વાસંતી
વાસંતી
પતિના અવસાન પછી, વાસંતીને જીવન પ્રત્યેનો પ્રેમ રહ્યો નહોતો. જાણે ભર વસંતમાં પાનખર આવી.
વિશાલ અને વાસંતી બંને એક જ કોલેજમાં ભણતાં હતાં. પરિવારની સમંતિથી બંનેએ પ્રેમ લગ્ન કરી સંસાર શરૂ કર્યો પણ લગ્નના ચાર વર્ષમાં માર્ગ અકસ્માતમાં વિશાલનું મોત થયું હતું. પતિના મરણ પછી તે ભાગ્યે જ કોઈ જાહેર સમારંભમાં જતી હતી.
અરે ! પતિ ગુમાવ્યા પછી તો એણે ફેક્ટરીમાં પગ પણ મૂક્યો નહોતો. પતિની હયાતીમાં તો અવાર નવાર તે ફેક્ટરીની મુલાકાત લેતી, પણ હવે ફેક્ટરીનું કામ એના સસરા અને દિયરે સંભાળી લીધું હતું.
આજના તહેવાર નિમિત્તે ફળિયામાં બધાના લોકો ખુશખુશાલ હતા, પણ વાસંતી ?
ઘરમાં હંમેશ ગુમસુમ રહેતી વાસંતી આજે વહેલી ઊઠી, સ્નાન ક્રિયા અને પૂજા પતાવી તેની કાર લઈ બજાર પહોંચી. સાસુ - સસરા તેના બદલાયેલા વર્તનથી ચકિત થયા "ક્યાં ગઈ હશે ? " આમ ને આમ વિચારોમાં સસરા, સમય થયે ફેક્ટરીમાં આવ્યા. જોયું તો ઓફિસમાં, વિશાલની ખુરશીમાં વાસંતી બેઠી હતી અને દરેક કામદારના હાથમાં બોનસનું એક કવર સાથે મીઠાઈનાં પેકેટ હતાં. કામદારો તો ખુશખુશાલ હતા જ, પણ વાસંતીના સસરાની ખુશી સમાતી ન હતી. પતિના અવસાન વર્ષો બાદ આજે પુત્રવધૂના ચહેરા પર જાણે વસંતનો વૈભવ હતો.
