STORYMIRROR

Rohit Kapadia

Classics

4  

Rohit Kapadia

Classics

વામણું અસ્તિત્વ

વામણું અસ્તિત્વ

2 mins
340

વામણું અસ્તિત્વ - - - - - - - - - - - - - - - - - માત્ર ત્રણ વર્ષનાં પ્રેમસભર લગ્નજીવન બાદ જ્યારે અચાનક જ અવિનાશનું મૃત્યુ થયું તો આશા નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગઈ. હતાશામાં એણે આપઘાતનો વિચાર પણ કર્યો. ખેર! અવિનાશનો મિત્ર સ્નેહ એની જિંદગીમાં દેવદૂત બનીને આવ્યો. સ્નેહ અને એની પત્ની સ્નેહાના લાગણી ભર્યા શાંત્વને એની જિંદગીમાં સંજીવની મંત્ર ફૂંક્યો. આશા સ્વસ્થ થતાં તેમણે એને ત્યાં જવાનું ઓછું કરી દીધું. જો કે સ્નેહ તો સ્નેહાને ઓફિસમાં ઓવર ટાઈમ છે એમ કહીને એકાંતરે આશા પાસે પહોંચી જતો. આશાને પણ એનું આવવું ગમતું. અલબત્ત, એકાદ કલાક થતાં જ આશા સ્નેહને એના ઘરેથી રવાના કરી દેતી. સાથે પસાર કરેલાં એ કલાકને વાગોળીને આશા બીજો દિવસ પસાર કરી લેતી. સ્નેહ કયારે ક સ્નેહાને જણાવી પણ દેતો કે આજે આશાના ઘર પાસેથી જવાનું થયું એટલે એને મળી આવ્યો છું. તે દિવસે સ્નેહ ખૂબ જ ખુશ હતો. આશાના ઘરે આવતાં જ એણે કહ્યું " આશા, આજે તો તારી સાથે મનભરીને વાતો કરવી છે. હું આજે અહીંથી જલ્દી જવાનો જ નથી તેં એક આનંદના સમાચાર સાંભળ્યા કે નહીં? કોર્ટે આપણા જેવા સંબંધોને હવે માન્ય ગણ્યા છે. કોઈ પણ પ્રકારના ડર વગર મારે તારો સાથ માણવો છે. મારે તને...." સ્નેહ આગળ કંઈ બોલે તે પહેલાં આશાએ કહ્યું" સ્નેહ, આજનું તમારૂં અહીં આવવાનું છેલ્લી વારનું હશે. હવે તમે સ્નેહા સાથે હોય ત્યારે જ અહીં આવશો. તમારૂં અહીં આવવું મને ગમતું. તમારા આવવાથી મને સલામતીનો અહેસાસ થતો. મારી એકલતા દૂર થઈ જતી. પણ મારી એકલતાને દૂર કરવામાં જો સ્નેહાની જિંદગીમાં એકલતા આવી જવાની હોય તો તે મને ક્યારેય મંજૂર નહીં થાય. સ્નેહા તમારી પત્ની છે ને એને તમારામાં પૂરો વિશ્વાસ છે. એ તમને ખૂબ જ ચાહે છે. મને તો હવે એકલાં રહેવાની આદત પડી ગઈ છે. તમે હવે જઈ શકો છો. તમારા અત્યાર સુધીના સાથ બદલ આભાર. " અવાક થઈ ગયેલો સ્નેહ ત્યાંથી પાછો ફર્યો. ઘરે પહોંચતા જ સ્નેહાએ કહ્યું" અરે! આજે તો તમારે ઓવરટાઈમ હતો ને? વહેલાં હતાં તો આશાને ત્યાં જઈ આવવું હતું ને. એને સારૂં લાગતે. " સ્નેહ ફરી એક વાર અવાક થઈ ગયો. સ્નેહા અને આશાની આગળ એને ખુદનું અસ્તિત્વ વામણું લાગ્યું.
 રોહિત ખીમચંદ કાપડિયા .


Rate this content
Log in

Similar gujarati story from Classics