વડીલ
વડીલ
વડીલ ~ એક રૂપક કથા
એક વખતની વાત છે. એક બગીચો હતો. ત્યાં બે નાનકડાં છોડ એક સાથે ઉગ્યાં—એક હતો વટવૃક્ષનો છોડ, અને બીજો નાનો ગુલાબનો છોડ.
શરૂઆતમાં બંને સરખાં હતા: નાનું કદ, તાજા પાંદડા, મીઠી સુગંધિત ભવિષ્ય.
પવન આવે ત્યારે બંને ઝૂમતાં, વરસાદ પડે ત્યારે બંને ભીનાં થતા. સૂર્ય ઊગે ત્યારે બંને તેના પ્રકાશમાં ઝળહળતા.
પરંતુ સમયે પોતાનો કરિશ્મા બતાવ્યો.
વટવૃક્ષનાં મૂળ ધીમે ધીમે ધરતીની ઊંડાઈએ ઉતર્યા.જ્યાં અંધકાર, કઠોર પથ્થર અને નિર્જન સન્નાટો હતો, પણ તેની દરકાર વગર વડ નાં મૂળે તેની યાત્રા ચાલુ રાખી.
ગુલાબનાં મૂળ થોદા ઊડાં હતા.બગીચા ની પોચી માટી પરનાં હળવા પવન તથા સુગંધ અને કાંટા વચ્ચે.
વટવૃક્ષ ઊંચું વધવાનું શરૂ થયું.
ગુલાબે ફૂલવાનું શરૂ કર્યું.
એક દિવસ બગીચામાં તોફાની પવન આવ્યો.ગુલાબનાં પાંદડા છૂટી ગયાં, પાંખડીઓ ઉડીને ચારેય બાજુ છવાઇ ગઈ.વટવૃક્ષની ડાળીઓથી થોડાં પાંદડા ખર્યાં, પણ તે અડગ ઊભું રહ્યું.
ગુલાબે દુ:ખી થઈને પૂછ્યું:ભાઈ વડ
“શું મારી અંદર બળ નથી?”
વટવૃક્ષ હસ્યું અને બોલ્યું:
“તારુ બળ સુગંધમાં છે. મારુ બળ શીતળ છાંયામાં.”
સમય વીત્યો.
વટવૃક્ષ વૃદ્ધ બન્યું—ડાળીઓ ભારે, છાલ કઠોર, પરંતુ છાંયો હજુ વિશાળ.
ગુલાબ પણ વૃદ્ધ બન્યું—ફૂલ ઓછાં, કાંટાં સૂકવેલા, પરંતુ એકલ દોકલ ફૂલ સાથે સુગંધ હજુ ક્યાંક બાકી.
એક સાંજે બગીચામાં એક નાનો છોકરો આવ્યો.તે થાકી ગયો હતો.વટવૃક્ષની નીચે બેસી ગયો અને આરામ કર્યો.સૂકાયેલા ગુલાબના એક ફૂલને તેણે ડાયરી નાં પાનામાં રાખીને પોતાની ડાયરીમાં સાચવી રાખ્યું.
ત્યારે બંને વૃદ્ધ છોડે એકબીજાની સામે જોયુ, અને જીવન નું તારણ સમજાયું.
સાથે વૃદ્ધ થવાનું એટલે માત્ર, ઉમ્મર નો સરવાળો, કે એકસમાન જીવવું તે નથી ,
પરંતુ પોત પોતાની સાચી ભૂમિકા અદા કરવી તે છે.
વટવૃક્ષે જીવનભર છાંયો આપ્યો
ગુલાબે જીવનભર એક ધારી સુગંધ આપી.
બંને સાથે વૃદ્ધ થયા, પરસ્પર ભિન્ન, પરંતુ એકસરખા સુંદર.
અંતિમ પાઠ:
જીવનમાં સંબંધો પણ આવા જ હોય—કોઈ લાંબો સમય છાંયો બની રહે, કોઈ ક્ષણિક સહારાની સુગંધરેલાવી જુદા થાય.
પરંતુ જ્યારે બંને એકબીજાના અર્થને સમજે અને સન્માન આપે…
ત્યારે જ સાચું “સાથે વૃદ્ધ થવું” કરતા વડીલ બની રહેવું એ યોગ્ય સાબિત થતું હોય છે.
~~~
