STORYMIRROR

Narendra K Trivedi

Abstract Romance Classics

4  

Narendra K Trivedi

Abstract Romance Classics

"વાત સલુંણી સાંજની”

"વાત સલુંણી સાંજની”

5 mins
4

*”વાત સલુંણી સાંજની”*

નેહા ઘણા સમય પછી અમદાવાદ કાકાને ત્યાં લગ્ન પ્રસંગે આવી હતી. નેહા આઈ ટી એન્જીનીયર હતી અને કાકાનાં ઘરે રહીને અભ્યાસ પૂર્ણ કર્યો હતો. નેહાને લો ગાર્ડનમાં જવું બહુ ગમતું એક રીતે એ પ્રકૃતિ પ્રેમી હતી. જ્યારે અમદાવાદ અભ્યાસ કરતી હતી ત્યારે સમય મળે લો ગાર્ડનમાં અચૂક જતી અને પ્રકૃતિ સાથે એક રૂપ થઈ જતી. આજે પણ લો ગાર્ડનમાં લટાર મારવા નીકળી હતી. તેના નિયત બાંકડા ઉપર બેઠી અને અતીતમાં ખોવાઈ ગઈ.

એક વખત નેહા સાંજનાં સમયે લો ગાર્ડનમાં ફરી રહી હતી ત્યારે તેણે જોયું કે એક સમવયસ્ક યુવાન તેને ક્યારનો નિરખી રહ્યો છે. પહેલા તો નેહાએ કાઈ ધ્યાન ન આપ્યું પણ પછી નેહાને વિચાર આવ્યો કે ચાલને પુછી જોઉં કે આમ એકીટશે મને નિરખવાનો મતલબ શું છે.

"તમે મને ક્યારનાં એકીટશે નિરખી રહ્યા છો? આમ તો તમે કપડા ઉપરથી અને વર્તનથી સંસ્કારી કુટુંબના હો એવું લાગે છે. તો આમ કરવાનું મને કારણ કહેશો?"

"જુઓ તમે જે વિચારથી મને પ્રશ્ન પુછી રહ્યા છો એવો મારો કોઈ ઈરાદો નથી. હું આપને એક પ્રકૃતિ પ્રેમી તરીકે નિરખી રહ્યોં હતો. આમ જોઈએ તો તમારો પ્રશ્ન પણ ખોટો નથી. તમે ગમે તેને પસંદ પડી જાવ એવી સુંદરતા ધરાવો છો."

નેહાનુ વદન શરમથી ફૂલ ગુલાબી થઈ ગયું.

"મારુ નામ નિરવ છે. હું પણ એન્જીનિયરિંગ કોલેજમાં આઈ ટી માં અભ્યાસ કરું છું. આપને મેં કોલેજમાં ઘણી વખત જોયા છે. આજે આ લો ગાર્ડનમાં મુલાકાત થઈ એટલે તમારી સાથે વાત કરવાનું વિચારી રહ્યો હતો પણ સંકોચને લીધે ખાલી તમને દૂરથી નિરખીને મનને મનાવી લીધું."

નેહા, નિરવની વાતથી ઈમ્પ્રેસ થઈ ગઈ. "નાં, નાં, મારો એવો કોઈ અર્થ નથી પણ કોઈ અજાણી વ્યક્તિ આવી હરકત કરે ત્યારે કારણ જાણવાની ઈચ્છા થાય. હું તો લો ગાર્ડનમાં  સમય મળે ચક્કર મારી જવું છું અને પ્રકૃતિ સાથે થોડુંક તાદામ્ય સાધી લઉ છું. તમને મેં આજે જ જોયા એટલે પૂછ્યું."

પછી તો નેહા, નિરવની  મિલનની શરૂઆત લો ગાર્ડનમાં મળવાથી લઈને હોટલ, રેસ્ટોરેન્ટની મુલાકાત સુધી ગઈ. બંને ક્યારે એક બીજાની નજીક આવી એક બીજાને ચાહવા લાગ્યા એ ખબર ન રહી અને સમયના સથવારે એક બીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા.

"નેહા, આપણો અભ્યાસ પૂરો થઈ ગયો છે. આપણે આપણા પેરેન્ટ્સને વાત કરવી જોઈએ. મને લાગે છે કે આપણા પેરેન્ટ્સ ચોક્કસ સંમતિ આપાશે અને પછી સારી જોબ મળે એટલે લગ્ન કરી લઈએ."

નસીબ જોગે બંનેના પેરેન્ટ્સની સંમતિ પણ મળી ગઈ અને એક સારી પ્રાઇવેટ કંપનીમાં સાથે જોબ પણ મળી ગઇ.

લગ્ન પછી નેહા અને નિરવ બંને ખૂબ ખુશ હતા. જોબમાં સેટલ થવા માટે પાંચ વર્ષ પછીનું બાળક માટે પ્લાનિંગ કર્યું હતું.

નેહા અને નિરવ એકજ કંપનીમાં જોબ કરતા હતા. નેહા નિરવ કરતા આઈ ટી ક્ષેત્રમાં વધુ  કુશળ હતી એટલે પ્રાઇવેટ કંપનીમાં બંને છે એમ નેહાને પ્રમોશન મળતા ગયા અને નેહા કંપનીમાં અગળને આગળ વધતી ગઈ. નિરવ અને નેહા વચ્ચે અહમનો ટકરાવ શરૂ થઈ ગયો. નેહા કંપનીમાં નિરવની બોસ બની ગઈ હતી. નિરવને નેહાની સુચનાઓનું પાલન કરવું પડતું હતું. નિરવને એ જરા પણ ગમતું નહોતું.  બીજું નિરવ કંપની બદલે તો પણ નેહાનુ આઈ ટી ક્ષેત્રમાં નામ અને પ્રખ્યાતી થઈ ગઈ હતી એટલે કોઈ પણ લેવલે આમનો સામનો તો થવાનો જ હતો.

નેહા અને નિરવ વચ્ચે મતભેદો વધતા ગયા. નેહા નોકરી છોડવા તૈયાર નહોતી જ્યારે નિરવ કંપની બદલવા તૈયાર નહોતો અંતે નેહાએ તેની બદલી અમદાવાદથી મુંબઇ કરવી નાખી અને અમદાવાદ, મુંબઇ વચ્ચેના અંતરની જેમ નેહા, નિરવ વચ્ચે અંતર થઈ ગયું. બંને અલગ રહી પોતાની જિંદગી જીવવા લાગ્યા.

નેહા ઘણી વખત વિચારતી કે ભુલ ક્યાં થઈ. શું સ્રી દાક્ષિણ્યની વાત કરતા સમાજમાં સ્રી આગળ વધે એ ગુનો છે કે પછી પુરુષ પ્રધાન સમાજમાં પુરુષના અહમનું પ્રભુત્વ તૂટે એ ગુનો છે. એટલે સ્રી એ આગળ વધવું હોય તો પરિસ્થિતિનો સામનો અને સહન કરવું પડે.

નેહા બીજી રીતે વિચારતી તો નેહાને એમ લાગતું કે આટલો પ્રેમ આપનાર પતિ ક્યાં મળે ક્યાંક મેં આગળ વધવાની મહેચ્છામાં સુખી સંસાર અને પ્રેમનો ભોગ તો નથી લઈ લીધો ને?. નેહાને નિરવની બહુ યાદ આવતી પણ સ્રી સહજ અહમ નિરવને મળવા કે ફોન કરવા માટે આડે આવતું હતું.

તો, નિરવ પણ ઘણી વખત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતો. કે નેહા ક્યાં ખોટી હતી. તેને જે કંઈ કંપની લેવલે પોઝિશન મળી હતી કે મળતી હતી એ તેની કુશળતાનું ફળ અને મૂક્યાંકન હતું. મારે તો નેહાની પ્રગતિથી ખુશ થવું જોઈતું હતું  તેના બદલે પુરુષલક્ષી અહમને પ્રાધાન્ય આપી પરિસ્થિતિ બગાડી બેઠો.
નિરવને પણ નેહાની બહુ યાદ આવતી. ક્યારેક તો નેહા આમ કર, નેહા તેમ કર બોલી ઉઠતો પણ પછી પોતાની જાતેજ ભોથપ અનુભવતો. નિરવે નક્કી કર્યું હતું કે નેહાનો ફોન આવે કે મળી જાય તો માફી માગીને નેહાને મનાવી લઈશ.

નેહા અતીતમાંથી જાગી ત્યારે નેહાએ જોયું કે દૂર બાંકડા ઉપર કોઈ બેઠું છે. એ નિરવ જેવું લાગે છે. નાં, એ નિરવ જ છે પણ અહીં ક્યાંથી હોય? શું એ પણ મારી જેમ લો ગાર્ડન માં લટાર મારવા આવતો હશે? કે પછી મારી જેમ અતીતને વાગોળતો હશે?


નિરવે જોયું કે દૂર બાંકડા ઉપર એક યુવતી બેઠી છે. એ નેહા જેવી લાગે છે. અરે! એ નેહા જ છે. શુ નેહા પાછી અમદાવાદ આવી ગઈ હશે? કે પછી મારી જેમ અતીતને ફમફોળવા અહીં આવતી હશે?

નિરવ અને નેહાએ એક બીજા સામે જોયું પણ બે માંથી કોઈ ઉભું ન થયું. અચાનક બંને ઉભા થયાને અને એક બીજા તરફ જવાનું શરૂ કર્યું. બંને લાલ ગુલાબનાં છોડ પાસે ભેગા થઈ નિઃશબ્દ ઉભા રહી ગયા.

"નિરવ....."

"નેહા....."

બંને એક સાથે બોલ્યા.

"નેહા આપણે એક બીજાને કાઈજ નથી કહેવું. પરિસ્થિતિએ બધુંજ કહીને સમજાવી દીધું છે. નેહા આપણે પ્રથમ વખત અહીં લો ગાર્ડન માં મળ્યા ત્યારે જેવી સલુંણી સાંજ હતી એવીજ આજે આ સલુંની સાંજ છે. આ ગુલાબનું ફૂલ આપી તારી માફી માંગી તારા પ્રેમનો સ્વીકાર કરું છું. તું મારા પ્રેમનો સ્વીકારે છો?"

નેહાએ  નિરવને બાથ ભીડીને કહ્યું "હા, હા, અને હાં." "આપણે આપણા અહમને આ ગુલાબની ખુશ્બુમાં ભેળવીને ખુશ્બુદાર બનાવી દઈએ."

લો ગાર્ડનનાં વૃક્ષો, પર્ણો અને ફૂલો ખુશીથી ઝૂમી ઉઠ્યા જાણે આ મિલન ક્ષણની જ રાહ જોતા હોય એમ.

*નરેન્દ્ર ત્રિવેદી(ભાવનગર)*
#########################


Rate this content
Log in

Similar gujarati story from Abstract