વાત એક રાતની
વાત એક રાતની
આ વાર્તા સ્ત્રી જીવનના એક એવા અંધારિયા ખૂણાને ઉજાગર કરે છે, જે ક્યારેય કોઈના જીવનમાં ન આવે. પરંતુ આટલા રૂઢિચુસ્ત અને કહેવાતા ફોરવર્ડ પરિવારોમાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. જે આપણા સમાજ માટે ખરેખર શરમજનક ઘટના કહેવાય. આ વાર્તાનો કોઈપણ વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાં જો કોઈ કડી બંધ બેસતી જણાય તો તેને માત્ર સંયોગ સમજવો. વાર્તા માત્ર મનોરંજન માટે છે. તેનો ઉદ્દેશ્ય ક્યારેય કોઈ વ્યક્તિ કે સમાજને ઠેસ પહોંચાડવાનો નથી.
અરીસા સામે જોતા જોતા મોના પોતાના ભરાવદાર હોઠ પર ડાર્ક રેડ કલરની લિપસ્ટિક લગાવી રહી હતી. ત્યારબાદ આઇકોનિક કાજલથી પોતાની આંખના ખૂણાને અણીદાર કરતાં કરતાં તે પોતાની મમ્મીને કહી રહી હતી કે, "આજે ટિફિન ભરવાનું નથી. આજે અમારે બ્રાંચમાં જ લંચ મંગાવવાના છે." પરંતુ મમ્મીનો સ્વભાવ તો આપણે બધા જાણીએ જ છીએ. મોના ના-ના કરતી રહી અને તેની મમ્મીએ એક મોસંબી અને થોડી દ્રાક્ષ ભરી જ દીધી. કેમ કે વીણાબેન એટલે કે મોનાના મમ્મીને ખબર હતી કે મોના લાંબો સમય ભૂખી રહી શકે તેમ નથી. મોના ફટાફટ તૈયાર થઈને નીકળી પડી જોબ પર જવા માટે.
મોના ઘરે જેટલી બધાની વ્હાલી હતી, ઓફિસમાં પણ તેટલી જ બધામાં લોકપ્રિય હતી. તેનું કારણ તેનો સ્વભાવ હતો. ક્યારેય કોઈ કામમાં તે ના ન પાડતી. ગમે તેટલું કામ આપો, તે હસતા મોઢે કરી લે. ક્યારેય બીજાની સાથે પોતાના કામની તુલના નહિ. તે દરેક કામ એમ સમજીને કરતી કે પોતે તે કામ કરવા માટે કાબેલ છે, તેથી તેને તે કામ સોંપવામાં આવ્યું છે. તેની કામ કરવાની સ્પીડ અને એક્યુરેસી જોઇને બધા તેનાથી પ્રભાવિત થઈ જતાં. આમ તે જ્યાં પણ જતી, પોતાના સ્વભાવથી બધામાં માનીતી થઈ જતી.
તે સ્વભાવે જેટલી સરળ હતી, તેટલી જ શિસ્ત અને અનુશાસનમાં કડક હતી. મજાક તેને પસંદ હતી, પરંતુ મશ્કરી ક્યારેય નહિ. ખાસ કરીને જો કોઈ આધેડ ઉંમરનો પુરુષ બોલવામાં પણ કંઈ આડી અવળી હરકત કરે તો તરત જ તેનો પિત્તો છટકી જતો. ના તે કોઈની મશ્કરી કરતી, કે ના બીજું કોઈ તેની મશ્કરી કરે તે તેને પસંદ હતું. તેથી જ મોના સરળ સ્વભાવની હોવા છતાં પણ બધાની સાથે એક અંતર જાળવીને વાત કરતી, ભલે પછી તે કસ્ટમર હોય કે સ્ટાફ. તેના આવા સ્વભાવના કારણે જ તેનું માન અને મર્યાદા જળવાઈ હતી. મોનાની બસ એક જ વિકનેસ હતી, અને તે એટલે સમયનું પાલન. ૫:૦૦ વાગ્યે તેની બેંક બંધ થાય અને ૫:૩૦ વાગ્યે તો તેને ઘરે જવાની ચટપટ થાય. તેને એમ થાય કે ક્યારે કામ પતે અને હું ફટાફટ ઘરભેગી થઈ જાઉં. પરંતુ તેની કામ કરવાની ઝડપ અને એકાગ્રતા એટલી હતી કે લગભગ ૫:૧૫ સુધીમાં તો તેનું કામ પૂરું થઈ જ ગયું હોય. આવી મસ્ત જિંદગી હતી મોનાની અને આવી અલ્લડ છોકરી હતી મોના. ૨૫ વર્ષની ઉંમરે ૫૦,૦૦૦ કમાતી હતી, પરંતુ ક્યારેય કોઈ વાતનું અભિમાન નહિ. પોતાને જોઈતા પૈસા રાખીને બાકીનો આખો પગાર મમ્મીને આપી દેવાનો. પપ્પા નાનપણમાં જ ગુજરી ગયા હતા, એટલે મમ્મીએ તનતોડ મહેનત કરીને બંને ભાઈ બહેનને ઉછેર્યા હતા. અને કદાચ તેનું જ ઋણ ચૂકવવાનો પ્રયત્ન મોના અત્યારે કરી રહી હતી.
આવી જ રીતે હસતાં રમતાં મોના અને તેના પરિવારની જિંદગી પસાર થઈ રહી હતી. મોનાના મમ્મી ક્યારેક મોનાને લગ્ન વિશે પૂછતાં ત્યારે મોના કોઈ ને કોઈ કારણસર વાત ટાળી દેતી. તે એમ જ કહેતી કે ભાઈ કમાતો થઈ જાય, તમે બંને મસ્ત રીતે સેટ થઈ જાઓ, પછી જ હું લગ્ન કરીશ. મારે અત્યારે લગ્નની કોઈ ઉતાવળ નથી. તેમ છતાં મમ્મીની વારે ઘડીએ થતી ટકોરના કારણે મોનાએ એક છોકરા પર પોતાની પસંદગી ઉતારી. છોકરાનું નામ વિવેક હતું. તે પણ પ્રાઇવેટ કંપનીમાં ખૂબ ઊંચા હોદ્દા પર નોકરી કરતો હતો. મોનાએ લગ્ન માટે હા પાડી પરંતુ તેમાં શરત એ રાખી કે લગ્ન પોતાની મરજીથી કરશે. તેમાં કોઈની પણ ઉતાવળ કે કોઈ બંધન ચાલશે નહિ. બંને પરિવારની સંમતિથી બધું ફાઈનલ થઈ ગયું.
હવે તો ક્યારેક એવું પણ થતું કે મોના બેંકથી છૂટે ત્યારે વિવેક તેને ઘરે ડ્રોપ કરવા બેંક આગળ તૈયાર જ ઊભો હોય. એ બહાને વિવેકને એમ કે તે મોના સાથે વાતચીત પણ કરી લે, અને બંને ને એકબીજાને જાણવાનો અને સમજવાનો પૂરો મોકો મળે. થોડાક મહિના સુધી આમ જ ચાલ્યું. અઠવાડિયામાં એકાદ બે વાર તો વિવેક મોનાની બેંક આગળ આવીને તેની રાહ જોતો ઊભો જ હોય. શરૂઆતમાં તો મોના કંઈ ન બોલી. પરંતુ ધીરે ધીરે તેને આ બધું વધારે પડતું થવા લાગ્યું હોય તેવું લાગવા લાગ્યું. પરંતુ મમ્મીને સારું નહિ લાગે એમ વિચારી તે કંઈ બોલતી નહિ. કંઈ ને કંઈ બહાનું કાઢીને તે વિવેક સાથે ઘરે જવાનું ટાળવા લાગી. ક્યારેક વિવેક આવે તે પહેલાં જ મોના બેંકથી નીકળી જાય, તો ક્યારેક કામ વધારે છે એટલે આવતા લેટ થશે એવું કહીને વિવેકને ના પાડી દેતી. એક દિવસ તો એવું બન્યું કે, મોના વિવેકની ગાડીમાં ઘરે જઈ રહી હતી, અને રસ્તામાં વિવેકે મોનાના હાથ પર પોતાનો હાથ મૂકી દીધો. મોના થોડી ડિસ્ટર્બ થઈ, તેના શ્વાસોશ્વાસ ઝડપી થઈ ગયા, પરંતુ તે કંઈ જ બોલી નહિ. વિવેક પોતાનો હાથ મોનાના હાથ પરથી લઈને તેના વાળમાં ફેરવવા લાગ્યો. મોનાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો, પરંતુ વિવેકનું ધ્યાન ડ્રાઈવમાં હોવાથી તે પરિસ્થિતિ પારખી ન શક્યો. જેવો વિવેકનો હાથ મોનાના વાળમાંથી સરકી ગાલ પર આવ્યો, મોનાનો પિત્તો છટક્યો. તેણે વિવેકને ઘણું ખરું ખોટું સંભળાવી દીધું. તેણે ગાળાગાળી પણ કરી અને કારમાંથી નીચે ઉતરી ગઈ. વિવેક આ બધું જોઇને આશ્ચર્ય ચકિત થઈ ગયો. જે છોકરી ક્યારેય કંઈ ન બોલતી તે અચાનક આટલું બોલવા લાગી ? તેણે મોનાને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ મોના માની નહિ. તે ઓટો કરીને ઘરે જતી રહી. ઘરે જઈને જમ્યા વગર જ સૂઈ ગઈ.
આ વાતે જાણે મોનાના અતીતના દરવાજે દસ્તક દીધી હોય તેવી મોનાને અનુભૂતિ થવા લાગી. પરંતુ ભૂતકાળ ક્યારેય યાદ ન કરવાનું નક્કી કરીને જિંદગીમાં આગળ વધી રહેલી મોનાએ આ પ્રસંગને પણ ભૂલવાનું નક્કી કર્યું. થોડો સમય તો તેને દિવસે પણ આ વાત યાદ આવી જતી અને બેંકમાં ચાલુ એ.સી.માં પણ મોનાને પરસેવો વળી જતો. જેમ તેમ કરીને પણ તેણે આમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો. તેના માટે તેણે પોતાનો બને તેટલો સમય કાં તો બેંકમાં અથવા તો મિત્રો સાથે પસાર કરવાનું નક્કી કર્યું. તે હવે બેંકમાં પહેલા કરતાં પણ વધારે સમય રહેવા લાગી. બીજા જોડેથી પણ કામ લઈ અને મોડે સુધી બેઠા બેઠા કામ કરતી. તેની સાથે કામ કરતી બીજી એક ક્લાર્ક નિયતિ સાથે તેની ખૂબ સારી દોસ્તી થઈ ગઈ. નિયતિ નવી હતી તેથી તેને બેન્કિંગ સમજતા અને બધું શીખતા સમય લાગતો હતો. તેથી મોના તેને મદદ કરતી હતી. આમ ને આમ બંને વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ.
હવે મોટેભાગે મોના અને નિયતિ બંને સાથે જ જોવા મળતા હતા. જમવા પણ સાથે જવાનું, ક્યારેક તો બંને માંથી કોઈ એક જ ટિફિન લાવ્યું હોય, અને બંને એકબીજા માંથી જમતા હોય એટલી ગાઢ દોસ્તી થઈ ગઈ હતી. ધીરે ધીરે બંનેને એકબીજા વગર ક્યારે ન રહેવાયું તેની ખબર જ ન પડી, અને મોનાનો વિવેક સાથેનો અનુભવ તેને ક્યારે નિયતિની આટલી નજીક લઈ આવ્યો તેની પણ તેને ખબર ન પડી. બંનેના પ્રેમની વસંત પુર જોશમાં ખીલી હતી, પરંતુ બંને સ્ત્રી હોવાનો ફાયદો તેમને એ મળ્યો, કે કોઈ તેમના પર શક ન કરતું. સીધી સાદી મોના હવે પોતાના શરીરનું વિશેષ ધ્યાન રાખવા લાગી હતી. મહિનામાં એકાદ વાર નિયતિના ફ્લેટ પર જવાનું, દારૂ અને સિગારેટ ની મહેફિલ માણવાની, મ્યુઝિક સાથે ડાન્સ કરવાનો અને પછી રાત્રે એકબીજા સાથે અંગત પળો માણવાની. નિયતિને પણ હવે મોનાની જરૂર મહેસૂસ થવા લાગી હતી. ક્યારેક તો મોના અને નિયતિ બેંકમાં એકલા હોવાનો ચાન્સ પણ ઉઠાવી લેતા હતા. મોનાની પુરુષો પ્રત્યેની નફરત અને અવિશ્વાસ જ તેને નિયતિની નજીક લાવ્યા હતા. બંનેએ આખી જિંદગી એકબીજા સાથે "લીવ ઇન રિલેશન" માં રહેવાનું નક્કી કરી લીધું. પરંતુ ઘરે કહેવું શું ? અને કેવી રીતે ? તે વિમાસણ હતી. કહ્યા વગર ચાલે તેમ પણ નહોતું. નિયતિ ને તો કોઈ આગળ પાછળ હતું નહી, અને તે તો અનાથાશ્રમમાં ઉછરીને મોટી થઈ હતી, એટલે તેને કોઈ ચિંતા ન હતી. પરંતુ મોના ? તેને પોતાના ભાઈ અને મમ્મી બંનેને સહમત કરવાના હતા.
એક દિવસ સારો મોકો જોઈ, મોના અને નિયતિએ પ્લાન બનાવ્યો કે બહાર ક્યાંક ફરવા જવું, અને ત્યાં જ મોના વાત કરશે. પ્લાન પ્રમાણે ફરવા માટે વોટરપાર્ક જવાનું નક્કી કર્યું. વોટરપાર્ક પહોંચીને બધા ન્હાવા માટે ગયા, ખાલી વીણાબેન બધાનો સમાન તેમજ મોબાઈલ સાચવીને બેઠા. તે કહે, "તમે બધા મન ભરીને છબછબીયા કરો, હું અહીંયા બગીચામાં બેઠી છું." બધા ખૂબ મસ્તી કરતા હતા. મોના અને નિયતિ પણ મસ્તીના મૂડમાં હતા. તેમની હરકત વીણાબેનને થોડી વિચિત્ર લાગી, પરંતુ બંને ખાસ બહેનપણી છે, એમ સમજી નજરઅંદાજ કર્યું. શક તો તેમને ત્યારે જ પડી ગયો, પરંતુ આ શક વિશ્વાસમાં ત્યારે પરિણમ્યો જ્યારે મોના અને નિયતિ બંને સાથે એક જ ચેન્જ રૂમમાં કપડાં ચેન્જ કરવા ગયા. બહાર આવીને વીણાબેને બંનેનો ઉધડો લીધો, અને બંનેએ ત્યારે સાચી હકીકત વીણાબેનને જણાવી દીધી. વીણાબેનનાં પગ તળેથી જાણે જમીન સરકી ગઈ. તે કંઈ જ બોલી ન શક્યા. મોના અને નિયતિ તેમને હળવેકથી બાજુના ગાર્ડનમાં લઈ ગયા, જ્યાં અવર જવર ઓછી હતી. ત્યાં જઈને મોનાએ તેના મમ્મીને શરૂઆતથી બધી વાત કરી.
મોનાએ તેના મમ્મીનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું, "મમ્મી તને યાદ છે, પપ્પાના જવાથી આપણો આખો પરિવાર તૂટી ગયો હતો, અને બિઝનેસ કાકાએ સંભાળ્યો હતો. હું ૧૨ સાયન્સમાં હોવાથી તે મને ભણવા માટે કાકાના ઘરે મોકલી હતી. કાકીની તબિયત સારી રહેતી ન હોવાથી હું તેમને મદદ પણ કરતી અને મારું ભણવાનું પણ. કાકા મને બહુ જ સારું રાખતા હતા. ઘણીવાર અમે બહાર ફરવા જતા, હોટેલમાં જમવા જતા અને શોપિંગ પણ કરતાં. શરૂઆતમાં મને એમ લાગ્યું કે, કાકાને કોઈ સંતાન નથી એટલે તે મને આટલું સારું રાખે છે. પરંતુ ધીરે ધીરે મને સમજાવા લાગ્યું કે કાકાનો ઈરાદો બહુ સારો ન હતો. તે મને ટચ કરવાનો કોઈ મોકો છોડતા ન હતા. પપ્પાના ગયા પછી આપણે તેમના પર આશ્રિત હતા, એટલે હું કંઈ બોલી શકી નહિ. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે હું ન્હાવા ગઈ હતી અને ટોવેલ ભૂલી ગઈ. મેં કાકા જોડે માંગ્યો તો તે આપવાના બહાને અંદર જ આવી ગયા. હું કંઈ બોલું તેના પહેલા મારા હોઠ પર તેમના હોઠ રાખી અને મને ચુંથવા લાગ્યા. હું એટલી ડઘાઈ ગઈ હતી કે કંઈ જ બોલી શકી નહિ. જતા જતા મને કહ્યું કે કોઈને વાત કરીશ તો તારું ને તારા પરિવારનું જીવવું હરામ થઈ જશે. એટલે હું ચૂપ રહી. તે રાત્રે તે ફરીથી મારા રૂમમાં આવ્યા, કાકીના સૂઈ ગયા પછી. પછી આખી રાત તેમણે જે મારી સાથે કર્યું...." એટલું કહેતાં કહેતાં મોના તેની મમ્મીનાં ખોળામાં માથું રાખીને રડવા લાગી, અને નિયતિ તેને બાથ ભરીને રડી પડી. મોનાએ કહ્યું, "મમ્મી બસ એ જ રાત ! એ રાતે મારી આખી જિંદગી બદલી નાખી. ત્યાર બાદ તો કંઈ કેટલીયે રાતો એવી રીતે ગઈ, પરંતુ એ પહેલી રાત્રે જે થયું, પુરુષજાત પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો. મને સમગ્ર પુરુષજાત પ્રત્યે નફરત થઈ ગઈ. મેં વિવેક સાથે પણ ઘણો તાલમેલ સાધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં પણ હું નિષ્ફળ રહી. એટલે હવે હું કોઈ પુરુષ પર વિશ્વાસ નહિ કરી શકું. હું ને નિયતિ - અમે ખુશ રહીશું, ને હમેશાં તારું ધ્યાન રાખીશું." મમ્મીએ પોતાના બંને હાથ ખોલી અને નિયતિ તેમજ મોનાને ભેટીને મન ભરીને રડી લીધું. ત્રણે જણા ખૂબ રડ્યા અને બધાનું મન હળવું થઈ ગયું. મોનાએ અત્યાર સુધી દિલમાં રાખેલો બોજ જાણે ઉતરી ગયો હોય તેવું લાગ્યું. હવે તે એકદમ હળવીફૂલ થઈ ગઈ હતી. બધા સાથે લંચ કરી અને ઘરે ગયા.
આપણાં સમાજમાં, આપણી આસપાસ આવી કેટ-કેટલી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ બદનામીના ડરથી અથવા સમાજ શું કહેશે, લોકો શું કહેશે ? આવી વાતોથી ગભરાઈને આપણે આપણી જ બહેન કે દીકરીને ચૂપ રહેવાનું જણાવીએ છીએ. જેના કારણે આવું હિન કૃત્ય કરવાવાળાની હિંમત વધતી જાય છે. અને જો આપણી બહેન કે દીકરી આ વજ્રઘાત સહન ન કરી શકે તો તે હિંમત હારી જાય છે અને તેની પાસે જીવન ટૂંકાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. તેથી આવી ઘટનાઓ પ્રત્યે આપણે જાગૃત થવું પડશે અને આવા નરાધમોને સમાજ સમક્ષ લાવવા પડશે. તે જવાબદારી પણ આપણી જ છે. આજે જે મોના સાથે થયું, તે ક્યારેક આપણી બહેન કે દીકરી સાથે પણ થઈ શકે છે. કડવું છે પણ સત્ય છે !

