ખુરશી
ખુરશી


આજે જ્યારે અમેરિકાથી ભારત પહેલી વાર માતા અને પિતાને મળવા ગઈ, ત્યારે ગલેરીમાંથી દરિયો જોવાની આદત પાછી આવી ગઈ. હજુ તો ગલેરીનું બારણું ખોલ્યું તો ખૂણામાંથી એક ડુસકું સંભળાયું. અરે અંહી ખૂણામાં કોણ રડે છે ? જોયું તો બાળપણની મારી સહેલી 'ખુરશી'. જે મારા પિતાજી ખાસ લાવ્યા હતા. મારો દરિયો જોવાનો શોખ પૂરો કરવા માટે. તેની પાસે ગઈ અને જેવો તેના પર હાથ મૂક્યો કે ડુસકાં ભરવા લાગી. જાણે તે 'વિધવા' કે 'ત્યકતા' ન હોય ? મારી આંખના ખૂણા પણ ભરાઈ આવ્યા.
'અરે, તું શાને રડે ?'
"મારી હાલત તો જો, હું સાવ ખખડધજ થઈ ગઈ છું". આ સુંદર દૃશ્ય દેખાય છે ને, એ જ્યારે નવી હતી ત્યારે આવી લાગતી હતી.'
મારામાં શક્તિ ન હતી એની બેહાલ પરિસ્થિતિનું પિક્ચર તમારી સમક્ષ મૂકવાની. મારા દિલ પર કાબૂ રાખી એની સાથે પ્રેમથી મનોમન વાતો કરી રહી.
'અરે તું ભૂલી ગઈ કોલેજથી આવતી ત્યારે સીધી ચાનો કપ લઈ તારા પર બેસી ઉછળતાં અરબી સમુદ્રના મોજા નિહાળતી હતી.'
'અરે એ યાદના સહારે તો આવી જર્જરિત હાલતમાં પણ હું તારી રાહ જોતી હતી.' ખુરશીથી પોતાનું દર્દ છતું થઈ ગયું !
"તને યાદ છે, તારી અને મારી ગાઢ મૈત્રી ?"
'અરે, કેમ ભુલાય, તું કોલેજથી આવતી અને ચાનો કપ હાથમાં લઈ અરબી સમુદ્રના ઉછળતાં મોજા જોઈને ખુશ થતી !
"ખાનગી વાત કહું, 'તું જ્યારે ન હતી ત્યારે મારા મોટાઈ (પિતાજી) મને ઉભેલી જોઈને કહે બેટા તારા માટે સરસ ખુરશી લઈ આવીશ, પછી તું બેઠા બેઠા સમુદ્રને જો જે, જેને કારણે તારું આગમન થયું. તારું અને મારું મધુરું મિલન સર્જાયું. '
ખુરશી સાંભળીને ખડખડાટ હસી પડી, 'મને યાદ છે જ્યારે તારા મોટાઈ ખુરશી લેવા દુકાનમાં આવ્યા હતા, ત્યારે મને મનમાં થતું હે ભગવાન મારા ઉપર પસંદગી ઉતારે'.
'કેમ ?'
'એ મને નથી ખબર પણ જરૂર તેમાં કોઈ સંકેત હશે.'
જેને કારણે તારા સુંદર મેઘધનુષના રંગ જોઈને પહેલા દિવસથી હું, તારા પ્રેમમાં પડી ગઈ હતી. ૧૮ વર્ષની ઉંમરે પ્રેમની વ્યાખ્યા ખબર ન હતી. આજે સમજાય છે, જે વ્યક્તિ યા વસ્તુ ગમી જાય ત્યારે કોઈ પણ અવસ્થામાં કેમ ન હોય, ગમતી જ રહે છે. જો ને તારી આવી હાલત જોઈને પણ તારા ઉપર પ્રેમ ઉભરાઈ આવ્યો.'
'હા, મારી હાલત હવે ખરાબ છે, તેથી તો ગેલેરીના ખૂણામાં પડી રહી છું. તું અમેરિકાથી આવીશ તેની રાહ જોતી હોંઉ છું.'
'જો ખોટું નહી લગાડતી, તું મારે ત્યાં અમેરિકામાં આવી હાલતમાં હોત તો ક્યારની 'ગાર્બેજમાં ' પહોંચી ગઈ હોત. યા ગરાજમાં પડી હોત'.
'એવું હોય ?'
'સારું છે, તું મમ્મીને ત્યાં ગેલેરીના ખૂણામાં સંતાઈને બેઠી છે.'
'મારી આવી હાલત જોઈને તું મારા પર બેસીશ નહી ?'
'તેં મારા મનની વાત કરી, હું વિચારતી હતી, જો હું બેસીશ તો પડી નહી જાંઉને ?'
'અરે તું મને સમજી ન શકી, ભલે હું ખખડધજ છું, તું બેસીશ તો તને પડવા નહી દંઉ.'
મારી હિંમત નહોતી ચાલતી. છતાં મારી મનગમતી ખુરશી પર બેસવાની હિંમત કરી. તમે નહી માનો મને જરા પણ એવું ન લાગ્યું કે આ ખુરશી બેસવા લાયક રહી નથી.'
અચાનક મારી મમ્મી આવી ચડી, 'બેટા ધ્યાન રાખજે, આ ખુરશી ખૂબ જૂની છે. પડી ન જવાય.'
મમ્મીને ધિરજ બંધાવી, 'મા, જરા પણ ફિકર કરતી નહી, આ તો મારી કોલેજ કાળની સહેલી છે. મને ઈજા નહી પહોંચાડે'.
હજુ તો મમ્મીને જવાબ આપું ત્યાં જરાક 'કિચુડ' અવાજ આવ્યો. ખુરશી ધીરેથી મારા કાનમાં બોલી , ઉભી થઈ જા તારો ભાર હવે મારાથી નહી ઉપાડાય'.
મને અચંબો થયો. 'કેમ'?
ખુરશી આવી હાલતમાં પણ હાસ્ય ન રોકી શકી. બોલી,' અમેરિકાનું પાણી તને સદી ગયું છે. અરીસામાં જો તારું વજન કોલેજમાં હતું અને અત્યારે છે, એમાં ફરક જણાશે'.
'પાગલ હું તને પ્રેમ કરું છું અને તું મને -ડી કહે છે.'
'ના રે ના એવું નથી કહેતી, માત્ર તું હતી તેના કરતાં વધારે સુંદર લાગે છે અને હું, કહીને હિબકાં ભરવા માંડી'.
'યાદ રાખજે તારા અને મારામાં એક તફાવત છે, તું નિર્જીવ છે, હું સજીવ છું. તારા હાલ વણસી ગયા છે. ભવિષ્યમાં મારા પણ એવા જ થશે !'
ખુરશીએ મને બોલતી રોકી અને આવું ન બોલવા વિષે સૂચના આપી. તેની વાત સાંભળીને, આદર પૂર્વક જોઈ માથું ધુણાવ્યું, સારું હવે શુભ શુભ બોલીશ'.
ખુરશીની વાત લખતા પેલું ખુરશી પુરાણ યાદ આવી ગયું. રાજકરણીઓમાં ખુરશીની ખેચંખેંચ, જગજાહેર છે. મંદિરના ભગવાન કરતા ખુરશીની મહત્વતા વધારે હોય છે. અરે ગયા અઠવાડિયે એક સમારંભમાં ,પૈસાપાત્ર એક ભાઈને પોતાને ગમતી ખુરશી ન મળી તો કાર્યક્રમ અધુરો મૂકીને જતા રહ્યા. એવા વ્યક્તિઓએ મોકાની જગ્યાએ બેસવા ખુરશી મળે તો પોતાનું મહત્વ જતાવવાની આદત હોય છે.
ખુરશીના પ્રકાર કેટલાં. ગણ્યા ગણાય નહી તેટલા ! બંધ થાય તેવી, ( ફોલ્ડીંગ), આરામ ખુરશી, ગોળગોળ ફરે તેવી ખુરશી, (રિવોલ્વિંગ ચેર), કમપ્યુટર પર બેસવા અલગ, બેઠા હોઈએને લાંબી થાય તેવી, ( રિક્લાઈનર) ગાદીવાળી. થાકી ગયાને ? આવી તો કેટ કેટલી જાતની ખુરશીઓ જોવા મળશે.
"પણ ઓ મારી ગલેરીની ખુરશી, તારી માયા તો અલગ છે. તું ભલે જરી પુરાણી થઈ ગઈ મારે માટે અમૂલ્ય છે. ખૂણામાં પડી છું, છતાં પણ તારી પાસે આવું ત્યારે મને મારા બાળપણના દિવસો યાદ આવી જાય છે. નિરાશ ન થઈશ. મમ્મીને કહીશ તને ત્યાંથી કદી નહી હટાવે !"