Minal Jain

Drama

4  

Minal Jain

Drama

મારા પ્રિય

મારા પ્રિય

3 mins
14.9K


આખા દિવસની રઝળપાટને અંતે કોઈ સાચા, સ્નેહાળને સદેહે મળવાની જીજીવિષા જાગે એમજ તને ઝંખતી હું મારી જિંદગીનાં એક લાંબા અંતરાલ પછી કોઈ પુણ્યના પ્રતાપે તને આભાસી મળી છું. મારી એકાકી જિંદગીનો એક છેડો તારા દેશ સુધી જોડાયેલો છે.

આ લેન્ડલાઈનના દોરડાંને લીધે કે મોબાઈલના વાયરલેસ નેટવર્કને લીધે આ આભાસી દુનિયામાં તુ મને આમ જ એક દિવસ મળી ગયો હતો.

બહુ ખાસ આપણે વાતો ના કરતાં, તું મારા પતિ અને બાળકો વિશે કે મારા દ્વારા અપાયેલા સમાચારોમાં સારા નરસાની પૂછ પરછ કરતો, વળતા જવાબમાં હું ય આવો જ પ્રતિભાવ આપતી. તારી પત્ની અને બાળકો, કુટુંબ, નોકરી સમાજની રજે રજ માહિતી પૂછતી, હું સ્ત્રી છું અને ભાવુક પણ એટલે થોડું વધુ પૂછતી, ખાસ તારા પત્ની અને બાળકોનો સમય મને નથી આપી દેતો એનું ધ્યાન રાખતી, મારા કારણે તારા સામાજિક જીવનમાં કોઈ અડચણ ના આવે એનું ધ્યાન રાખતી. એક સ્ત્રી તરીકે એકલતાને મારાથી વધુ કોણ સમજી શકે? પણ તું હંમેશા એક ગરિમાયુક્ત સોહાર્દભાવ બનાવી રાખતો.

પણ રાત દિવસ કોઈ કસક, જોડાણ કે સેતુ આખો દિવસ તારી તરફ ખેંચતો.

સાહિત્ય, સમાચાર, કવિતા, બધાં સંબંધો વચ્ચે આપણો એક અનોખો નાતો પાંગર્યો.

ક્યારેક મારી વિદેશી ધરતી પર વિચારોમાં સદેહે તું ઊતરી આવતો, મારી સાથે જોજનો દૂર અંતર કાપી માનસપટ પર હાજર થઈ જતો.

દૂર દૂર સુધી ફેલાયેલા લીલા છમ ઘાસનાં મેદાનો હોય કે રમતનું મેદાન, ચર્ચ હોય કે ચેરિટી શો, મારા બાળકનું સ્કૂલમાં યોગદાન કે સ્પર્ધા જીતવું, વાર્ષિક ફનક્શન હોય કે મારા પતિનું પ્રમોશન હોય કે રોજિંદી ધંધા રોજગારની વાતો, મારા બસ અને ટ્રેનના આવવા જવાના રસ્તા હોય કે ઠંડા, ગરમ વાતાવરણના બદલાવ હોય, તારા દેશ થી મારા દેશ સુધીના રાજકારણના રંગ હોય, સંબંધો ની નરમી ગરમી હોય, વિશ્વભરના દોસ્તો અને આભાસી વર્તુળના દોસ્ત બધામાં તું જ અને તું જ સર્વત્ર વર્તાતો.

હજુ યાદ કરું છું કે કેટકેટલું આપણે સાવ ટૂંકા સમયમાં એકબીજામાં વહેતું કરી દીધું છે. લાગણીનો સાથે એક આખો મનોપ્રદેશ જે ભિન્ન ખંડોમાં આપણાં વચ્ચે વહેચાયેલો છે.

મારું જગત તારી ગત અને ગતિ

તારું જગત મારી ગત અને ગતિ.

ક્યાંક મારાં રસોડે રંધાતા વેર્સટન ફૂડની અરોમાથી તારા દેશી ચુલહે રંધાતા સ્વાદના ચટકા આપણને એક રસાસ્વાદમાં બાંધતા, મને દેશની માટી અને તને વિદેશી આકર્ષણથી જોડતાં.

તું વાતો વાતોમાં ક્યાંક તારા સોફા ઓફીસ કે ઘરેથી મારા ઓફિસ ઘર કે રસોડે આવી ધમકતો ઓફકોર્સ તું ફાયદામાં રહેતો.

તું વગર ટીકીટ અને વિસા એ આવી ધમકતો અને હું કાયમ લાખની ટીકીટ, બાળકો, ઘર અને પતિની ચિંતામાં એક ડગલું વિચારમાં ય ના ભરી શકતી.

આને મારી કમજોરી, લાચારી શું કહેવાય?

અંતર વલોવતાં આરતનાદ અને દૂર દૂર સુધી મારા માર્ગે પથરાયેલા લીલાછમ ઘાસનાં મેદાનો પર સૂર્યાસ્ત સાથે ધીરે ધીરે ઉતરી આવેલા કાળા ઓછાયા અને ભૂરામાંથી ધીરે ધીરે કાળા ડિબાંગ થયેલા વાદળોને લીધે મારું જોબથી ઘર તરફનું પ્રયાણ વધુ ભયાવહ લાગતું.

ખાસ તારી ગેરહાજરી અને પ્રતીક્ષામાં, મારા ઘરના રસ્તા તરફ માત્ર અને માત્ર ઘૂઘવતો દરિયો જ છે. અને જ્યારે દૂર ક્ષિતિજે ઘૂઘવતો એ મહાસાગર એની કાળી ભૂરાશ ભરેલી ઉછળતી તોફાની લહેરો અને સમુદ્રી તાકાત આકાશ સુધી ફેલાવતો મને બહુ ડર લાગતો અને તને એક મેસેજ કે કોલ કરી મારા ડરને તારા દેશ સુધી ધકેલી દેતી.

મને હજુ નથી સમજાતું કોણ કોને ઘેરી રહ્યું છે, કોણ કોની કાળાશ વધુ ગહન કરી રહ્યું છે?

આ તારી યાદમાં મારી સાથે ઝુરતું કાળું નભ સમુદ્રને કાળી એકલતા આપી રહ્યું છે કે સમુદ્ર એની કાળી, ભૂરી એકલતાથી આખું આકાશ ભરી રહયો છે.

તને મળવાની તલબ હવે અસહ્ય, અકથ્ય થઈ રહી છે.

દ્રૌપદીના ચિરપુરણની મનોદશામા કૃષ્ણનાં સ્નેહનાં તાંતણા જેમ હું તને સતત મારી ઉપર આવરણ જેમ ઝંખી રહી છું.

મારા દેશથી તારા દેશ સુધી ફેલાયેલા પંચ તત્વ કંઈ મદદ કરી શકે તો ક્યાંક વરસાદ જેમ વરસી જઉં કે ક્યાંક હૃદયની આગ જેમ ફેલાઈ જઉં. ક્યાંક આકાશ માર્ગે તને હવામાં સ્પર્શી લઉં કે કોઈક દિવસ પર્વત જેવી તારી અડગ નિષ્ઠુરતાને મારા દેશનાં તાજા પડેલાં સનોફોલની ટાઢકમાં ઓગાળી દઉં.

કાંઈ સમજાતું નથી કારણ ભાવ બહુ ઉત્તમ છે. માત્ર દાર્શનિક પ્રેમ છે. પ્રેમનો ઉચ્ચતમ એક જ પ્રકાર છે, એકબીજાની કાળજી અને ચિંતા. આ નિષ્કપટ પ્રેમ દોસ્તી કે જે કંઈ હોય મારે તને બધું આપવું છે મારે તારી પાસેથી કાંઈ જોઈતું નથી એવું કહેવાની કે સમજાવવાની પણ જરૂર આપણી વચ્ચે નથી લાગતી. મૌનના આ સોલિડ બંધનને તું શું કહીશ?

આ આભાસી સંબંધને ગરિમાયુક્ત બનાવી રાખવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. આ કુદરતી ખેંચાણને ફ્લર્ટ કરી કે ખોટી વાકપટુતાથી એકબીજાને સંમોહિત કર્યા વગર માત્ર પર્યાપ્ત શબ્દોમાં, એકબીજાની કાળજીના, નાજુક ઉત્તમ ભાવોને ઉમદા રીતે પરોવી મને સ્ત્રી બની રહેવામાં મદદ કરવા બદલ ખુબ ખુબ આભાર સખા.


Rate this content
Log in

Similar gujarati story from Drama