Rohit Kapadia

Inspirational

4.3  

Rohit Kapadia

Inspirational

શારદા-લક્ષ્મી

શારદા-લક્ષ્મી

2 mins
454


"શારદા, સાંભળે છે. દિવાળીની વાર્તાસ્પર્ધામાં મને એકાવન હજાર રૂપિયાનું પ્રથમ ઈનામ મળ્યું છે એની તો તને ખબર જ છે. આ ઈનામ લાગ્યું ત્યારે જ મેં લક્ષ્મીની કૃપાથી મળેલ આ ધન રાશિમાંથી અડધા રૂપિયા મા ના આભૂષણ બનાવવા માટે વાપરવાનું નક્કી કર્યું હતું. કાલે લાભપાંચમ છે. તો ચાલ આપણે જઈને બે સોનાના હાર લઈ આવીએ એક મા લક્ષ્મી માટે અને બીજો તારા માટે. તને ઘણા સમયથી સોનાનો હાર લેવાની ઈચ્છા હતી ને. તારી ઈચ્છા પૂર્ણ કરવી એ જ મારી ખુશી. તારો પ્રેમ, તારો સાથ એ જ મારૂં જીવન છે. " ખુશીથી ઝૂમી ઊઠેલી શારદા હજુ કંઈ કહે તે પહેલાં જ ઘરકામ કરવાવાળા સવિતાબેન આવ્યાં ને શારદા તથા પ્રજ્ઞેશ ને પગે લાગતા કહ્યું "શેઠ, સારૂ થયું કે તમે મળી ગયાં. મારે તમારૂં જ કામ હતું. મારો દીકરો ગોપાલ એસએસસીમાં છે. એ બહુ જ હોશિયાર છે. પહેલાં છ મહિનાની ફી તો મેં ભરી દીધી છે પણ બીજા છ મહિનાની ચાલીસ હજાર રૂપિયાની ફી માંથી હાલ પંદર હજાર રૂપિયા જ મારી પાસે છે. બીજા રૂપિયા પચ્ચીસ હજારની સગવડ જો આપ ગમે ત્યાંથી કરાવી આપો તો એનું વરસ બચી જાય. બે દિવસ પછી ફી ભરવાનો છેલ્લો દિવસ છે. હું મારા કામમાંથી જેટલું બને એટલું જલ્દી એ રૂપિયા પાછાં વાળી દઈશ." પ્રજ્ઞેશ કંઈ જવાબ આપે તે પહેલાં શારદાએ કહ્યું "ગોપાલ માટે પચ્ચીસ હજાર રૂપિયા અમે આપી દઈશું પણ તારે આ રૂપિયા પાછા આપવાનાં નથી પણ ગોપાલને કહેજે કે ભવિષ્યમાં એ મોટો સાહેબ બની જાય ત્યારે બીજા કો'કને પણ આવી રીતે જ મદદ કરે." સવિતાની આંખ આંસુથી ભરાઈ ગઈ. સવિતા કામ કરવા અંદર ગઈ તો શારદાબેને પ્રજ્ઞેશને પૂછ્યું "મેં બરાબર કર્યુ ને ? લક્ષ્મીની કૃપા થઈ તો તમે લક્ષ્મી માતા માટે હાર બનાવવાનો વિચાર કર્યો તો પછી સરસ્વતી દેવી કે જેની કૃપાથી તમારી કલમને પ્રેરણાત્મક લખવાનું વરદાન મળ્યું છે તેને માટે કંઈ નહીં કરવાનું ? " પ્રજ્ઞેશે ધીમા અવાજે કહ્યું "એટલે જ તો મેં બે હાર લેવાનું વિચાર્યું હતું. મા લક્ષ્મી માટે અને શારદા માટે. પણ તું તો હાર વગર જ જીતી ગઈ". ને પછી શારદાને પ્રેમથી મસ્તકે ચુંબન કરતા પ્રજ્ઞેશે જાણે કે વિદ્યાદેવીનું પૂજન કરી લીધું. વાતાવરણ ત્યાગની મહેકથી સુવાસિત બની ગયું. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational