લવ સ્ટોરી
લવ સ્ટોરી


જંતરની સુરાવલીથી ઉદ્ભવેલી પ્રેમ કથા:
શેણી - વિજાણંદ
આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતની ધરતીમાં ધરબાયેલ પૌરાણિક સાહિત્ય, કથનો, વાર્તાઓ, પ્રસંગો, ભજનો, લોક ગીતો, સંગીત, સંસ્કૃતિને જન જન અને માનવ મન સુધી પહોંચાડવા પોતાની સમગ્ર જિંદગી સમર્પિત કરી દીધી હતી. આડ બીડ અને કાંટાળા માર્ગે, ટાઢ, તડકો, વરસાદની પરવા કર્યા વિના લોકવાર્તાઓ, સંસ્કૃતિ અને ઇતિહાસની કથની હસ્તગત કરનાર ખરા નરબંકા મેઘાણીએ તે વખતે દેશથી લઈ વિદેશમાં સૌરાષ્ટ્ર, કાઠીયાવાડ, સોરઠ, નાઘેર, બાબરીયા વાડ, હાલાર, ઝાલાવાડ અને ભાલ પ્રદેશ સહિતના વિવિધ વિસ્તારોની શૌર્ય, સાહસ, ખાનદાની, પ્રણય, ભાઈબંધી, વટ વચન અને વીરતા તથા સભ્યતા સહિતના વિવિધ પાસાઓને પોતાની વાર્તાઓમાં વણી લઈ ગુર્જર સાહિત્યને અવગત કરાવી નવી ઊંચાઈ પ્રદાન કરી હતી. શ્રી મેઘાણીનું યોગદાન સાહિત્ય જગત માટે પ્રેરણા બની સદૈવ સુવાસ ફેલાવે છે અને ફેલાવતું રહેશે.
આજના પ્રકરણમાં તેમની લખેલી એક વાર્તાની આસપાસના ઘૂંટાયેલું એક રહસ્ય સ્વરૂપ સ્થળનો ઉલ્લેખ કરવો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરને અડીને ત્રણ કી.મી. દૂર આવેલ શેણીના ખોડીયાર મંદિર બાબતે અનેક લોકવાયકાઓ જાણીતી છે. મેઘાણીની લોક વાર્તા શેની વિંજાનંદ પર પણ ઘણીબધી વાર્તાઓ છે. અને એ વાર્તાઓની લોક માનસ પર એટલી બધી પકડ છે કે હજારો વર્ષથી આ વાર્તાઓ સંભળાતી આવી છે. વાજિંત્ર વગાડનાર ઉપર મોહિત થનાર અને એના ઉપર પ્રાણ ન્યોછાવર કરનાર સ્ત્રીઓ જૂના વખતમાં બન્યાનો ઇતિહાસ સમયના અમર પૃષ્ઠો પર અંકિત છે આવા જ એક ઇતિહાસની વાત તરીકે સૌરાષ્ટ્રમાં પૌરાણિક સોરઠ અને કાઠિયાવાડની ભૂમિ પર શેણી અને વીજાણંદની વાત બહુ જાણીતી છે, બન્ને ચારણ જાતિનાં હતાં , વીજાણંદ કામનો આળસુ , રેઢિયાળ જુવાન હોવાનું ઇતિહાસકાર લખે છે. પણ એ અસરકારક અને દિલ હરિ લે તેવું જન્તર વગાડતો. રખડતો ભટકતો આ આવારા જુવાન જન્તર વગાડીને રોટલા રળી ખાતો આ જન્તરને કારણે એક શેણી નામની યુવતી મોહિત થઇ ગઈ હતી , અને એની સાથે લગ્ન કરવા સુધીને તૈયારી કરી લીધી. આ વાતની શેણીના બાપ વેદાને જ્યારે ખબર પડી ત્યારે એની વ્હાલી દીકરીને આ વીજાણંદ જેવા રખડુ સાથે ન પરણવા ઘણી સમજાવી. પણ શેણી માનતી નથી તે જવાબ આપતી કે "ધોબી લુગડે ધોઈ રૂપાળે રાચું નઈ", મર મેલડીયો હોય એક વીજાણંદ જેવા રેઢિયાળનાં એ જંતર વગાડનાર વેજાને એટલે એ છોડવા માગતી નહોતી. આને પ્રેમની પરાકાષ્ઠા પણ કહેવાય ? વાર્તામાં શેણી ને પામવા માટે તેના પિતાએ રાખેલી એક શરત સામે એકસો પૂરી નવચંદરી ભેંસ મેળવવા માટે નીકળી નેસડે નેસડે જઈને વિજાણંદ ગળતી રાતનું જંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી નીંદર ઉડાડી મૂકે છે. પ્રભાતે પ્રભાતે ભરદાયરામાં વિજાણંદને ભેટ આપવાની વાતો થાય છે. પણ નવચંદરી ભેંસોનું નામ પડતાં નેસવાસીઓ લાચાર બની જાય છે. ચાર ચાર પગ ધોયેલા: પૂંછડાને છેડે ધોળા વાળ: અક્કેક આંચળ ધોળો: લલાટમાં ધોળું ટીલું: મોં ધોળું: અક્કેક આંખ ધોળી: એવાં નવ નવ શ્વેતરંગી ચંદ્ર-ચિહ્નોવાળી ભેંસો તે નવચંદરી કહેવાય. એવી ભેંસો ક્યાંક મળે છે, ને ક્યાંક નથી મળતી. નવમાંથી એક પણ ઓછું ચાંદુ તો ચાલે તેમ નથી. બીજી બાજુ અહી ગોરવિયાળી ગામમાં શેણીના યૌવનની કળીઓ પણ ઊઘડી ગઈ હતી. પ્રેમનું ખેતર પાકી ગયું હતું. શેણીના તલસાટ બોલતાં હતાં? "ખેતર પાક્યું કણ ઝરે, મન બેઠું માળે,વળ્ય વેલો વિજાણંદા, (મને) રોઝડાં રંજાડે.
હે વિજાણંદ, મારા જીવનનું ખેતર પાકી ગયું છે. યૌવનરૂપી દાણા નીચે ઝરી જાય છે. અંત:કરણ તારી રાહ જોતું માળા પર બેઠું છે. હવે તું ઝટ પાછો વળજે, કેમ કે નાદાન ચારણ ઉમેદવારોરૂપી રોઝડાં મારા જીવન-ખેતરને રંજાડે છે. (મને પરણવા હોડ લાગી છે ને મે તો તારા જંતરના સૂરે વીંધાઈ તને મારા મનનો માણીગર ધારી લીધો છે. માટે હે વિજાનંદ જ્યાં પણ હો ત્યાંથી ઝટ આવી જા. જીવનનું ખેતર પાકી ગયું છે યૌવનરૂપી મારું મન માળા ઉપર બેઠું બેઠું વાટ જુએ છે. વિજાણંદે તો મને અધવચ્ચે રઝળાવી. તે દિવસે બાપને જાણ થઈ કે દીકરી તો વિજાણંદના નામની જ માળા ફેરવે છે! બાપુએ બહુ સમજાવી. છેલ્લે જવાબ વાળી દીધો: “હવે તો, બાપુ,એ આવે કે ન આવે: હવે અવધ પૂરી થઈ. ને હવે તો મળશું હેમાળાના ખોળામાં, નીકર આવતે અવતાર. હવે મારો મારગ રોકશો મા.”
માટે હે હૃદય, ચાલો હિમાલયે ગળવા. એવા નિસાસા નાખી આખરે શેણી દર દર વિજાણંદને શોધતી જાય છે. ક્યાંક રસ્તામાં એ મળી જાય. સાથે ૧૦૦ નવચંદરી ભેંસ હોય. ગામે ગામે પૂછતી જાય છે "તમે જંતર વગાડતા જુવાનને જોયો છે?" "એ કંઈ બાજુ ગયો ?" એમ પૂછતી તેની ભાળ મેળવતી મેળવતી શેણી સોરઠથી નાઘેર, બાબરીયા વાડના અનેક નેસડા અને ટીંબા માં જઈ વિજાણંદને શોધવા પ્રયત્ન કરે છે. આ શોધ દરમિયાન શેણી અનેક નેસડા પાસે દિવસો સુધી ભાળ મેળવવા રોકાઈ હોવાની લોક વાયકા છે. જેમાં વિજાણંદની યાદમાં સાવરકુંડલાના આ વિસ્તારમાં શેણી કેટલાક દિવસ રોકાયેલ જે દરમિયાન તેમણે માં જોગમાયા આઇ શ્રી ખોડિયારની સ્થાપના કરી હતી. જે સ્થાપન કરેલ જગા પર હાલ પાણીનો મોટો ચેક ડેમ બની ગયેલ છે. જ્યારે શેણી દ્વારા સ્થાપિત માતાજીની મૂર્તિ બાજુના ડુંગરની ઊંચાઇ પર પુનઃ સ્થાપન કરવામાં આવ્યું છે. હાલ શેણી ના ડેમ તરીકે ઓળખાતી આ જગ્યા પર બંને બાજુ માતાજીના બેસણાં છે. ચોમાસામાં આ વિસ્તાર ડુંગરો અને જળ પ્રવાહના કારણે નયનરમ્ય બની જાય છે. પરંતુ મૂળ વાત આખરે ક્યાંય વિજાણંદનો પતો ન લાગતાં શેણી હિમાળે જઈ દેહ થીજાવી દે છે તેવી લોક વાર્તા આ પ્રેમ કથા વર્ષોથી જન જનના માનસ પર અંકાયેલી આજે પણ અજો અમર છે.