મી ટૂ
મી ટૂ


અરે બંસરી કેમ ઘરમાં જણાતી નથી ?’
‘આજે શાળાએથી પાછી આવી ત્યારની ગુમસુમ લાગતી હતી’.
‘મમ્મી બોલી, ’કેવો દિવસ ગયો, એમ પુછ્યું ત્યારે કાંઇ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી.' થોડીવાર પછી મમ્મી જ્યારે રસોડામાંથી બહાર આવી ત્યારે મોટી દીકરીને પૂછી રહી.
‘રાગિણી, તેં બંસરીને જોઈ ?'
રાગિણી પોતાની બહેનપણી સાથે ફોન ઉપર તડાકા મારી રહી હતી. આજે શુક્રવાર હતો તેથી શનિવારનો ભરચક કાર્યક્રમ બનાવવામાં મશગુલ હતી. મમ્મી પૂછી રહી હતી, પણ સાંભળે તે બીજા ! મમ્મીનું દિલ ધડક ધડક કરતું હતું. રાગિણીએ જવાબ ન આપ્યો એટલે જરા મોટેથી બોલી.
’રાગિણી તું સાંભળે છે ?'
અચાનક રાગિણી પોતાનું નામ જોરથી બોલાતું સાંભળી ચમકી. ‘મમ્મી શાની રાડો પાડે છે ?'
‘ફોન મૂક એટલે હું તને સમજાવું. તું આ ઘરમાં રહે છે ? ઘરમાં શું ચાલી રહ્યું છે, તેનું તને ભાન છે ?'
હવે રાગિણીએ ફોન મૂકવો પડ્યો. ‘મમ્મી, પ્લિઝ ગુસ્સે ન થા. માફ કરજે મારું ધ્યાન બીજે હતું. હા બોલ શું થયું ?’
‘કેમ હવે ફુરસદ મળી તને ! તારી નાની બહેન ક્યાં છે, તને ખબર છે ?'
‘મમ્મી હમણાં તો મારા રૂમમાં હતી.‘
‘હમણા એટલે કેટલા સમય પહેલાં ?'
‘પંદર મિનિટ પહેલાં.'
‘તું ભાનમાં છે. પોણો કલાકથી અમે તેને શોધીએ છીએ. ઘરમાં નથી, એની રૂમમાં નથી, અરે ગરાજમાં પણ નથી. ક્યાં જતી રહી હશે ?'
મમ્મીએ હવે હિબકાં ભરવાનું ચાલુ કર્યું. બંસરી ઘરમાં સહુની વહાલી હતી. મીઠડી પણ ખૂબ. આજે શાળાએથી આવી ત્યારે એનું મોઢું પડી ગયેલું હતું. મમ્મીએ ખૂબ પૂછ્યું, પણ બંસરી કશું જ બોલી નહી. મમ્મીએ દૂધ પીવાનું કહ્યું ત્યારે કહે કે, ’હમાણા નહી થોડી વાર પછી.' મમ્મીને ખૂબ ચિતા થઈ. શાળાએથી આવતા જાણે પેટમાં દુકાળ પડ્યો હોય તેને બદલે, ’હમણા નહી’. મમ્મીને થયું ચાલ થોડીવાર આરામ કરશે એટલે પછી દુધ પી લેશે.
હવે તો રાગિણીને પણ ચિંતા થઈ. બંસરી ઘરમાં આવે એટલે મધુરી ગુંજવા લાગે. દરેકના રૂમમાં જાય. આખો દિવસ શું થયું સહુને કહે. એવી મીઠી કે શાળામાં બધા શિક્ષકોને ખૂબ વહાલી લાગે. જ્યારે શિક્ષક દિવસ આવે ત્યારે, “મમ્મી આજે હું બજારમાં તારી સાથે આવીશ.’
‘કેમ ?'
‘મમ્મી તું ભુલકણી છે. કાલે શિક્ષક દિવસ છે. મારે સહુને માટે તેમની ગમતી ભેટ લેવી છે. મમ્મી, જો સાંભળ તને એમ લાગે એ હું બહુ પૈસા બગાડું છું તો મારા જન્મદિવસ પર મને કાંઇ નથી જોઈતું બસ.' બંસરીને જ્યારે જે પણ જોઈતું હોય તે સઘળું મળતું. તેને કોઈ ફરક લાગતો નહી.
મમ્મી એકદમ રડવા જેવી થઈ ગઈ. બંસરી ક્યાં ગઈ હશે ? આજે શાળામાં વનલતા બહેને એને કાંઈ કહ્યું હશે ! શું પટેલ સર તેને વઢ્યા હશે ? કે પછી જસવંતી બહેને આપેલું ઘરકામ તે લઈ જવાનું ભૂલી ગઈ હતી ? બંસરી હોય તો એને પૂછે ને ? રાગિણીએ તેની ખાસ બહેનપણીઓ જે ચાર મકાન છોડીને રહેતી હતી તેમને ત્યાં ફોન કર્યા. જો કે બંસરી કહ્યા વગર ક્યાંય જતી ન હતી. પણ આજની વાત જુદી હતી. હવે મમ્મીને ખૂબ ચિંતા થઈ. દુકાને તેના પપ્પાને ફોન કર્યો. પપ્પા મારતી ગાડીએ ઘરે આવી પહોંચ્યા. દીકરીઓ પપ્પાની આંખનો તારો હતી. પપ્પાએ આવીને સહુ પ્રથમ મમ્મીને શાંત કરી.
‘તને તારી દીકરી પર વિશ્વાસ છે ?'
‘અરે, મારી બંસરી કોઈ દિવસ ખોટું કામ ન કરી શકે.'
‘બસ, તો પછી જરા શાંત થા. આપણને સહુને બંસરી વહાલી છે. આજે, એવું કાંઈક શાળામાં થયું હશે જે બંસરીને પસંદ નહી આવ્યું હોય. બધું જ કાંઇ બસરીનું મનપસંદ થાય એ જરૂરી નથી. પણ જ્યાં, બંસરીનું હદય ઘવાયું હશે, જે સત્ય હોવા છતાં અસત્યના આંચળા હેઠળ છુપાયું હશે તે બંસરી સહન નહી કરી શકે. ભલે તે દસ વર્ષની છે. પણ તેનામાં ઉંમર પ્રમાણે સમજણ સારી છે’.
પપ્પા ભલે વાતાવરણ ઠંડુ કરવા બોલતા હતા, પણ તેમનું અંતર અંદરથી રડતું હતું. જો તે બહાર બતાવે તો સહુને કેવી રીતે શાંત પાડી શકે ? તેમનો મિત્ર દેશમુખ, પોલીસ ઈન્સપેક્ટર હતો તેને ઘરે બોલાવ્યો. ખાસ કહ્યું, ‘યાર તારા યુનિફોર્મમાં નહી આવતો નહી તો મારી પત્નીની છાતીના પાટિયા બેસી જશે.'
દેશમુખ તો જાણે ચા પીવા આવ્યો હોય તેમ આવી ગયો. ‘ભાભી ચાય ઠેવતે ના’ ? તેના મનમાં દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું, દસ વર્ષની છોકરી, ક્યાં ગઈ હશે ?'
તેને ગુજ્જુ આદુ, મસાલાને એલચીવાળી ચા બહુ ભાવતી. અંદર મહારાજને કહીને બંસરીના મમ્મી બહાર આવ્યા. દેશમુખ પોતાના મિત્ર પાસેથી આખી વાત સમજી રહ્યા હતા. પોલીસમાં કામ કરવાવાળાની નજર ચકોર હોય અને બુદ્ધિ સતેજ. તેમને અંદાઝ આવી ગયો કે બંસરી ખૂબ નારાજ થઈ છે.
હવે, ’મિયાંની દોટ મસ્જીદ સુધી હોય’. દસ વર્ષની બાળા જઈ જઈને ક્યાં જવાની ? દેશમુખને ખબર હતી બંસરીનું મોસાળ બહુ દૂર ન હતું. ત્યાં ફોન કરીને તપાસ કરી. બંસરી ત્યાં ન હતી. દાદા અને દાદી થોડા દૂર હતા ત્યાં સુધી એકલી જઈ શકે તેમ ન હતી. હજુ શાળામાં શું થયું એ વાતનો કોઈને અંદાઝ ન હતો. શાળાના અધ્યાપકને ફોન કર્યો. તેમણે વર્ગ શિક્ષિકાને પૂછ્યું, ‘આજે શાળાના સમય દરમ્યાન વર્ગમાં આખો દિવસ શું થયું હતું ?'
શિક્ષિકા બહેન એકદમ ગભરાઈ ગયા. એવું તો કશું જ થયું ન હતું કે જેને કારણે બંસરી નારાજ થઈ હોય. આમ પણ બંસરી ભણવામાં કુશળ હતી. બધા વર્ગ દરમ્યાન તેને કોઈ હરકત પડી ન હતી. અંતે શિક્ષિકાને થયું બપોરની રિસેસ પછી બંસરી જરા બદલાયેલી લાગી હતી. બંસરીની બે ખાસ બહેનપણી હતી એક ઝરણા અને બીજી મલકા. દરરોજ સાથે બેસીને રીસેસમાં જમતા. પોતાનું ખાવાનું એક બીજાને આપતા. બાળકો નિર્દોષ હોય છે તેનો આ પુરાવો છે. આજે વાત કરતા ખબર પડી કે,’ મલકા મુસલમાન છે.' રીસેસના વખતમાં ઝરણા ખાતા ખાતા ટેબલ પરથી ઉઠી ગઈ. બંસરીએ કારણ પૂછ્યું તો કહે, ’મલકાની સાથે બેસીને ન ખવાય’!
‘કેમ’ ?
‘કારણ તે મુસલમાન છે.’
આ વાક્યએ બંસરીને બેચેન બનાવી દીધી. હવે બંસરીના ઘરની ગાડીનો ડ્રાઈવર મુસલમાન હતો. હસનચાચાએ બંસરીને ગોદીમાં રમાડી હતી. તેનાથી આ સહન ન થયું. હસનચાચા તો આખો દિવસ નોકરી પર હોય. ગેરેજની પાછળ તેમને માટે નાનું ઘર બનાવ્યું હતું. તેમના ઘરને ક્યારેય તાળું મારવાની જરૂરત પડી ન હતી.
રિસેસમાં બનેલી વાત શિક્ષિકા બહેનને ઝરણાએ કહી. દેશમુખ સાહેબને બધી વાતનો અંદાઝ આવી ગયો. હસનચાચા તો બિટિયાની ફિકરમાં રડતા હતા.
અચાનક દેશમુખ સાહેબ કહે, ’ચાચા આપ કહાં રહતે હો ?'
હસનચાચાએ કહ્યું , હમે શેઠ સાહબને ગેરેજ કે પીછે નન્હાસા બઢિયા ઘર દિયા હૈ.
દેશમુખ એક પળ પણ વિચાર કરવા થોભ્યા નહી. ઝડપથી ચાલીને હસનચાચાના ઘરે પહોંચી ગયા. જોયું તો રડી રડીને થાકેલી બંસરી શાંતીથી સૂઈ રહી હતી .