પરણ્યા એટલે પ્યારા લાડી
પરણ્યા એટલે પ્યારા લાડી
કેટલું મધુરું સંગીત. સહુ ખુશ મિજાજમાં. લગનના પવિત્ર બંધનમાં જ્યારે બે વ્યક્તિ બંધાય ત્યારે ઉમંગની છોળો ઉડતી હોય. વર અને કન્યા પણ એકમેકના થવા તલપાપડ થઈ રહ્યાં હોય. આનંદ અને મંગલ સઘળી દિશામાં ફેલાયા હોય. દીકરીના માતા અને પિતા શોક મગ્ન હોય કારણ દીકરી જવાની પતિગૃહે. તેમના અંતરમાં હાશકારો હોય કે યોગ્ય પાત્ર મેળવી તે શ્વસુર ગૃહે માન અને ઈજ્જત પામવાની. સુંદર સંસ્કાર અને ભણેલો ગણેલો જમાઈ હતો. દીકરી પણ સાથે જ ભણતી હતી. એક જ વર્ગમાં એટલે વર પક્ષવાળા પણ ખાટી ગયા હતાં. વરના માતા અને પિતા ઝાંઝર રણકાવતી વહુ ઘરમાં આવશે અને ઘરમાં વહુ ઝાંઝર રણકાવતી ચાલે તેના ઓરતા, દીકરી બની વહુ સહુનો પ્રેમ પામશે એમ માની હરખાતાં હોય.
નથી લાગતું તમારી સમક્ષ કોઈ ચલચિત્ર ચાલી રહ્યું હોય. દરેક શબ્દ વાંચતા તેની છાયા તમારી સમક્ષ સદેહે હાજર હોય. ભુલી ન જતાં આ ૨૧મી સદી છે. હકિકત તમારી સમક્ષ પેશ કરવાની હિંમત દાખવી રહી છું. લગ્ન વખતે પ્રગટાવેલા અગ્નિનીનો ધુમાડો અનુષ્કાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસાવતા હતાં. ધુમાડાની તેને એલર્જી હતી. અનુરાગ પણ મુંઝાયો. મમ્મીને નજીક બોલાવીને કાનમાં કહ્યું. અમિતા શાનમાં સમજી ગઈ. ‘મહારાજ, અંહી બહુ લાંબો વખત અગ્નિ પેટાવવાની મનાઈ છે. જો ઓચિંતું ‘ફાયર એલાર્મ ‘ વાગી ઉઠશે તો ઉહાપોહ થઈ જશે. તાંબાકુંડીમાં અગ્નિ પેટાવ્યો હતો. તરત જ ત્યાંથી ખસેડી લીધો.
અનુષ્કાના જીવમાં જીવ આવ્યો. અનુરાગનો આભાર માન્યો. ઈશારાથી. જવાબ પણ ઈશારામાં મળ્યો. ‘મેં નહી આ મારી મમ્મીની ચતુરાઈ છે’. ફેરા ફરાઈ ગયા હતાં. કન્યાદાન દેવાઈ ગયું. કોડા કોડી રમવામાં બે વાર અનુષ્કા જીતી, બે વાર અનુરાગ. મહારાજે સરસ મજાની ટીકા- ટીપ્પણી કરી, ‘ તમારા સંસારમાં બન્નેનું ચાલશે’.
હનીમુન ઉજવીને આવ્યા પછી અનુરાગ સમજી ગયો, મહારાજે કહ્યું હતું તે એક ટકો પણ સાચું ન હતું. લગ્ન મંડપમાં ફેરા ફરતી કન્યા અને લગ્ન પછી પત્નીનું બિરૂદ પામી ચૂકેલી સ્ત્રી એ અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. મનમાં બબડ્યો, વરઘોડો લઈને જાન આવી ત્યારે મહારાજ બોલ્યા હતાં,’ હજુ પણ મરજી ન હોય તો જાન પાછી લઈ જઈ શકો છો’. ‘સાવધાન’ કન્યાની મા વરને બારણે પોંખવા આવી હતી.
અનુરાગે હસવામાં કાઢ્યું હતું. અરે લગ્ન મંડપમાં ગોર મહારાજ કમ સે કમ પાંચેક વાર બોલ્યા હતાં, “સાવધાન”. પરણવાના ઉમંગમાં અને અનુષ્કાના પ્યારમાં બધું તેને ગમ્મત જેવું લાગતું હતું. હજુ તો પંદર દિવસ નહોતા થયાને તેને થોડું એવું લાગ્યું, અનુષ્કા મારા પપ્પા અને મમ્મીની સાથે વાત કરતાં થોડી અતડી છે. અનુરાગ ભાઈ તો સાસરે જાય ત્યારે જરા પણ ભાવ ન માગે. મમ્મી અને પપ્પા કહી દિલથી વાતો કરે.
હા, અનુષ્કા તેના પપ્પા અને મમ્મી તેમજ ભાઈ બહેનને છોડી મારી સાથે જીવન વિતાવવા આવી છે. તેને ઘરનું વાતાવરણ જુદું લાગે. ખાવા પીવામાં ફરક જણાય. પણ, કહી એક પળ થોભ્યો ‘અનુષ્કા અને હું ચાર વર્ષથી પ્રેમમાં છીએ. છેલ્લા બે વર્ષથી દરરોજ ઘરે તેનું આવન જાવન હતું. મને પણ બરાબર ઓળખે છે’.
અનુષ્કા બોલતી ઓછું, શરમાતી વધારે. અનુરાગની બહેન તેના કરતાં એક વર્ષ નાની હતી. ભાભી, ભાભી કહી વળગવા આવે ત્યારે એટલો ઉમળકો દાખવતી નહી. ઘરમાં જાણે સોપો પડી ગયો હતો. કલબલાટ કરતાં સહુ થોડાં ગંભીર જણાતા હતાં. મહિનો થયા પછી અનુષ્કા પહેલીવાર પિયર ગઈ. તેનો ભાઈ લેવા આવ્યો હતો. અનુરાગના મમ્મી સમજી શકતાં, તેને પોતાનું ઘર યાદ આવે છે.’ સઘળું પહેલાની જેમ ચાલતું હતું.
અનુષ્કાને પિયર ભાભીનું રાજ હતું. તેના મમ્મી બિમાર રહેતાં. ભાભીએ ઘરમાં બધા ઉપર કબજો જમાવ્યો હતો. તેના પપ્પા ધંધામાં ડૂબેલા હોવાને કારણે કોઈ વાતમાં માથું મારતા નહી.આમ તેની ભાભીને પૂછ્યા વગર તેનો ભાઈ પાણી પણ પીતો નહી. પિયર આવી એટલે ભાભીએ પ્રેમથી વધાવી. મમ્મી અને પપ્પા બન્ને ખુશ થયા. ભાભીના બાળકોતો ‘ફીયા’ને જોઈ ઘેલાં થયા. અંહી અનુષ્કા ,હસતી ખેલતી હરણી જેવી હતી. અનુરાગ બે થી ત્રણ વાર આવ્યો હતો. એકદમ પહેલાંની અનુષ્કા પાછી મળી હતી. પંદર દિવસ પસાર થતાં શું વાર લાગે ?
અનુષ્કાના મમ્મી બિમાર હોવાને કારણે ખૂબ અશક્ત હતાં. તેના ભાભીને લગ્ન કર્યે દસ વર્ષ પછી તેમને ટી.બી. થયો હતો. દવાને કારણે તબિયત સુધરી હતી પણ મનથી તેઓ પડી ભાંગ્યા હતાં. તેમણે ધીમે રહીને વહુને સમજાવી સ્વતંત્રતા આપી દીધી. પ્રેમાળ ભાભી સહુના દિલ જીતી ઘરનો કારભાર ખૂબ સુંદર રીતે ચલાવતી. મમ્મીને તો બે ટાઈમ મહારાજ ગરમા ગરમ રસોઈ જમાડે એટલે ખુશ. મોટેભાગે પથારી વશ રહેતાં. એ તો સારું હતું કે તેમની વહુ ઘર ડાહી નિકળી અને ઘર ગૃહસ્થીની સુકાન સંભાળી લીધી. અનુષ્કાને ભાભીનું પ્રેમાળ વર્તન ખૂબ ગમતું.
અનુરાગ ,અનુષ્કાને લેવા આવ્યો. ભાભીએ બેગ ભરીને દાગીનો, કપડાં અને સામાન બાંધી આપ્યા. અનુષ્કા, અનુરાગ તેડવા આવ્યો એટલે ખુશ હતી. ગાડીમાં પણ પંદર દિવસ શું કર્યું તેનો બડબડાટ ચાલુ હતો. અનુરાગ સાંભળવામાં મશગુલ હતો. તેને પણ આનંદ કેમ ન હોય ?
પંદર દિવસ તેના વગર રાત તારા ગણવામાં ગાળી હતી. હવે પાછી મધુરજનીની મોજ માણવા મળશે. તેને આશા હતી કે જે આનંદ અને ઉમંગ અનુષ્કાના તેને પિયર હતાં એવા હવે જળવાઈ રહેશે. ત્યાં જ અનુરાગ થાપ ખાઈ ગયો. અનુષ્કાને લઈને આવતાં ગાડીમાં લગભગ દોઢ કલાક લાગે. મુંબઈનો ટ્રાફિક એટલે ભગવાન બચાવે. અનુષ્કાનું પિયર ખાર, અને અનુરાગ તેમજ અનુષ્કાનું ઘર કોલાબા.
ખેર આખરે ઘરે આવી પહોંચ્યા. અનુષ્કાના મુખ ઉપર પાછું પેલું ‘પ્લાસ્ટિક સ્માઈલ’ રેલાઈ ગયું. અનુરાગની બહેન આવીને ભાભી શું લાવી તે જોવા તેના રૂમમાં ગઈ ત્યારે, ” આમાં તમારે માટે કાંઈ નથી”. કહી તેના દિલને દર્દ આપ્યું. અનુરાગ બોલ્યો કાંઈ નહી પણ તેના મુખ પરના ભાવ ચાડી ખાતાં હતા કે તેને અનુષ્કાનું આવું બોલવું પસંદ નહોતું પડ્યું. રાતના જમવાના સમયે પણ મમ્મીને મદદ કરવાને બદલે મહેમાન હોય એ રીતે જમીને પોતાના બેડરૂમમાં જતી રહી.
અનુરાગની હાલત વિચિત્ર હતી. તે મુંઝાયો હતો. અનુષ્કાને શું જોઈએ છે તે તેને જાણવું હતું. પિયરમાં પ્રેમાળ અને ઉમંગથી છલકાતી અંહી કેમ આમ ? આમ પણ પુરૂષ માણસ કદી સ્ત્રીને ઓળખી ન શકે. દાવો કરે કે હું ઓળખું છું તેમાં કોઈ તથ્ય હોતું નથી. અનુરાગ તો નવો નવો પરણ્યો હતો. અનુષ્કાનો પ્રેમી હતો. તેને અંતરથી ચાહતો હતો. જમ્યા પછી થોડી વાર મમ્મી, પપ્પા અને તેની લાડલી બહેની સાથે વાત કરી રૂમમાં આવ્યો.
અનુષ્કાને પ્રેમથી બાથમાં લીધી. બહેનબાને મોઢે જરા સ્મિત રેલાયું. તેનો આવો ખૂબ સુરત અંદાઝ જોઈ બોલ્યો, ‘અનુ તારી મમ્મીને ત્યાં તો ઉમંગથી છલકાતી જણાય છે. આપણે ઘરે કેમ આમ મને જણાય છે. તને કોઈએ કાંઈ કહ્યું. શું તારું મનગમતું અંહી તને મળતું નથી ?'
અનુષ્કાને પણ થયું, સારો મોકો છે, ‘અનુરાગ સાચું કહું, મારી મમ્મીને ત્યાં મારી ભાભીનું રાજ છે, અહી તારી મમ્મીનું’ .
અનુરાગ તો ‘કાપો તો લોહી ન નિકળે એમ અવાચક થઈ ગયો.’