STORYMIRROR

dinesh Nayak "Akshar"

Others

4  

dinesh Nayak "Akshar"

Others

આગંતુક

આગંતુક

2 mins
326

ઘરની છતનાં તૂટેલાં નળિયાંમાંથી ટપકતાં વરસાદનાં પાણીને હું તાકી રહ્યો છું. બહાર વરસાદની હેલી હતી અને અંદર જળાભિષેક થઈ રહ્યો હતો.

ત્યાં અચાનક એક પંખી ભીંજાયેલી પાંખો ફફડાવતું આવીને દીવાલ પરની ખીંટીએ બેઠું, જાતને કોરી કરવા થોડી વાર પાંખો ફફડાવી જાણે ઠરી ગયું. એક શરણાર્થીની જેમ. બહાર વરસાદ વધી રહ્યો, જાણે બારેમેઘ ખાંગા થવા આતુર. આમ તો એકલવાયા જીવનમાં ક્યાં કોઈ ખબર પૂછવા પણ ફરકતું હતું ? પણ આજે એક પંખી આગંતુક બની ઘરમાં આવ્યું, એ મને ગમ્યું, જાણે વર્ષો પછી કોઈક પોતીકું ન આવ્યું હોય ! સાથે પ્રશ્નો પણ ઊઠ્યા કે માળામાં એનાં બચ્ચાંની શી દશા હશે ? ભૂખે ટળવળતાં હશે ને આ વરસાદ વરસતો બંધ થાય તો એ એનાં પરિવાર પાસે જઈ શકે.

પંખી મારું કોઈ સગું તો નહોતું, તોય વિચારો આવ્યે જતાં હતા, ત્યાં અનાજની ઊંચી કોઠી પર લપાઈને બેઠેલી બિલાડીએ ઓચિંતી તરાપ મારી અને મારી આંખો સામે મોંઢામાં દબાવી બહાર ભાગી ગઈ.

હું સ્તબ્ધ નજરે જોતો જ રહ્યો અને આશરે આવેલું પંખી હતું ન હતું થઈ ગયું. ઘરમાં પંખી હોવાની સાબિતી રૂપે વિખરાયેલા પીંછાં પડ્યાં હતાં પણ એમાં હવે ક્યાં ફફડવાની શક્તિ હતી ? 

જીવો જીવસ્ય ભોજનમ્ સાંભળ્યું હતું પણ નજરે જોયેલી આ ઘટનાએ મને વિચલિત કરી દીધો અને એ સાથે પ્રશ્ન ઊઠ્યો, શું આજ છે જીવન ? કાળ આવે એટલે ક્ષણમાં ખેલ ખતમ..!

સમગ્ર ઘટનાક્રમનો હું સાક્ષી હતો ને પ્રશ્નો સ્વાભાવિક પણ હૃદયથી એક જ ઉત્તર મળ્યો કે તું પણ છે આગંતુક..... આગંતુક.


Rate this content
Log in