વડાપાઉંની રામાયણ.
વડાપાઉંની રામાયણ.
હું ગુજરાતી છું. કોઈપણ વસ્તુ ખાય એનાં કરતાં એ વસ્તુનાં ધંધા વિશે વધુ વિચારે. એમાંને એમાં એ ખાવાની વસ્તુનો આનંદ બાજુ પર રહી જાય. બસ નફો...નફો ...ને ફક્ત નફો જ દેખાય!
હું એક વખત વિધાનગર આંટો મારવા ગયો હતો. ત્યાં ફરતાં ફરતાં વડાપાઉંની લારી પર નજર પડી. એટલે ખાવાનું મન થયું. ત્યાં જઈ ફટાફટ એક વડાપાઉં ખાઈ ગયો. પછી થયું કે લાવ ઘેર ફોન કરું અને એમની હાટુ પણ લેતો જઉં. મેં ફોન કર્યો એટલે ત્રણ વડાપાઉં લાવવાનું સૂચન થયું. મેં ત્રણ વડાપાઉં બંધાવ્યા અને એક ખાધો એટલે ચાર વડાપાઉંનાં સાહીઠ રૂપિયા રોકડા આપ્યા. પાછી મારી આર્થિક પરિસ્થિતિ થોડી સારી એટલે એ રૂપિયા ચૂકવી શક્યો.
ઘેર આવ્યો એટલે બધાં રાહ જોઈને બેઠા હતાં. પહેલા પપ્પાને વડાપાઉં ડીશમાં પીરસ્યું. એક બટકું ખાતા જ પૂછ્યું, "કેટલાં રૂપિયાનું એક?" મને ખબર હતી એમની ટેવ. પણ સાચું કીધું કે પંદર રૂપિયાનું એક. ત્યારે તો વિસ્મય પામી ગયાં ને બોલવાનું શરૂ કર્યું એ બરાબર યાદ કરી લીધું.બોલ્યા કે, "બે રૂપિયાનો પાઉં, બે રૂપિયાનું વડું, એક રૂપિયાનું તેલ ને ગેસ ગણો તો પાંચ રૂપિયામાં પડે.એના પંદર રૂપિયા લે? ત્રણ ગણો નફો. આવી લૂંટ? તારે ભણવા જેવું ન'તું, આવું કર્યું હોત તો વધારે પૈસા કમાતો હોય. પાંચનાં પંદર." મેં કીધું મારેય ક્યાં ભણવું'તું તમે ભણાયો.
આવી ગણતરી મારતાં મારતાં વડાપાઉં ખાઈ ગયાં. એમને ખબર પણ ના પડી કે સ્વાદ કેવો હતો, એની મજા કેવી હતી, તીખું કે મોળું, બસ નફો નફો નફો ! પંદર રૂપિયા મારાં હતાં એ આપ્યાં છતાં એનો આનંદ ના લઈ શક્યા. મારાં પપ્પા એકાઉન્ટનાં શિક્ષક છે એટલે ગણતરી તો પાક્કી જ રાખે. પણ હું સાહિત્યનો જીવ રહ્યો. હું ગણતરી રાખું પણ ક્ષણેક્ષણ આનંદની ગણતરી.
રૂપિયાની ગણતરી જરૂરી છે. જીંદગી જીવવી પણ જરૂરી છે.
