફોન આવ્યો ત્યારે હું દ્વારકાથી આવીને જમવા બેઠો હતો- એવું આ નવા ડ્રાઈવરે કહ્યું. અમે ત્યાંથી નીકળી ગયા. મારા ભાઈની કારમાં પેલા જુના ડ્રાઈવરભાઈ કારનું ધ્યાન રાખતા અને મારા ભાઈની રાહ જોતા બેઠા. રાજકોટથી મારો ભાઈ અને એના સસરા ચોટીલા આવવા નીકળ્યા. અડધી રાતે બધાને હેરાન કર્યાનો મને અફસોસ થતો હતો.

મેં અમદાવાદ મારી બેબીને ફોન કર્યો કે ત્યાં વરસાદ હોય તો ફ્લાઇટ ડીલે થાય તો ખબર પડે. મારી બેબી તો જાગતી જ બેઠી હતી. મને જીદ કરીને કહે કે હું તમને મળવા એરપોર્ટ આવું. મારાથી રડી પડાયું. હું મારી બેબીને પહેલી જ વાર મારાથી દૂર મૂકીને જતી હતી. બી. ઈ. માં એડમીશન કરાવીને હું નીકળતી હતી. અમે બંને એક જ મહીનાથી દૂર થયા હતા. મારી બેબીને બહુ સમજાવ્યું કે વરસાદ ખુબ અનરાધાર વરસે છે. બેટા, એરપોર્ટ સમયસર પહોંચીશું કે કેમ એ પણ સવાલ છે. પછી તું મળીને જા ત્યારે પાછી હોસ્ટેલ પાછી પહોંચી ગઈ કે કેમ એ જાણવાની ચિંતા રહે. તને અંદર તો આવવા ન દે. અમે બહાર ઊભા ન રહી શકીએ કેમ કે એરપોર્ટની અંદર જવાનો સમય તો જતો રહ્યો છે. માંડ માંડ મનાવી. હું રડી પડી.

                એ વરસાદની રાત ખુબ ખુબ યાદ રહી ગઈ. દીકરીને પહેલીવાર મૂકીને જતા હતા. દિકરીને વિયોગ, વરસતો વરસાદ, એરપોર્ટમાં મોડો પ્રવેશ, કાર ચેન્જ....      હે ઈશ્વર!  આવો કટોકટીનો સમય કોઈના જીવનમાં ન આવે. અમે એરપોર્ટ પર સવા બે વાગ્યે પહોંચ્યા. મારા પપ્પા બહાર ઊભા હતા. હું અને મારો બાબો ટ્રોલીમાં સામાન ગોઠવીને અંદર લઈ ગયા. ત્યાં પણ થોડા રઘવાટમાં આવી ગઈ કેમ કે મારો બાબો ક્યાંય દેખાય જ નહીં. ટ્રોલી લાવતા વાર લાગી એટલે ચિંતા તો થાય ને ! 

સામાનના વજન થઈ સ્ટીકર લગાડાય ગયા.

અંદર જઇ અમારા બોર્ડિંગ પાસ લીધા. ઈમીગ્રેશનની લાઇનમાં જતા જ હતા કે મારો બાબો કહે કે મને પેટમાં દુઃખે છે. હું લાઇનમાંથી નીકળી ગઈ. ફટાફટ પર્સમાંથી સાઈકલોપામ આપી. એ ટોયલેટ ગયો. અને મેં મારા પપ્પાને ફોન કરીને કહ્યુ કે હવે તમે રાજકોટ જવા નીકળી જાઓ. મારો બાબો આવ્યો એટલે એ પુરુષોની લાઇનમાં અને હું સ્ત્રીઓની લાઇનમાં ઊભા રહ્યા. ઈમીગ્રેશન પતાવ્યું. સીક્યુરીટી ચેક વગેરે પતાવી ફ્લાઈટ જ્યાંથી ઉપાડવાની હતી ત્યાં જઈને બેઠા. સાડા ત્રણ વાગે ગયા હતા. ફ્લાઈટ સાડા પાંચની હતી. વ્યર્થ જાગવાની કોશિશ કરતા અમે ખુરશીમાં બેઠાં બેઠાં જ સૂઈ ગયા. અચાનક જ મારી ઊંઘ ઊડી. મેં દોડીને ત્યાં કાઉન્ટર પર પૂછ્યું તો જાણવા મળ્યું કે એ લંડનની ફ્લાઈટની લાઇન હતી. અમારી બે નંબરથી ઉપડશે. અમે ફટાફટ સામાન સાથે ત્યાં પહોંચ્યા. છેલ્લા દસ-બાર પેસેન્જર દેખાયા. અમે જલ્દીથી લાઇનમાં રહી ફ્લાઇટમાં બેઠા. સાત સાડા સાતની આસપાસ પહોંચી ગયા.

***

               રાત્રે ફ્લાઈટ માટે એરપોર્ટની અંદર આવવાનો છેલ્લો સમય સાડા બારનો હતો. એથી મોડું અંદર ન આવવા દે તો.....ફ્લાઈટ ચુકી જવાય. નિયમ આવ્યો હતો કે ફ્લાઈટના સમયથી સાડા પાંચ કલાક પેલા બોર્ડિંગ કરવું. અમારા પર ભગવાનની કૃપા કે અમને સવા બે વાગ્યે અંદર આવવા દીધા. નહીં તો અમારે સાડા બારે મોડામાં મોડું અંદર જવાનું હતું.

એ પછી સમયસર ઊંઘ ઊડી એ પણ ચમત્કાર ગણાય.

બાબા માટે સાઈકલોપામ કેવી રીતે પર્સમાંથી નીકળી એ હજી સુધી નથી સમજાયું.    

 હું એ અવિસ્મરણીય વરસાદની રાત ક્યારેય ન ભૂલી શકું. આજે પણ રુંવાડા ઊભા થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational