દિવાલ દીવા બુઝાવી ગઈ
દિવાલ દીવા બુઝાવી ગઈ
રવિવારનો દિવસ હતો. આદિવાસી વિસ્તારના એ નાનકડા ગામમાં ચોમાસું પોતાની આખી ભવ્યતા સાથે ઉતર્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને વરસતા વરસાદના સંગીત સાથે ક્યારેક વીજળીના કડાકા વાતાવરણમાં એક અજબ ભય પ્રસરાવતા. રેશ્મા અને કાળિયો, એ આદિવાસી દંપતી, ખેતરમાં વાવણી કરવા નીકળ્યા હતા. તેમની આંખોમાં એક સુખનું સપનું સળવળતું હતું - આ ચોમાસું સારું જશે તો ખેતી પાક મબલક પાકશે, કોઠીમાં ધાન ભરાશે અને તેમની જીવનનૈયા સુખેથી ચાલશે. એ જ આશા સાથે તેમણે પોતાના ત્રણ નાના ફૂલ જેવા ભૂલકાંઓને કાચા મકાનમાં ભગવાન ભરોસે મૂકી દીધા. તેમને ક્યાં ખબર હતી કે, જે દીવાલ તેમના ઘરને ટકાવી રહી હતી, એ જ દીવાલ એક દિવસ તેમના જીવનના દીવા બુઝાવી દેશે.
સાંજના સાત વાગ્યા હશે. દિવસ આથમી ચૂક્યો હતો અને અંધકાર ધીમે ધીમે આખા ગામને પોતાની ગોદમાં સમાવી રહ્યો હતો. કાચા મકાનની અંદર, નવ વર્ષનો છોટુ, સાત વર્ષની મુન્ની અને દોઢ વર્ષનો ભૂરો -ત્રણેય ભાઈ-બહેન બહાર વરસતા વરસાદના અવાજથી સાવ અજાણ, પોતાની જ રમતમાં મસ્ત હતા. અચાનક, એક ભયાનક ગડગડાટ થયો ! જાણે આકાશ ફાટ્યું હોય તેમ, મકાનની એક જૂની, જર્જરિત દીવાલ કડાકાભેર ધસી પડી. માસૂમ બાળકો કંઈ સમજે, ચીસ પાડે તે પહેલાં જ દિવાલના કાટમાળ નીચે દટાઈ ગયા.
ધડાકાનો અવાજ સાંભળી, આસપાસના લોકો ફાળ ભરતા દોડી આવ્યા. ગામલોકોની ચીસાચીસથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. લોકો ધડકતા જીવે કાટમાળ ખસેડવા લાગ્યા. પણ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. હૃદય દ્રાવક દ્રશ્ય હતું એ. બે નાના જીવ - છોટુ અને મુન્ની -નિષ્પ્રાણ હાલતમાં કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા. તેમના નાના, કોમળ શરીર ફૂલની જેમ કચડાઈ ગયા હતા. માંડ માંડ માસૂમ ભૂરાને બહાર કાઢવામાં આવ્યો. તે જીવતો હતો, પણ તેની આંખોમાં ભય અને પીડા સ્પષ્ટ દેખાતી હતી. તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યો, આશાના એક ઝાંખા કિરણ સાથે.
આ તરફ, ખેતરમાં કામ કરતા રેશ્મા અને કાળિયાના કાને આ અશુભ સમાચાર પહોંચ્યા. એક ક્ષણ માટે તો ધરતીકંપ આવ્યો હોય તેમ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના હૃદયમાં એક ભયાનક ચીસ ઉઠી. બાળકોના ભવિષ્યના જે સુખી સપના જોતા હતા, એ સપના જાણે તૂટી રહ્યા હોય તેમ, તેમના પગ આપોઆપ ઘર તરફ દોટ મૂકવા લાગ્યા. આંખોમાં આંસુ હતા, હૃદયમાં ભય હતો અને મનમાં એક અજાણ્યો ડર ઘર કરી ગયો હતો.
જ્યારે તેઓ ઘરે પહોંચ્યા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમનું કાળજું ફાટી પડ્યું. બે માસૂમ દીકરા-દીકરીના નિષ્પ્રાણ દેહ, દીવાલના કાટમાળ નીચે, જાણે જીવ વગરની ઢીંગલીઓ હોય તેમ, પડ્યા હતા. "મારા છોટુ! મારી મુન્ની!" રેશ્માના મોઢેથી એક કરુણ, હૃદય ચીરી નાખનારો આર્તનાદ નીકળી ગયો. તે પોતાના મૃત બાળકોને ભેટી પડી. કાળિયો પણ પત્થરની જેમ સ્થિર થઈ ગયો હતો. તેના ચહેરા પર દુઃખ, આઘાત અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી. જે બાળકો માટે તેઓએ આટલા સપના જોયાં હતા, તે જ બાળકો આજે તેમની આંખો સામે નિષ્પ્રાણ પડ્યા હતા. તેમની ઘરની એ જર્જરિત દીવાલ જ તેમના જીવનના દીવા બુઝાવી ગઈ હતી. તેમના સપનાનો માળો નિર્દયતાથી તૂટી પડ્યો હતો. આકાશમાંથી વરસાદના ટીપાં હજુ પણ વરસી રહ્યા હતાં, જાણે કુદરત પણ તેમના દુઃખમાં ભાગીદાર બની હોય, અને અશ્રુધારા વરસાવી રહી હોય.
-દિનેશ નાયક 'અક્ષર' ✍️
સત્ય ઘટના પર આધારિત...પાત્રો કાલ્પનિક છે.
