ચશ્મા
ચશ્મા
ચશ્મા —------
પરીક્ષા આપવા જઈ રહેલો રાજુ એની
મમ્મીની નજરથી છટકીને દાદા-દાદીને પગે
લાગવા ગયો. એમનાં આશિર્વાદ લઈ એ
દોડતો પાછો ફર્યો. એ ભાગદોડમાં દાદાનાં ચશ્મા એનાં પગ નીચે આવીને ચૂરેચૂરા થઈ ગયાં તેની એને ખબર પણ ન પડી. તૂટેલા ચશ્માંના કાચ વીણતાં દાદાએ કહ્યું “ એ, ઝમકુ, લે તું રોજ કહેતી હતી ને કે આખો
દિવસ છાપામાં શું વાંચ્યા કરો છો? તે લે
આજથી છાપું વાંચવાનું કાયમ માટે બંધ.
હવે તો ખુશ ને?” આંખમાં આવેલાં આંસુને
ભીતરમાં ઉતારીને ડોશી બોલ્યાં “ મને ખબર છે કે આપણો દીકરો નવાં ચશ્મા નહીં લાવી
આપે. પણ તેથી શું? હું બેઠી છું ને તમારાં
ચશ્મા હું લઈ આપીશ. જો છાપું વાંચવાનું બંધ કરશો તો પછી છાપામાંથી ઝીણી નજરે મારી સામે કોણ જોશે?” એટલું સાંભળતાં જ રઘુડોસાએ ઝમકુનો હાથ હાથમાં લઈને કહ્યું "ઝમકુડી, વગર ચશ્માએ પણ તું તો મને બરાબર દેખાશે અને વહાલી પણ એટલી જ લાગશે. શબ્દો વાંચવા ચશ્મા જોઈએ, લાગણી તો બંધ આંખે પણ વંચાય”. બસ, પછી તો બંને જણાં એક બીજાનો હાથ ક્યાં સુધી પંપાળતાં જ રહ્યાં…. પંપાળતાં જ રહ્યાં.
રોહિત ખીમચંદ કાપડિયા.
