STORYMIRROR

Minal Jain

Classics Drama Inspirational

3  

Minal Jain

Classics Drama Inspirational

તુલસીની ધીરજ

તુલસીની ધીરજ

3 mins
15.6K


તુલસીની ધીરજ,સહનશક્તિ, ટાઢ,તડકો વરસાદમાં પીડા વેઠવાની પરાકાષ્ટા કદી જોઈ છે. સવારે શાલીગ્રામ અને કાનાને માથે અર્પણ થવાની ઉત્સુકતા તો સાંજે પાછા માથેથી ઉતરી બીજી સવારની રાહ...આ નિત્યક્રમ અને નિત્યકર્મ આ વિરહ બહુ બેચેની આપે કારણકે રોજ સાંજથી સવારની પ્રતિક્ષા દુઃખદાયક છે. પ્રેમમાં પલ બે-પલનો વિરહ નથી પોસાતો ત્યાં સાંજથી સવાર અતિ કષ્ટદાયક છે.

તુલસી તોય રોજ તાજા ખુશનુમા જોવા મળે કારણ વિરહ, ધીરજ,રાહમાં પ્રેમ જ છે.નિતાંત પ્રેમ કૃષ્ણ માટે...

સ્ત્રીની જિંદગી પણ કંઈક આવી જ છે. ખુશીઓમાં,વિરહમાં,ગમમાં એજ ધીરજ,એજ સહનશક્તિ.

પોતાના સવાર,સાંજ ,રાત દિન અને ક્યારેક કાયમ માટે ત્યાગીને જતાં રહે પણ સ્ત્રી હસતી રહે, અંદર બળીને પીડા

ગળી જાય.

સ્ત્રીની સફર સાવ સહજ,સરળ ,સાવ નાનું ઘર પણ મોટું દિલ ,છત અને અછતનો મજબૂત મોભ એની કુનેહ અને કરકસરથી ટકી જાય.

એક એવું ઘર જેના પર મા શારદાના સ્નેહ, આશીષ હોય સાથે સ્ત્રીના સંસ્કાર, સમજની દિવાલો પર પ્રેમ અને હાસ્યની મઘમઘતી ચમક હોય એવા ઘરનું તો કહેવું જ શું? સૌને પ્રેમે આવકારતું સ્ત્રીનું આંગણ.

એક એવું ઘર જ્યાં સત્સંગના સરનામે આવતા સંત એમને ભોજન પીરસતી એક સ્ત્રી, સંતૃપ્તિના ઓડકારનું સ્ત્રીનું આંગણું એજ એનું સરનામું.

એક એવું ઘર જ્યાં ધર્મ અને કર્મને નામે આંગણે આવતાં પશુ,પક્ષી,ગાય કૂતરાં માટે ભોજનની સરસ મજાની ચાટ ઘડાવી એમાં સમયસર બટકું રોટલો અને દાણા પાણી મૂકતી સ્ત્રી.

એક એવું ઘર જ્યાં મા લક્ષ્મીની કૃપાની નજર, જર ઝવેરાત,માલમિલ્કત દીકરા,દીકરી,સ્વજનોને વહેંચી દેતી સ્ત્રી, વ્યવહારની રીત નિભાવતી સ્ત્રી, મહેમાનો, સ્નેહીજનોને આવકારતી સ્ત્રી, પીડા દુઃખ,અછતનો છાંટો ના વરતાવા દે એવી હસમુખી સ્ત્રી.

ક્યારેક દુઃખમાં કોઈ જર ઝવેરાતની જરૂર પડશે એવું વિચારી કશું પોતા માટે કદી ના સંઘરતી સ્ત્રી.

એક એવું ઘર જ્યાં મા શારદાની આશીષની કૃપાનું તો કહેવું જ શું? ખૂબ ભણી સૌને ભણાવી, પછી સૌ પક્ષીઓને ઉડી જવા મદદ કરતી સ્ત્રી.સ્વજનો,સ્નેહીજનોની સફર પુરી કરવા પ્રયત્નશીલ, કાયમ તત્પર સ્ત્રી.

સ્ત્રીની સફર એકલી પડે તો પણ અટકતી નથી,આદરેલાં કાર્ય અને મળેલ જીવન અર્થસભર પૂરૂ કરવું, એજ ઈશ્વરેચ્છા માની જીવન જીવતી સ્ત્રી.

એક એવું ઘર જ્યાં કોઈની અરજી કરવી,પેંશનના પેપર કરવા,દેશ વિદેશમાં ઈમેલ કરવા, ફોન કરવા, મેસેજ કરવા બધું સારી રીતે જાણતી સ્ત્રી, પોતાની અને બીજાની મદદ કરવી, મદદ આપવી અને એનો અનેરો આનંદ માણતી સ્ત્રી.અંગ્રેજી અને ટેકનોલોજીનો સુભગ સમન્વય પતિ અને બાળકો પાસેથી શીખી બધું કામે લગાડતી સ્ત્રી.સુંદરતાને

શાલીનતાથી જોડતી સ્ત્રી.

પુસ્તકો વાંચવા, સમજવા,સ્વચ્છતા,સુઘડતા સાથે સુંદર જીવન વ્યતીત કરતી સ્ત્રી. પ્રેમ અને આદર આપતી અને પામતી મિતભાષી સ્ત્રી... એટલે.. હું...... સ્ત્રી...

ક્યારેક હવે બહુ અકળાઈ જાઉં છું, થાકી જાઉં છું,નિરાશ અને હતાશ પણ થઈ જાઉં છું. કારણ એકલી પડી છું....

સૌ સાથે છે,મનમાં છે,યાદોમાં છે પણ... તો..ય નિરાશ છું.

સૌના સાથ આપી, લઈ કાપેલી અર્ધમંઝીલ સફર અધવચ્ચેથી આકરી લાગે છે, નથી આગળ વધાતુ, નથી પાછળ જવાતું. હવે કરવું શું?

અન્નપૂર્ણાના આશીષ સાથે જલારામની કૃપાના અન્ન સૌને પીરસ્યા પછી આજે મને કોળિયો ઉતરતો નથી.....

મનની અકળામણ ને લીધે બધું ઘુંટાતું, પીસાતું લાગે, ગૂંગળામણ લાગે,સંકડાશ લાગે.......

ભર્યા ઘરનાં આંગણા સુના થઈ ગયા બાળકો અને પતિ પોતાનાં સંસાર અને સફર પર સમય સાથે આગળ વધી ગયા.

મોટા ભર્યા કબાટ,રાચ રચીલું,અર્થહીન લાગે, ફ્રીજમાં ખાલી ખાલી જગ્યા અને નકરી ઠંડક પણ મનને શાતા ના આપે, નર્યા ઉકળાટ, ઉચાટ ભર્યા મનને બધું સાંકડું લાગે......

હવે ઘરમાં દિવસે કોઈ વસ્તી નથી, ચહલ પહલ નથી, કોઈ બાળ જીદ. હવે નથી થતા મન કે આવતા કોઈ ઉત્સવ કે પ્રસંગ ઉજવવવાના.

પણ વસ્તી તો જોઈએ જ. જીવન ધબકતું જ રેહવું જોઈએ. તમે શું કહો છો? માનો છો? આંગણે આવતા પશુ પક્ષી અને તુલસીથી મોટી કોઈ વસ્તી નથી.

વસ્તી અને પૂજા તો દીકરીની એટલે આંગણામાં તુલસી વાવ્યા એ પણ ફૂલીફાલી મોટા થઈ જતા મનમાં કોડ જાગ્યા, મનના કોડ અને કન્યાદાનના અરમાનને ઓછું ના આવે એટલે આંગણાની તુલસીના યથાશક્તિ વિવાહ કરી મનના કોડ પુરા કર્યા, તુલસીને યથાશક્તિ સોળ શણગાર અર્પી કૃષ્ણ સાથે રંગે ચંગે વિદાય કરી, મહારાજને દાન, દક્ષિણા આપી કન્યા વિદાય કરી એ વિચારે કે શ્યામ સંગ દુઃખી નહિ રહે અને અંત સમયે તુલસીરૂપે દીકરી...

એકવાર આ માની ખબર અવશ્ય લેશે, મોમાં પવિત્ર પાન રૂપે આવશે, મૃત્યુનો શોક અને ભય દીકરીને મળવા, મમળાવવા માત્રથી દુર થઈ જશે.....

હવે કોઈ અશાતના નથી લાગતી,જીવન હર્યુ ભર્યું અને ધબકતું છે. આંગણામાં નવી તુલસી વાવીશ, ફરી વિવાહ સુધી મોટી કરીશ ફરી સપના સજાવીશ,ફરી વિદાય ટાણે ખૂબ રડીશ.....


Rate this content
Log in

Similar gujarati story from Classics