ઈશ્ચરની મરજી
ઈશ્ચરની મરજી
જિંદગીમાં ડગલે ને પગલે મળેલાં દુખોથી એ નિષ્ઠુર બની ગયો હતો. પ્રેમાળ પત્ની અને પુત્ર હોવા છતાં એને હવે જીવવામાં રસ રહ્યો ન હતો. ઈશ્ચરમાંથી એનો વિશ્વાસ ઉઠી ગયો હતો. એટલુંજ નહીં પણ કોઈ વાત વાતમાં પણ 'ઈશ્ચરની મરજી' એમ બોલે કે પછી ઈશ્ચરનાં ગુણગાન કરે તો એ ગુસ્સે થઈ જતો.
તે રાત્રે વરસતાં વરસાદમાં એ સ્કુટર પર પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. અચાનકજ એનું સ્કુટર લપસી ગયું. એ સ્કુટર પરથી ફેંકાઈ ગયો. પુલ પરથી નીચે પડી જવાની અણી પર હતો, ત્યાં જ એક પાતળો સળિયો એનાં હાથમાં આવી ગયો. એ એને પકડીને લટકી
રહ્યો. આવા વરસાદમાં અને અંધકારમાં મદદની કોઈ શક્યતા ન હતી. મોત એને સામે દેખાઈ રહ્યું હતું. પત્ની અને પુત્રનો વિચાર એનાં મનમાં આવ્યો. હવે એને જીવવું હતું. મોતની ઘડી આવી ચૂકી હતી અને ત્યારે જ તેને જીવનમાં રસ જાગ્યો હતો. અફસોસ ! હવે એ શક્ય જણાતું ન હતું. ત્યાંજ એક ગાડી એનાથી થોડે દૂર ઊભી રહી. એમાંથી ઉતરેલા ચાર જણાએ તેને ઉપર ખેંચી લીધો અને કહ્યું કે તમે બહુ નસીબદાર છો. તમે તો મોતને પણ હાથતાળી આપી દીધી. ચારેનો આભાર માનતાં એ મનોમન બોલ્યો 'જેવી ઈશ્ચરની મરજી' અને દિલથી આકાશ તરફ જોતાં ઈશ્ચરને વંદન કરી લીધાં.