Pravina Kadakia

Others

2  

Pravina Kadakia

Others

આવ ભાઈ “હરખા” આપણે બન્ને “સરખા”

આવ ભાઈ “હરખા” આપણે બન્ને “સરખા”

3 mins
2.0K


સાલુ, આ જગતમાં જેવા આપણે અવળચંડા હોઈએ એવા બીજાં મળી રહે ખરાં. જેને કારણે સાથે મળીને કામ કરવાની આવે મઝા!

જો કોઈ દારૂડિયાને દારૂ પીવાવાળો દોસ્ત મળી રહે પછી જુઓ ગમ્મત. બન્ને ઢીંચે અને પછી ગાંડા કાઢે! હવે આમાં નક્કી કોણ કરે કે વધારે પડતી મસ્તી કોણ કરે છે? અદેખા અને દ્વેષીને સંગ પણ એવો મળે તો બીજાની પ્રગતિ જોવી પણ ન ગમે! ઠીક છે, સમય સમયનું કામ કરશે! હરખાને હરખ સમાય નહી ને સરખાને સરખા મળે નહી! આ જગમાં જોઈતું હોય એવું કેટલાને મળે છે? જે મળે છે તે કેટલાને ગમે છે? ‘અસંતોષ’ને કારણે સઘળે ફેલાતો આનંદ અને ઉત્સાહ જોઈ શકાતો નથી. અસંતોષ અને ફરિયાદ બે સાવકી બહેનો છે. એકબીજાને નજર સમક્ષ ખમાય નહીં અને સાથે હોય તો બન્નેને બાપે માર્યા વેર!

એવું કહેવાય છે, ”જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાનકી બાત, ગધે સે ગધે મિલે કરે લાતં લાત..”

હરખો અને સરખો ગયા સંતનું ભાષણ સાંભળવા. સંત કહે માયામાં મોહ ન રાખવો. હવે હરખાની બૈરીનું નામ માયા! સંત કહે લક્ષમી ચંચળ છે, હવે સરખાની બૈરી લક્ષમી. બેય બુડથલ. ભાષણમાં મઝા ન આવી. ઊઠીને ચાલવા માંડ્યું. ગયા દારૂના અડ્ડા પર. દારૂ પીને ગાંડા કાઢે.
‘અલ્યા આપણે બે હતાં તું એકલો કેમ?’
‘હા, અલ્યા તું એકલો કેમ?’
હરકો, સરખાને ગણે, સરખો હરખાને!’

હંમેશા દોસ્તી અને દુશ્મની સરખે સરખાં વચ્ચે શોભે. એટલે મને વિશ્વાસ છે મૂરખ મિત્ર ખોટો પણ દાનો દુશ્મન સારો. હવે મિત્ર અને દુશ્મન કોઈક વાર અનાયાસે પણ થઈ જતા હોય છે. હા, તેમાં આત્મિયતા કેટલી રાખવી એ આપણા હાથમાં છે.

બાકી મિત્રોના અનેક પ્રકાર હોય છે. જેવા કે તાળી મિત્રો, કામચલાઉ મિત્રો, લંગોટિયા મિત્રો અને ઊઠવાબેસવા કાજેનાં મિત્રો!

નસિબદારને જીગરજાન યા લંગોટિયા મિત્રો હોય! દુશ્મન તો કોઈને ગણવાના નહી. જો કોઈ તમને દુશ્મન માને તો, તે પોતાની આંખોનો કમળો દૂર કરે યા ઈલાજ કરાવે! બાકી જરૂર આવ્યે ધુળની પણ અવગણના ન કરી શકાય.

એમાં વળી ઉંમર એવી થઈ છે કે કાઢ્યા એટલા કોઈને કાઢવા નથી! બાકીની જિંદગી બને તેટલી હ્રદયમાં વાળેલી ગાંઠો ઉકેલવાનો પ્રયાસ કરવો એ હિતાવહ છે! પરિણામ જગ જાહેર છે, હ્રદયને ઠેકાણે ગાંઠોનો દડો થઈ જશે! હરખાને કહીએ હરખ અને સરખાને કહીએ સરખા જોડે મિત્રતા કરી સરખો બેઠો રહે!

બાકી, ’તુલસી ઈસ સંસારમે સબકો મિલિએ ધાઈ, ક્યા જાને કિસ ભેષમેં નારાયણ મિલ જાય.’ હરખા અને સરખા પણ એવા બે એમાં જો સૂરતી હોય તો “બન્ને હરખા.” એમાં બસ ફાયદો જ જણાય.

જો બે અમદાવાદી હોય તો મારા જેવો તું નહીં ને તારા જેવો હું નહીં! મુંબઈગરા હોય તો હાથમાં હાથ મિલાવે ગલીને નાકે પહોંચે ને પોત પોતાને માર્ગે!

હરખપદુડા હરખાની પણ એક જમાત હોય છે. એક મિત્ર સારા પ્રસંગે હરખ પદુડા થાય પણ જ્યારે માઠા સમાચાર હોય ત્યારે પણ હસતાં હસતાં વાતો કરે.

“અરે પેલા કિર્તનભાઈની દીકરી બાજુવાળા નોકરી વગરના મયંક સાથે ભાગી ગઈ..” પછી અટ્ટાહાસ્ય કરે. એને એમ ન થાય કે દીકરીનો બાપ કેટલો દુઃખી થતો હશે? સરખા વળી ઉંધા પણ હોય! કોઈનો દીકરો વકિલ થાય તો કહેશે, "હવે જુઠ્ઠું બોલીને પૈસા કમાશે! જાણે બધા વકિલો માત્ર જુઠ્ઠું કેમ ન બોલતા હોય? આ દુનિયા દાધારંગી છે. તેમાં સર્વ પ્રકારના માનવી મળી રહેશે! કમાલ તો એ છે કે કોઈ બે જણા સરખા નથી કે હરખા નથી.

સર્જનહારે કમાલ કરી છે, અગણિત માનવી બનાવ્યા પણ કોઈ બે જણ સરખા નહી મળી રહે! જ્યારે કોઈ કહે મારા જેવું કોઈ નથી.

તેને કહેવાનું મૂરખા તારા જેવો બીજો “નંગ” બનાવ્યો પણ નથી, તો પછી તારા જેવું કોણ હોય? છતાં થોડી સત્તા મળી નથી ને માનવીનો દિમાગનો પારો સાતમા આસમાને! કાચને પારો ચડે તો અરીસો બને. માનવીનાં દિમાગને પારો ચડે તો એ અહંકારી, ઉદ્ધત અને પાખંડી બને!

પેલા અમૂલખભાઇને ઓળખો છો? કાયમ લમણે હાથ દઈ કહેતા હોય, “સગાં છે તે વહાલા નથી ને વહાલા છે તે સગા નથી.”

દે દોસ્ત તાળી, હરખા અને સરખામાં ફેર તો રહેવાનો જ!


Rate this content
Log in