વાર્તા - જીવન
વાર્તા - જીવન
સુંદર અને આંખોને દિવાળી થાય એવી સજાવટ હતી. જરા પણ ખોટો ભભકો નહી. ક્યાંય પણ આછકલાઈના દર્શન નહી. આવનાર દરેક વ્યક્તિને પ્રસંગની અનુભૂતિ થાય તે પ્રમાણેનું વાતાવરણ જણાયું. પ્રસંગ જ એવો હતો કે દરેક વ્યક્તિ મન ભરીને માણી શકે.
મુખ પર મુસ્કુરાહટ અને આંખોમાં આવકાર. આજે વિનંતિ અને વિનોદના લગ્નની ૫૦મી વર્ષગાંઠનું આયોજન હતું. આ ગાળો નાનો સૂનો ન હતો. કેટલી સુંદર રીતે જીવન ગુજર્યું હતું. . જીવન ચલચિત્રની જેમ નજર સમક્ષથી પસાર થઈ રહ્યું હતું. વિનંતિ અને વિનોદનો પ્રણયકાળ, જેની હું સાક્ષી હતી. હું અને વિનંતિ સાથે મોટા થયા હતા. મારા જીવનના પ્રસંગો અને બનાવોથી તે માહિતગાર હતી. તે જ પ્રમાણે તેનું જીવન મારી આગળ ખુલ્લી કિતાબ જેવું હતું.
વિનંતિ અને વિનોદ એકમેકના પૂરક હતા. ભગવાને જુગતે જોડી બનાવી હતી. જો કે “મેઈડ ફોર ઈચ અધરની’ હરિફાઈમાં હું અને મારા પતિ પ્રથમ આવ્યા હતા. એમની વિદાય પછી આ હાથ ઈશ્વરના હાથમાં સોંપી હું નચિંત થઈ ગઈ છું. તેમની સાથે વિતાવેલા મધુરા વર્ષોનું ભાથુ અને સુનહરો સંગાથ આજે હૈયામાં અકબંધ છે.
ઘણા મિત્રો મળ્યા. વર્ષો જૂના મિત્રો હોય, સુંદર પ્રસંગ હોય ત્યાં વાત પણ ચટપટી ચાલતી હોય. એકબીજાના ખુશી ભરેલા મજાના પ્રસંગોની હેલી વરસતી હોય. કોઈની જીંદગીની ગમગીની સાંભળી હ્રદયમાં ચીસ ઉઠે. પણ ભાઈ, આ તો જીવન છે, સુખ અને દુઃખ હાથમાં હાથ પરોવીને ચાલતા હોય. તેમાં પણ જે સમતા રાખી જીવન જીવે તે સુખી થઈ જાય બાકી બધા દુઃખના ડુંગરાની નીચે દબાયેલા રહી કણસતા સંભળાય.
જીવન જીવવું એ એક કળા છે. અમે બધા કોલેજ કાળમાં સાથે હતા. આજથી ૫૦ વર્ષ પહેલાનો કોલેજ કાળ સાથે પસાર કર્યો હતો. તે જમાનામાં કહેવું પડે સમજણ ઉંમર પ્રમાણે સારી એવી કેળવી હતી. છોકરા, છોકરી ,લગ્ન, એ બધા વિષયો પર ખુલ્લા દિલે ચર્ચા કરતા.
મારા વર્ગની મિમળ ડોક્ટર થઈ. તેના મમ્મી પણ ડોક્ટર હતા. જેને કારણે તેને ઘણીવાર થતું , જો હું ડોક્ટર થઈશ તો લગ્ન નહી કરું ‘. કારણ સાફ હતું માતા બાળકો પ્રત્યે સરખું ધ્યાન આપી શકતી ન હતી. ખરેખર તેને અવિવાહિત જીંદગી ગુજારી. ખૂબ સુંદર વિચાર ધરાવતી હતી. ડોક્ટરના પેશાને કલંક લાગે એવું એક પણ કામ ન કરતી. આજે પણ તેનું નામ ડોક્ટરના વર્તુળમાં ખૂબ ઈજ્જત પૂર્વક લેવાય છે.
અમે આવ્યા હતા વિનંતિ અને વિનોદના લગ્નની ૫૦મી વર્ષગાંઠ પર અને અમારી આદત પ્રમાણે જૂના સંસ્મરણોમાં ખોવાઈ ગયા. પાછા આવ્યા વર્તમાનમાં, સાંભળવા મળ્યું બે મિત્રો કાયમ માટે વિદાય થયા. એક જણ છૂટાછેડા લઈને બાળકની સરભરામાં હંમેશા વ્યસ્ત રહે છે.
‘અરે ઝરણા તને કેટલા વર્ષે જોઈ ? સાગર કેમ છે’?
‘સાગર તો માચો મેન છે’.
‘એમ કેમ કહે છે?’
‘શું કહું મારી કોઈ કિંમત જ નથી’ !
એક ખાનગી વાત કહું , ‘સાગર કરતાં હું વધારે કમાઉં છું’.
‘કદાચ એને કારણે તેને લઘુતાગ્રંથી બંધાઈ ગઈ હશે’.
‘એટલે શું આખો દિવસ મને ઉતારી પાડવાની, કારણ એટલું જ કે તે પુરૂષ છે અને હું સ્ત્રી”.
મેં કશું બોલવાનું ઉચિત માન્યું નહી. આટલા વર્ષોમાં વાળ તડકામાં સફેદ કર્યા ન હતા. અનુભવની ઔષધિ નિયમિત લઉં છું.
પેલી રેશ્મા એ પતિ ગુમાવ્યો હતો. પોતે ડોક્ટર હતી એટલે વ્યવસાયને કારણે જીવન જીવવામાં બાધા ન આવી. તેનો પતિ પણ ડોક્ટર હતો. નાનીશી માંદગીમાં ફસાયો જેમાં એણે જાન ગુમાવ્યો.’એકલતા લાગી પણ બાળકો હતા ત્યાં સુધી વાંધો ન આવ્યો. હવે જ્યારે રસેશને યાદ કરે ત્યારે બે આંસુ વહાવી લે છે. ફરી લગ્ન કરવાનો વિચાર કદી આવ્યો ન હતો. પુરાણી યાદોની ગલીઓમાં લટાર મારવાની આદતે તેનું જીવન ભર્યું ભર્યું રાખ્યું હતું.
ટીના અને તુષાર ક્લબ અને પાર્ટીઓની જીંદગીમાં હંગામા મચાવતા. ખાઓ, પીઓ અને જીવો એ તેમના બન્નેના જીવનનો મકસદ હતો.
બાકીના જે ચાર મિત્રો હતા તે લગભગ ૪૦ વર્ષોથી એકબીજાની સાથે પતિ અને પત્નીના પવિત્ર બંધનથી જોડાયેલા હતાં. અરે મિનાક્ષી તું તો કાંઈ બોલતી નથી.
‘તારો મનોજ કેમ છે ?
મિનાક્ષીનો ટોન એવો હતો કે સમજાઈ જાય, મનોજે તેને સુખી ન કરી. મિનાક્ષી સીધી સાદી પણ કારિગરીથી ભરપૂર. મનોજને જોઈએ રોજ રાતના દારૂ પીવા. રાતનાં આવે મોડો , પીધેલો હોય એટલે બે બટકા ખાઈને સીધો સૂવા જતો રહે. બાળકો પોતપોતાની જીંદગીમાં સ્થાયી થઈ ગયા હતા. મિનાક્ષીએ પોતાનો મનગમતો વ્યવસાય શોધી લીધો હતો. આખા દિવસમાં બે વચ્ચે માંડ પાંચ વાક્યોની લેવેડ દેવડ થતી. વર્ષોનો સાથ હતો એટલે બન્ને એકેબીજાની જરૂરિયાત અને આદતના જાણકાર હતા.
અમારા વર્ગની નિલિમા પરણી ન હતી. તેને મિનાક્ષીની વાત સાંભળી ખૂબ દુઃખ થયું. નિલિમા મને કાનમાં આવીને કહે, ” આ બન્ને જણા જીવનમાં સાથે છે, પણ ખેંચે છે” !