વાયરસ પુરાણ
વાયરસ પુરાણ
વાઇરસની વાત કરીએ તો આજ કાલ કોરોના એ બાજી મારી છે. આટલા બધા દેશો ને પોતાના ભરડામાં લીધા પછી પણ એ આગળ જ વધી રહ્યો છે. કોરોના નું નામ લઈએ એટલે ચિંતા થાય. એવું આપણે નથી કરવું. રોજ ના જીવન માં બીજા ઘણા વાઇરસ છે એની વાત અને ચર્ચા કરીએ.
ચિંતા ની વાત કરી એટલે યાદ આવ્યું આ પણ એક વાઇરસ છે. ગમે એવા સાજા માણસ ને આ ચેપ લાગે એટલે પત્યું. માણસ આખેઆખો સુકાઈ જાય. અને જાણવા મળે કે એવી કોઈ મહત્વ ની વાત જ ન્હોતી, ચિંતા કરવા જેવી. આ ચેપની મુક્તિ માટે રોજ સવાર સાંજ કપિલ શર્મા નો કાર્યક્રમ જોવો. બીજી કોઈ પરેજી પાળવાની નથી.
બીજો વાઇરસ છે ગુસ્સો. અમુક માણસો ને જોઈએ ને તો એવું લાગે કે કદાચ ઓપરેશન કરવી ને નેણ આવા કર્યા હશે. જ્યારે જોવો ત્યારે એક જ જાતનો ચહેરો હોય. શું ખબર શેનો આટલો ગુસ્સો આવતો હશે. આવા વ્યક્તિ માટે ઘરનાં અરીસા બદલી નાખવા. સ્પેશિયલ અરીસા આવે ને જે બાલવાટિકામાં હોય એવા. જેમાં જાડા હોય એ પાતળા દેખાય અને પાતળા હોય એ જાડા. વાકા ચૂકા મોઢા દેખાય એવા. પછી જરૂર થી મુક્તિ મળશે આ ચેપ થી.
આ વાઇરસ એવો છે ને કે એ વ્યક્તિ ને કંઇજ કહેવાય નહિ. કંઇક કહો એટલે રડયા જ કરે અમથો ય દરિયા નો વ્યાપ વધી રહ્યો છે. અને ખારાશ પણ. આવી રીતે
રડયા કરે તો સુનામી આવી જાય. આવા ચેપ ની મુક્તિ માટે ડોરેમોન નું એક ગેજેટ છે. જેમાં હાથ ના મોજા હોય,એમાં દૂર થી જ કોઈને પણ ગલીપચી કરી શકો. મને તો વિચારીને જ ગલીપચી થાય છે. બસ,જ્યારે રડે ત્યારે આવી જ રીતે દૂર થી ગલીપચી કરી દેવાની. આજ એની દવા છે.
આ વાઇરસમાં માણસ ખૂબ ઝઘડાળુ હોય. તીર કામઠાં લઈ ને તૈયાર હોય. કદાચ એમને ઝઘડો કર્યો વગર જમવાનું પણ નહિ ભાવતું હોય. . આવા ચેપ વાળા વ્યક્તિ ને જ્યારે સામે મળે ત્યારે વખાણ નો ડોઝ આપી દેવો. જેવું લાગે કે ઝઘડશે તરત જ વખાણ ચાલુ કરી દેવા, એટલા બધા વખાણ કરવાના કે એ ભૂલી જાય શેની માટે ઝઘડો કરવાનો હતો.
હવે આવે મારો ફેવરીટ વાઇરસ. અમુક લોકો ને કઈ વાત કહીએ તો હસ્યા જ કરે. આપણને થોડો વહેમ થાય કે આપણે કોમેડિયન તો નથી બની ગયા ને!. કઈ નહિ આવો વહેમ તો સારો. મારી ઈચ્છા કે આ વાઇરસ ખૂબ ફેલાય. કોરોના કરતા પણ બમણી ઝડપે ફેલાય. આખી દુનિયામાં ફેલાય.
આ વાઇરસ થી ડૉક્ટર ના ગજવા ભરાવાને બદલે ખાલી થઈ જાય. હસતા રહેવાથી ઉપર બતાવેલ એક પણ વાઇરસ અસર કરતા નથી. ફાર્મા કંપનીઓનો વકરો પણ ઘટી જાય. કદાચ એમને ડિપ્રેશન આવે તો એમને પણ આજ દવા લાગુ પડે.
માટે જ હસતા રહો,હસાવતા રહો અને આવો ચેપ ફેલાવતા રહો.