Sang Savariya

Classics Inspirational

3  

Sang Savariya

Classics Inspirational

વૃધ્ધ સહાય

વૃધ્ધ સહાય

5 mins
495


ઘડિયાળના કાંટા સાડા દસ પર આવ્યાં હતા. ધીરે ધીરે કરતા એક પછી એક ગ્રાહકો બેંકના મુખ્ય હોલમાં પ્રવેશ કરી અંદર આવતા હતા.

આજે પહેલી તારીખ હતી. આવનારા ગ્રાહકોમાં વૃદ્ધોની સંખ્યા વધું હતી.

દર મહિનાની પહેલી તારીખ આવે એટલે તમામ પેન્શનરો જાણે રાહ જોઇને બેઠા હોય તેમ બેંકમાં અચૂક આવી જતા.

આમ જોઈએ તો પહેલી તારીખે ખરેખર પેન્શન લેવા આવવાનું એક બહાનું હોય તેવું ક્યારેક ક્યારેક લાગતું. કારણ કે પેન્શનની રકમ કોઈપણ તારીખે લઇ શકાય પરંતુ પહેલી તારીખનાં જ વધુ પડતા વૃદ્ધો પેન્શન લેવા માટે બેંકમાં આવતા. વર્ષોની ફરજ દરમિયાન મેં તારણ કાઢ્યું હતું લગભગ મોટાભાગના પેન્શનરો પોતાના સહ-કર્મચારીઓ તથા મિત્રો હોય છે જે બેંકના સમય દરમિયાન બેંકે આવતા હોવાથી એકબીજાને મળી સુખ-દુઃખની વાતો કરતા હોય છે. આખો મહિનો ઘેરે રહી બોર થઈ જતા આવા પેન્શનરો એટલે જ તો 1 થી 10 તારીખ ની વચ્ચે પેન્શન લેવા માટે બેન્કે આવતા. બેંકમાં આવી આ વયોવૃદ્ધ પેન્શનરો શાળામાં વેકેશન પૂર્ણ કરી અને હાજર થતા વિદ્યાર્થીઓ જે રીતે નવા જૂની વાતો કરી મૂકે અને એક બીજાની વાતો જાણવામાં ઉત્સુકતા દેખાડે તેવી જ ઉત્સુકતા અને વાતોનો કલશોર આ પેન્શનરો બેંકમાં આવ્યા બાદ કરી મુકતા.

બેંક સુધી પોતાના કોઈ સ્વજન સાથે તો ઘણા ખરા વ્હીલચેર અને લાકડીના ટેકે માંડ માંડ આવતા, બેંકમાં આવ્યા બાદ પોતાના પેન્શનર મિત્રને મળી આનંદવિભોર બની જતા. ઘણીવાર એવું પણ બનતું અહીં આવનાર પેન્શનરો જાણે પુરા મહિનામાં માત્ર પહેલી તારીખને જ ઝંખતા હોય તેવું પણ લાગતું. બેંકમાં આવનારા બીજા ગ્રાહકોને આ ભીડ જોઇ એવું લાગતું કે જાણે આ બધા વૃધ્ધો પેન્શન માટે જ જીવતા હશે. પણ ખરી હકીકત કંઈક જુદી જ હતી. પેન્શન લેવાના બહાને બેંકમાં આવનારા મોટાભાગના વૃધ્ધો ગમે તેટલી ભીડ અને માણસોનો ધસારો હોય છતાં લાંબો સમય બેસી રહેવું પડે તો બેસી આનંદ અનુભવતા.

આ આનંદ હતો પોતાના અન્ય વૃદ્ધ પેન્શનરને મળવાનો. આ આનંદ હતો પોતાની ભીતર એક મહિના સુધી ધરબેલી વાતોને બયા કરવાનો. ક્યારેક એકબીજા પેન્શનરોને વાતો કરતાં સાંભળી જીવનની અનેક સચ્ચાઈઓ જાણવા મળતી. સુખ દુઃખ શું કહેવાય તેની નરી વાસ્તવિકતા સાંભળવા મળતી. વર્ષોનો અનુભવ અને લેખા-જોખામાં કઈ રીતે રસ્તો કાઢવો તેનો ઉકેલ જાણવા મળતો. સમયને સમેટી પોતાના દસકાઓને સુખ દુ:ખમાં આટોપી જીવન તરંગની વાતો દ્વારા ખુશી વ્યક્ત કરતા આ તમામ વયોવૃદ્ધ અને સિનિયર સિટિજનો અમારી બેંકનો એક હિસ્સો બની ગયેલા છે. દર મહિને તેમની વાતોમાં, તેમના અનુભવોમાં નવી હુંફ, નવા વિચારો, લાઇફની રિયાલિટી સાંભળવા મળે. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું. પ્રતિમાસ આવા વિદ્વાન સિનિયર સિટીઝનોનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. તેમની સેવા કરવાનો મોકો મળે છે.

આ વાત હતી સેવાનિવૃત્ત એ તમામ પેન્શનરોની....

પણ હવે જેની વાત કરવી છે તે વાત છે સરકાર દ્વારા પ્રતિ માસ આપવામાં આવતા વૃધ્ધ નિરાધાર લોકોને મળતા વૃદ્ધ સહાય (વૃધ્ધ પેન્શન)ની...

દર મહિનાની જેમ આજે પણ સવિતા માડી અને સંતોક બા એક-બીજાના ટેકે, સહારે બેંકના ત્રણ પગથીયા ચડી મુખ્ય હોલમાં આવી મારા કાઉન્ટરની આગળની બાજુ બારીમાં બેંકની પાસબુક મૂકી અને બેસી ગયા. લગભગ સાડા છ સાત દાયકા વટાવી ચૂકેલ આ બંને વૃદ્ધાઓ હમ ઉમર લાગતા હતા. ચહેરા પર અંકિત રેખાઓ આ બંને વૃદ્ધાઓની ઉંમરની ચાડી ખાતી હતી. સવિતા માડી અને સંતોક બા બંને દર મહિનાની એકથી પાંચ તારીખ વચ્ચે સરકાર દ્વારા આપવામાં આવતા વૃદ્ધ સહાયના રૂ 500 લેવા માટે બેંકમાં આવતા. સવિતા માડીને બે દીકરા અને એક દીકરી હતી દીકરીના લગ્ન થઈ જતા તેને સાસરે વળાવી હતી. જ્યારે બંને દીકરાઓ સવિતા માડીથી અલગ રહેતા હતા. સવિતા માડી પોતાનાથી થાય તે કરી જીવન નિર્વાહ કરતા હતા. જ્યારે સંતોક બાને પાંચ પુત્રો હતા તે છતાં અલગ રહી જીવન જીવતા હતા. આજે બેંકમાં આવ્યા બાદ આ બંને વૃદ્ધાઓ હોલની એકબાજુ ખૂણામાં બેસી પોતાનું નામ બોલાય તેની પ્રતીક્ષા કરતા હતા. સંતોક બાની શ્રવણ શક્તિ થોડી ઓછી હતી જેથી સવિતા માડી તેના કાન પાસે જઈ મોટા અવાજે દરેક વાતોના જવાબ આપતા હતા. જે સામે સંતોક બા અમુક વાતોનો હોંકારો પણ આપતા હતા. દર રોજની જેમ આજે પણ હું એક પછી એક ગ્રાહકોનું કામ પતાવી રહ્યો હતો પણ મારું ધ્યાન એ બંને વૃદધાની વાતોમા હતું.

ધીરે ધીરે એકબીજાના કાનમાં તે વાતો કરી રહ્યા હતા. આ બંને વૃદ્ધાઓ દર માસે લગભગ 2 કિમી દૂર આવેલા ગામેથી પગપાળા ચાલીને આવતા અને પુનઃ પગપાળા ચાલીને જતાં. બંને વૃદ્ધાઓ હળી મળી સહેલીઓની જેમ બેંકે આવી પહોંચતા. તેમનો આ પ્રતિ માસનો ક્રમ લગભગ ત્રણેક વર્ષથી હું જોતો હતો. ત્રણ વર્ષમાં ક્યારેય બંનેમાંથી કોઈ એક વૃદ્ધા બેંકે આવ્યા હોય તેવું બન્યું ન હતું. બંને વૃદ્ધાઓ એક સાથે જ બેન્કે આવતા. આ બંને વૃદ્ધાઓને બેંકમાં આવતા જોઈ મને પણ આનંદ થતો. તેમનું કામ ઝડપથી પતી જાય તે માટે હું સદા ઉત્સુક રહેતો. કોઈને પણ અડચણરૂપ ન થાય તેવું તેમનું વર્તન હતું. વ્યર્થ ઉતાવળ પણ તેઓ ક્યારેય ન કરતા એટલે એનું કામ કરવું મને વધુ ગમતું.

ક્યારેક વધુ પડતી ભીડના કારણે લાંબા સમય સુધી બેસી રહ્યા બાદ જ્યારે તેમનો નંબર આવતો અને હું તેમની પાસબુક ઉઠાવી તેમના ખાતામાં જોતો તો ક્યારેક વૃદ્ધ સહાય આપવામાં સરકાર દ્વારા મોડું થયું હોય ત્યારે આ બન્ને વૃદ્ધાઓને નિ:સાસા નાખતા જોયા નથી. કે કદી તેમને મળતી આ વૃદ્ધ સહાય વગર હવે મહિનો કેમ ચલાવવો? તેવી ચિંતા કરતા કદી જોયા ન હતા. દર મહિને ફક્ત પાંચ સો રૂપિયાની સહાયની રકમ મેળવી પોતાનો નિર્વાહ કરતા આ વૃદ્ધાઓ આજે જ્યારે મે વૃદ્ધ સહાયના નાણાં તેમના ખાતામાંથી ઉધારી હાથમાં આપ્યાં ત્યારે મારા તરફ બંને હાથ ઊંચા કરી આ વૃધ્ધાઓએ "ભગવાન તમારું સારું કરે!" તેવા શબ્દો બોલી આશીર્વાદ આપ્યા... મેં તે વૃદ્ધાને કહ્યું: "માજી મેં ક્યાં મારા ખિસ્સામાંથી તમોને આપ્યા છે ? તમારા ખાતામાં તમારા હતા અને મેં તમને આપ્યા... એમાં મારો શું આભાર માનવાનો?", "ના સાહેબ! સરકારે ભલે આપ્યા...પણ તમારા હાથે તો અમને મળ્યાં ને? અમારે મન તો તમે જ સઘળું! એમ કહી બંને વૃદ્ધાઓએ અનેક આશીર્વાદ આપ્યાં... મેં આપેલી પાસબુક અને તેમની વૃદ્ધ સહાયની રકમ મેળવી પ્રસન્નભાવે બંને વૃદ્ધો ધીરે-ધીરે બેંક બહાર જવા લાગ્યા. હું તેમને એક્ધારો જોઈ રહ્યો... મારા મનમાં વિચાર આવ્યો આ વૃદ્ધાઓએ મને ભલે આશીર્વાદ આપ્યા પણ ખરેખર આ આશીર્વાદના સાચા હક્કદાર સરકારના એ અધિકારીઓ અને માણસો છે જેમણેે આ યોજનાને વિચારી હશે. આ દેશમાં મોટી ઉંમરના અનેક વૃધ્ધો અને કમજોર લોકો છે જેમને મન આ 500 રૂપિયાની રકમ પાંચ લાખ રૂપિયા કરતા પણ વધારે ઉપયોગી છે. આ 500 રૂપિયાના કારણે દર મહિને અનેક વૃદ્ધોના દુ:ખી જીવનમાં સુખની સરવાણી વહેતી થાય છે. અનેક નિરાધારના ઘરનો ચૂલો સળગે છે. આ નાની અને મામૂલી લાગતી રકમ અનેક બેબસ લોકોના મુખ પર સ્મિત રેલાવે છે. જ્યારે આ રકમ થકી જ અનેક નિરાધાર લોકોને જરૂરી એવી તબીબી સારવાર અને દવાઓ ઉપલબ્ધ થાય છે. એવા અનેક પરિવારો હશે જેમના નિરાધાર લોકો આવી સરકારી સહાય પર જીવે છે. અને માંડ માંડ પોતાનું જીવન નિર્વાહ કરે છે. અને વૃધ્ધ સહાય થકી એ તમામ વૃધ્ધોને પોતાના પેટ જણ્યા સહિતના કોઇ પાસે હાથ લાંબો નથી કરવો પડતો.


Rate this content
Log in

Similar gujarati story from Classics