શ્રાધ
શ્રાધ
"જીવતા પળની કદર જ, મરણોત્તર રિવાજોથી મોટી છે."
રેવો મુખી જીવનભર ગામના મોભાદાર ગણાયા. સંતાનોને ઉછેર્યા, શિક્ષણ આપ્યું, ઘર ઊભું કર્યું.
પણ વૃદ્ધાવસ્થામાં એ જ સંતાનો વ્યસ્ત થયા, વાત કરવાનો પણ સમય ન રહ્યો.
મુખીના હૃદયમાં એક જ ઝંખના, મોટા પુત્ર મહેશના હાથે અંતિમ ઘૂંટ પાણી મળે.
એક સાંજે શ્વાસ અટક્યા...હોઠ સૂકાયા.
લોટાનો ઇશારો કર્યો પાણી... શબ્દો અટવાઈ ગયા.
મહેશ શહેરની સાઇટ પર હતો. પિતાની આંખો મીંચાઈ ગઈ.
એક વર્ષ પછી શ્રાધ્ધના દિવસે મહેશ પિતૃતર્પણમાં કાગ વાસ નાખતો હતો.
હાથ ધ્રુજી ગયા. આંખોમાં ભીનાશ.
કાગડો ખીર પુરીમાં ચાંચ નાખી ઉડી ગયો.
મનમાં પિતાના શબ્દો ગુંજ્યા...બેટા, તારા હાથે પાણી પીવાનું તો રહી ગયું...!
આંખોમાં આંસુ છલકાયા.મહેશને પહેલીવાર સમજાયું જીવતાં સમયની કદર મરણ પછીના રિવાજોથી મોટી છે.
-દિનેશ નાયક 'અક્ષર'
સરડોઈ
