તારી એક ઝલક-૧૯
તારી એક ઝલક-૧૯
ઝલકે એશ્વીને તેજસને શોધવાનું કામ સોંપી દીધું. માનવ ઝલકના કહેવા અનુસાર તેની કોલેજના અમુક સ્ટુડન્ટ્સને જાણ કરીને કેફે તરફ જવા નીકળી ગયો.
હવે આગળ...
ઝલક કેફેમાં પહોંચી ગઈ. માનવ પણ સમયસર પહોંચી ગયો. બંને ફેફેની અંદર બેઠાં. ત્યાં જ બીજાં ત્રણ-ચાર છોકરાંઓ પણ આવ્યાં.
"આ અજીત, સોહમ, અનુરાગ અને સોહન છે. આ બધાંને મોનાલીસાએ રૂપિયાનો પાવર બતાવી પરેશાન કર્યા છે." માનવે ચારેય છોકરાઓને વારાફરતી ઝલક સાથે મળાવી. તેમનાં વિશે જાણકારી આપી.
"તો આપણે અત્યારે જ મિ.આનંદ પાસે જવાં નીકળીએ." ઝલકે ઉભાં થઈને કહ્યું.
ઝલકને બધું સમુંસુતરૂ પાર પાડવા ઉતાવળી થતી હતી. એ વાત માનવ સમજી ગયો હતો. ઝલકની ઉતાવળ અને પોતાનાં ભાઈ પ્રત્યેની ચિંતા જોઈને માનવને એક તરફ ખુશી થઈ તો એક તરફ એની બેવકૂફી ઉપર હસવું આવી ગયું. એને હસતો જોઈને ઝલકે કહ્યું, "તું ફરી કારણ વગરનો હસ્યો. આખરે તું કરવાં શું માંગે છે ?"
"આપણે બંને આ બધાં સાથે મિ.આનંદની ઓફિસે જઈશું તો મોનાલીસા ડાયરેક્ટ આપણો શિકાર કરવા સક્ષમ થઈ જાશે." એણે કોઈ જાસૂસની જેમ વિચારવા માંડ્યું, "આ ચારેય એકલાં જ મિ.આનંદની ઓફિસે જઈને પોતાની આપવીતી એમને જણાવશે. જો આપણે જઈશું, એમાંય ખાસ કરીને હું! તો મોનાલીસા આપણાં જાળમાં ફસાવવાની હશે તો પણ નહીં ફસાય."
"એવું કેમ?" ઝલકે આંખો ઝીણી કરીને માનવ સામે જોવાં લાગી, "ક્યાંક તું હજું પણ કોઈ રાઝ તો મારાથી નથી છુપાવી રહ્યો ને ?" એણે જે સમજાયું એવું પૂછી નાખ્યું.
"એ તો તને આગળ જતાં જાણ થઈ જાશે." એણે પેલા ચારેય છોકરાંઓ સામે જોયું, "તમે મિ.આનંદની ઓફિસે પહોંચો. એમની આગળ શું કહેવાનું છે ? એ તમે બધાં જાણો છો. એમને મળીને તમે બધાં પોતપોતાની ઘરે જતાં રહેજો." એણે થોડીવાર પછી કંઈક વિચારીને કહ્યું, "મિ.આનંદે તમને શું કહ્યું અને તમારી વાત સાંભળીને કેવાં રિએક્શન આપ્યાં ? એ બધું જ્યારે હું તમને બધાને કહું ત્યારે મને જણાવજો. ત્યાં સુધી તમે કોઈ માનવને ઓળખો છો. એ પણ ભૂલી જજો. મારાં નંબર પણ યાદ કરીને મોબાઈલમાંથી કાઢી નાખજો." માનવની વાતો સાંભળીને ઝલકને એટલું તો સમજાઈ ગયું હતું કે એનાં દિમાગમાં કોઈ શાતિર પ્લાન ચાલી રહ્યો હતો. જેનાં લીધે એ પણ ચૂપ જ રહી. પેલાં ચારેય મિ.આનંદની ઓફિસે જવા નીકળી ગયાં. એમનાં ગયાં પછી માનવે ઝલક સામે જોયું, "હવે બે દિવસ સુધી આપણે નહીં મળીએ. તું અત્યારે ઘરે જા." કહીને માનવ જતો રહ્યો. ઝલક પાસે પણ કોઈ રસ્તો નાં બચતા એ પણ ઘરે આવવાં નીકળી ગઈ.
ઝલક ઘરે પહોંચી ત્યાં સુધીમાં સાંજનાં સાત થઈ ગયાં હતાં. એ ઘરે આવીને સીધી કિચનમાં ગઈ અને એક ગ્લાસ પાણી ભરીને એકસાથે જ ગટગટાવી ગઈ. આજકાલ એ ખરેખર કોઈ જાસૂસ જેવું કામ કરી રહી હતી. આ વખતે કામ મહત્વનું અને અઘરું પણ હતું. સવાલ એનાં ભાઈનાં જીવન અને કરિયરનો હતો. એની ઉપર મોનાલીસા જેવી ઘમંડી છોકરીએ જે આરોપ લગાવ્યો હતો. એ તદ્દન ખોટો હતો. જે કોલેજમાં આવનાર દરેકને જણાવવું જરૂરી હતું. કેયુર ઉપર લાગેલ આરોપ હટ્યા પછી જ એ કોલેજમાં જઈ શકે એમ હતો.
એણે થોડીવાર વિચાર કર્યા પછી જમવાનું બનાવવાનું શરૂ કર્યું. કેયુર હવે એકદમ સ્વસ્થ થઈ ગયો હતો પણ કોઈ સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાં તૈયાર ન હતો. ઝલક એનું કામ તો કરી રહી હતી. છતાંય કેયુર ખુદ એને કંઈક કહે અને પોતાની સમસ્યા જણાવીને મન હલ્કું કરે એવી ઝલકની ઈચ્છા હતી. એનાં માટે એ આજે જ કેયુર સાથે વાત કરવાનો મક્કમ નિર્ણય કરી ચુકી હતી.
ઝલકે જમવાનું બનાવીને, ટેબલ પર મૂકીને, કેયુરનાં રૂમમાં એને બોલાવવા માટે ગઈ. ઝલકે રૂમમાં આવીને જોયું તો કેયુર એનાં કોલેજની ચોપડીઓને જોતો બેઠો હતો. ઝલક શાંતિથી જઈને એની પાસે બેસી ગઈ. ઝલકને આવેલી જોઈને કેયુર
બધી ચોપડીઓ એકઠી કરીને મૂકવાં લાગ્યો તો ઝલકે એનો હાથ પકડીને કહ્યું, "કોલેજની એટલી જ યાદ આવે છે તો કોલેજે જતો કેમ નથી ?"
ઝલકના સવાલ પર કેયુરે કોઈ જવાબ નાં આપ્યો. એ માત્ર નીચું જોઈને બેસી રહ્યો. ઝલકે એનાં બંને હાથ પ્રેમથી પકડીને કહ્યું, "તને કોલેજમાં કોઈ પરેશાની હોય તો તું મને જણાવી શકે છે. આઈ પ્રોમિસ હું તારો સાથ આપીશ."
"મોનાલિસા! મોનાલિસા મારી પરેશાની છે. હું એને પસંદ કરતો. મેં એને આખી કોલેજની સામે પ્રપોઝ પણ કરી હતી. પણ એણે મારી સાથે..." કેયુરની આંખો ભરાઈ આવી. એણે ઝલકને આખી કહાની કહી સંભળાવી કે કેવી રીતે ફ્રેશર્સ પાર્ટીમાં મોનાલિસાએ કેયુર પર ખોટો આરોપ લગાવ્યો હતો.
"કાલથી મારી સાથે કોલેજે આવીશ ?" ઝલકે પ્રેમથી કેયુરનાં ગાલને અડકીને પૂછ્યું.
"મતલબ?" કેયુર ઝલકની વાત સમજી ના શક્યો.
"મેં તારી કોલેજ જોઈન કરી લીધી છે. હું ત્યાં માર્કેટિંગ મેનેજમેન્ટનો વિષય ભણાવું છું." કહીને ઝલકે કેયુરને બધું સમજાવી દીધું.
"ઠીક છે. કાલે હું તમારી સાથે કોલેજે આવીશ." કેયુરે કહ્યું તો ઝલકના ચહેરાં પર શાંતિ અને ખુશીનાં ભાવ આવી ગયાં. એ કેયુરને લઈને બહાર આવી. આજે રામજીકાકા, ઝલક અને કેયુરે સાથે જ રાતનું ભોજન લીધું. જમીને ઝલક તેજસની ડાયરી લઈને બેસી ગઈ.
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૫
આજે વેલેન્ટાઇન ડે હતો. આજથી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. મારાં મિત્રની બહેન સાથે કોઈએ જબરદસ્તી કરવાની કોશિશ કરી. બસ આ કારણથી જ મારો પ્રેમ પરથી ભરોસો ઉડી ગયો છે. લોકો પ્રેમનાં નામે છોકરીઓને હેરાન કરે છે. સાલાઓને એટલું સમજમાં નથી આવતું કે છોકરીની નાં એટલે નાં! જ્યારે એ તમને પસંદ નથી કરતી તો શાં માટે એમની પાછળ પડી જાઓ છો?
મને તો એક જ વાતનો અફસોસ થાય છે કે એક તો પ્રેમનાં નામે એ હલકટોએ મારાં મિત્રની બહેનને પરેશાન કરી અને જ્યારે મેં એમને સજા અપાવવાની કોશિશ કરી. ત્યારે મારાં ખુદનાં પપ્પાએ મને એવું કરતાં રોક્યો. મારે પણ એક બહેન છે. જો કોઈ એની સાથે એવું કરતું તો ? પપ્પાએ એક વગર પણ એવો વિચાર ના કર્યો અને મારાં મિત્રની બહેનને જ નાં કહેવાનું કહ્યું.
આજનો દિવસ લોકો માટે પ્રેમ શબ્દથી ઓળખાતો હશે. પણ આજથી મારાં માટે આજનો દિવસ મને દુઃખ આપનારાં દિવસનાં નામથી ઓળખાશે. મારાં પપ્પાએ આજે મારો સાથ નાં આપીને મને બહું તકલીફ આપી છે. જે હું ક્યારેય ભૂલી નહીં શકું. મને આજ સુધી એમ જ હતું કે મારાં પપ્પા દુનિયા જેવાં નથી. પણ આજે મને સમજાઈ ગયું કે જ્યારે છોકરીનાં હક અને સમ્માનની વાત આવે ત્યારે શું બહારનાં? અને શું ઘરનાં? બધાં એકસરખું જ વિચારે છે.
અમુક વખતે માણસ ભલે કંઈ નાં કરી શકે પણ જ્યારે કુદરતની લાઠી પડે છે. ત્યારે એનો અવાજ નથી આવતો પણ જે લોકો ખોટાં હોય છે. અન્યાયનો સાથ આપે છે એમને કુદરતની લાઠી જોરદાર વાગે છે.
પ્રિય ડાયરી...
આજનો પ્રસંગ વાંચીને ઝલક બરાબરની વિચારે ચડી. તેજસે છોકરીઓનાં ન્યાય વિશે વાત કરી હતી. જ્યારે ઝલક અત્યારે પોતાનાં ભાઇને ન્યાય અપાવવામાં લાગી હતી. થોડાંક જ વર્ષોમાં ઘણું બદલાઈ ગયું હતું. અમુક છોકરીઓ પોતાને મળેલી સુરક્ષાનાં નિયમોનો ફાયદો ઉઠાવીને છોકરાંઓને પરેશાન કરવાં લાગી હતી. આવી છોકરીઓનાં કારણે ક્યારેક જે છોકરીઓ સાચી હોય એમની વાત પણ લોકો માનતાં નથી.
ઝલકે ડાયરી બંધ કરીને બહાર સોફા પર જ લંબાવી દીધું. પણ તેજસની ડાયરીનો આજનો પ્રસંગ વાંચ્યા પછી ઝલકને ઉંઘ જ ના આવી. એ કાલે કોલેજમાં શું થાશે ? એ વિશે વિચારવા લાગી. ઉપરથી બે દિવસ સુધી માનવે ઝલકને એની સાથે વાત કરવાની પણ નાં પાડી દીધી હતી. મિસ્ટર આનંદની ઓફિસમાં શું થયું હશે? એ વિચારે ઝલકની આંખમાંથી ઉંઘ જ ગાયબ થઈ ગઈ.
(ક્રમશઃ)