STORYMIRROR

Akbar Birbal

Classics Comedy

0  

Akbar Birbal

Classics Comedy

વણીક કળા -૧

વણીક કળા -૧

2 mins
707


એક દીવસે બીરબલે શાહને કહ્યું કે, 'જનાબે આલી ! ગ‌ઇ કાલે એક વણિકના ઘરમાં ચોર ભરાયો હતો તેણે તે ચોરને યુક્તિ કરીને પકડાવીઓ હતો. તે યુક્તી બહુજ અજાયબ પામવા જેવી હતી.'

શાહ--એવી તે શી યુક્તિ કીધી હતી તે તો જરા કહી સંભળાવ.

બીરબલ--સાંભળો ત્યારે.

પાનાચંદ નામના વણિકના ઘરમાં પાછલી રાતે એક ચોર દાખલ થયો. પણ વાણીઆને ખાટલાપર જાગતો પડેલો જાણીને તે ચોર તેના ખાટલા નીચે સંતાઇ બેઠો. પોતાના ખાટલાની નીચે ભરાઇ બેઠેલા ચોરને વાણીઆએ દીઠો. મોતના ભયથી વાણીઓ કંઇ પણ ન બોલતાં જાણે પોતે તેજ વખતે ઉંઘમાંથી ઉઠ્યો હોય એવો દેખાવ કરી પાનસોપારીની ચમચી કાઢી પાન ખાવા બેઠો. બે ત્રણ પાન સારી પેઠે કાથો ચુનો તથા સોપારી નાખી તેણે મોઢામાં ભર્યા અને ઉપરથી તંબાકુની ચપટી લીધી. તંબાકુ ખાનાર પાનની પીચકારીઓ મારે છે તેમ આ વણીકે મોઢાના બે હોઠ આડા આંગળા મુકી પીચકારીઓ મારવા માંડી. તે આબાદ ખાટલાની નીચે બેઠેલા ચોરની ઉપર પડતી હતી. ચોરે વિચાર કીધો કે વાણીઓ પાન ખાઇ રહેશે એટલે સુઈ જશે. પણ તેમ તો કાંઇ બન્યું નહીં. પણ તેમ ન બનતા વાણીઆએ તો ચાવેલા પાનનો કુચો કાઢી નાખી બીજા પાનની પટી બનાવી ખાધી અને તેની પીચકારીઓ નવેસરથી મારવી શરૂ કીધી. આમ કરતાં કરતાં સવાર પડવા આવી હતી, પોતાના ઘરમાં ચોર ભરાયો છે એ વાત વાણીઆણી જાણતી નહતી તેથી તે પોતાનો ઉઠવાનો સમય થતાં ઉઠી એટલે વાણીએ એક પીચકારી તેની ઉપર નાંખી આથી વાણીઆણી રીસે ભરાણી અને દરવાજો ઉઘાડવા જતાં બોલી કે, 'બલ્યુ, તમે તો હવે બહુજ ગંદા થયા છો ! મારી ઉપર આવી રીતે પાનની પીચકારીઓ નાખો છો તેથી મને તો શુગ લાગે છે.' એટલું કહી તેણે દરવાજો ઉઘાડી નાખ્યો. તે જોઇને વાણીઆએ કહ્યું કે, ' મેર રાંડ અભાગણી તું તે કેવી છે ! ખાટલા નીચે હાથ કરીને આ બીચારા પારકા માણસની ઉપર હું બે કલાક થયા પીચકારીઓ મારૂં છું છતાં તે તો કાંઇ બોલતો નથી અને તારી ઉપર એક પીચકારી નખી તેમાં એટલી બધી સુગાઈ કેમ ગ‌ઇ ! લે, વળી આવી મોટી મરજાદણની છોકરી !'

વાણીઆની મોટી બુમ સાંભળતાજ આસપાસ રહેતા પાડોસીઓ ત્યાં એકઠા થ‌ઇ ગયા. તેમને અંદર બોલાવી પહેલા ચોર ભાઇને ખાટલા નીચેથી બહાર કાઢ્યો.

ચોર બીચારો પાનની પીચકારીથી કીરમજી રંગથી રંગાઇ ગયો હતો. તેના કપડા, શરીર, મો વગેરે બધા ભાગો ઉપર પાનની પીચકારીઓ પડી હતી. એકઠા થયેલા પડોસીઓએ મળી ચોરને પકડ્યો અને સિપાઇઓને બોલાવી તેને પકડાવી દીધો. કોટવાર પાસે લ‌ઇ ગયા કોટવાળે વાણીઆની હકીકત સાંભળી લ‌ઇને ન્યાયધીશ આગળ મોકલ્યો.

ચોરે પોતાનો અપરાધ કબુલ કરવાથી ન્યાયધીશે તેને સજા કીધી.

શાહ--બીરબલ ? વાણીઆઓ ઘણી વેળાએ તે બહુજ ચતુરાઇથી કામ લે છે.

બીરબલ--હજુર ! બીજા વાણીઆએ આવીજ રીતની યુક્તી કીધી હતી. અને તેણે પોતાના ઘરમાં ખાતર પાડી દાખલ થયેલા ચોરને પકડાવીઓ હતો તે વાત બીજી વખત હું કહી સંભળાવીશ. એટલું કહી બંને જણ છુટા પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Classics