Sujal Patel

Romance Others

4  

Sujal Patel

Romance Others

તારી એક ઝલક - ૨૨

તારી એક ઝલક - ૨૨

6 mins
374


એશ્વીએ પોતાનાં મિત્રને તેજસ પાછળ લગાવી દીધો હતો. એ જાણીને ઝલકને થોડી શાંતિ થઈ. પરંતુ તેજસ અચાનક લંડન ગયો અને ફોન પણ બંધ કરી દીધો. એ વાતે ઝલક હજું પણ ગૂંચવણમાં હતી. એ કંઈક વિચારી રહી હતી. ત્યાં જ કેયુર એની પાસે આવ્યો. એ આવીને ઝલક પાસે બેસી ગયો, "તમે શું વિચારી રહ્યાં છો ?" કેયુરે પૂછ્યું.

"કંઈ નહીં, તું બોલ તું ખુશ છે ને ?" ઝલકે પ્રેમથી કેયુરના ગાલ પર હાથ મૂકીને પૂછ્યું.

"હાં, હું ખુશ છું અને મોનાલિસા સામે લડીને ખુદને નિર્દોષ સાબિત કરવા પણ તૈયાર છું." કેયુરે કહ્યું.

કેયુરને ઘણાં સમય પછી આટલો ખુશ જોઈને ઝલકને શાંતિ થઈ. એ બહાર આવીને ડીનરની તૈયારી કરવા લાગી. એ સમયે જ એનાં મોબાઈલમાં મેસેજની નોટિફિકેશન પોપ અપ થઈ. ઝલકે મેસેજનું ફોલ્ડર ખોલીને જોયું તો મેસેજ માનવનો હતો. એણે ઝલકને કાલે કોલેજની લાઈબ્રેરીમાં મળવાં આવવાં કહ્યું હતું. ઝલક મેસેજ વાંચીને વિચારે ચડી. હવે માનવે શું નવું વિચાર્યું હશે ? એ વાતે ઝલક થોડી પરેશાન હતી‌. કારણ કે માનવ એક અલગ પ્રકારનો છોકરો હતો. જેની વાતો ઝલકને સમજાતી ઓછી અને પરેશાન વધુ કરતી.

ઝલકે રાતનું ડીનર કેયુર અને રામજીકાકા સાથે કર્યું. હવે કેયુર એકદમ સ્વસ્થ થઈ ગયો હતો. સાથે જ એનામાં હિંમત પણ આવી ગઈ હતી. જેનું કારણ હતું કેયુરને જોઈને મોનાલીસાના ચહેરા પર આવેલો ડર! જ્યારે કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિથી ડરી જાય. ત્યારે એને ડરાવવી વધું સરળ થઈ જાય છે. સાથે જ જ્યારે કોઈ વ્યક્તિની હિંમત તૂટી જાય. ત્યારે એને હરાવવી આસાન થઈ જાય છે. મોનાલિસાએ કેયુર સાથે જે કર્યું એ પછી કેયુરને ડરેલો જોઈને મોનાલિસા એને વધું ડરાવવા સક્ષમ બની હતી. પણ જ્યારે આજે એણે કેયુરને ફરી કોલેજમાં જોયો તો મોનાલિસાની હિંમત તૂટી ગઈ હતી. એટલે જ હવે એને હરાવવી સરળ હતી. એ વાત કેયુર પણ સમજી ગયો હતો.

જમ્યા પછી કેયુર પોતાનાં રૂમમાં જતો રહ્યો. ઝલક બધું કામ પતાવીને તેજસની ડાયરી લઈને બેસી ગઈ. એણે જ્યાંથી ડાયરી અધૂરી છોડી હતી. એ પેજ ખોલ્યું.

૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૫

આજે પોલીસ મારાં મિત્રની બહેનને જેલમાં લઈ ગઈ. ઘણી કાર્યવાહી થઈ. ઘણાં આરોપો લાગ્યાં અને લગાવ્યાં. છતાંય અંતે તો જે દોષી હતું એ છૂટી ગયું અને નિર્દોષ જેલમાં ગયું. મને અત્યાર સુધી કોઈ કહેવતો સમજાતી નહીં. પણ આજે સમજાય છે કે 'ધોબી કા કુત્તા નાં ઘર કા નાં ઘાટ કા' એ કહેવત કદાચ મને જ લાગું પડે છે. મારાં ખુદનાં જ પપ્પાએ મારી વાત નાં માનીને બીજાંની વાતો માની. એનાં લીધે હું ઘરમાં મારી બહેનને પણ મારું મોઢું નાં બતાવી શક્યો અને મારાં મિત્રની બહેનને પણ મારું મોઢું નાં બતાવી શક્યો.

આજે મને ખુદથી જ એટલી નફરત થાય છે કે કદાચ હું કંઈક કરી શક્યો હોત. મારાં પપ્પા વિરુદ્ધ જઈ શક્યો હોત. પણ નહીં હું એવું કાંઈ નાં કરી શક્યો. આજ સુધી માત્ર સાંભળ્યું જ હતું કે મજબૂરી લોકો પાસે કંઈ પણ કરાવી શકે. આજે જોઈ પણ લીધું. પપ્પાની આ બધાં પાછળ શું મજબૂરી રહી ? એ મને નથી ખબર પણ કોઈ પણ મજબૂરી એક છોકરીની ઈજ્જતથી મોટી નાં હોઈ શકે. એટલું તો હું પણ સમજી શકું છું.

હવે જિંદગીનો એક જ ધ્યેય છે. જ્યાં સુધી મારાં મિત્રની બહેનને જેલ બહાર નહીં કાઢું, હું આરામથી નહીં જીવું.

પ્રિય ડાયરી

ઝલક જેમ જેમ તેજસની ડાયરી વાંચતી જતી હતી. એમ એમ એ ગુંચવાતી જતી હતી. એક છોકરીની ઈજ્જત સાથે રમત રમવી. પછી એ જ છોકરીને જેલમાં બંધ કરી દેવી. આ વાત ઝલકની સમજમાં આવી રહી ન હતી. તેજસ જેવાં છોકરાનાં પપ્પા આખરે એવાં કઠોર કેવી રીતે હોઈ શકે ? ખુદ એક દીકરીનાં પિતા હોવાં છતાં કોઈની દીકરીને જેલમાં નાંખે. એ પણ એનો કોઈ વાંક નાં હોવાં છતાં! આ વાત ઝલકને પરેશાન કરી રહી હતી.

એણે ડાયરી વાંચીને બંધ કરી દીધી અને બહાર સોફા પર જ લંબાવ્યું. પણ આજની રાત એને ઊંઘ જ નાં આવી. કેયુરવાળી મેટર તો હવે થોડી સૉલ્વ થતી નજર આવતી હતી. પણ તેજસની બાબતે ઝલક ઉલઝતી જ જતી હતી. તેજસ સાથે વાત થઈ રહી ન હતી. ડાયરી એક પછી એક રહસ્ય ઉત્પન્ન કરી રહી હતી. આવાં વિચારો વચ્ચે ઘેરાયેલી ઝલકની મોડી રાતે આંખ લાગી.

સવારે જ્યારે રામજીકાકાએ એને જગાડી ત્યારે એની આંખ ખુલી. ઝલકે ઉઠીને સમય જોયો તો ઉઠવામાં મોડું થઈ ગયું હતું. એ ફટાફટ નાહીને કોલેજે જવાં તૈયાર થવા લાગી. રામજીકાકાએ ફટાફટ ચા નાસ્તો તૈયાર કર્યો. ઝલક તૈયાર થઈને આવી ત્યાં સુધીમાં કેયુર પણ તૈયાર થઈ ગયો હતો. બંને ભાઈ-બહેને નાસ્તો કર્યો અને તરત જ કોલેજે જવાં નીકળી ગયાં.

ઝલકે કોલેજે પહોંચીને કેયુરને ક્લાસમાં મોકલી દીધો અને પોતે લાઈબ્રેરી તરફ જવા અગ્રેસર થઈ. અત્યારે બધાં સ્ટુડન્ટ ક્લાસમાં હોવાથી આ સમય જ એનાં માટે માનવને મળવાં યોગ્ય હતો. ઝલક લાઈબ્રેરીમાં પહોંચી ત્યારે લાઈબ્રેરિયન સિવાય અંદર કોઈ ન હતું. ઝલક તરત જ એ ખુણા પરની બેન્ચ તરફ આગળ વધી ગઈ. જ્યાં એ માનવને પહેલીવાર મળી હતી.

માનવ આજે પણ એ જગ્યાએ જ બેઠો હતો. ઝલક પણ જઈને એની સામે બેસી ગઈ. એની નજર માનવ સામે જ હતી. આજે ઝલક એને કોઈ સવાલ કરવાં માંગતી ન હતી. કારણ માનવ પણ જાણતો હતો. એની આદત જ સવાલના અટપટા જવાબ આપવાની હતી. જે ઝલકને પસંદ ન હતું. એટલે એણે સવાલ પૂછવાનું જ ટાળ્યું.

આખરે માનવે જ મૌન તોડતાં પૂછ્યું, "હવે કેયુરની તબિયત કેમ છે ?"

"હવે કોઈ તકલીફ નથી." ઝલકે કહ્યું.

"મારે તને એક વાત કહેવી હતી. એકચ્યુલી મેં તારાથી એક વાત છૂપાવી છે." માનવે થોડી અવઢવ સાથે કહ્યું.

"મતલબ ?" ઝલક કંઈ સમજી શકી નહીં.

"મારો પ્લાન માત્ર મોનાલિસાને સબક શીખવવાનો જ ન હતો." એ જાણે શબ્દો જોડી જોડીને બોલી રહ્યો હતો, "એકચ્યુલી હું ખુદ જ મોનાલિસાને પ્રેમ કરું છું. પણ મારો કેયુરને તકલીફ આપવાનો કોઈ ઈરાદો ન હતો. એ પ્લાન મોનાલિસાએ ક્યારે કર્યો? એ મને ખુદને ખબર ન હતી." એની આંખોમાં ઝલકને એક સચ્ચાઈ નજર આવી, "મેં મોનાલિસા સાથે પણ વાત કરી હતી કે એણે કેયુર સાથે એવું કેમ કર્યું ? પણ ત્યારે એણે પોતાનાં ઇગોના કારણે મને કોઈ જવાબ નાં આપ્યો. પછી મેં પણ નિર્ણય કરી લીધો કે હું મોનાલિસાને એની ભૂલનો અહેસાસ કરાવીને જ રહીશ." ઝલક આ બધું સાંભળીને હેરાન હતી. છતાંય એ ચુપચાપ સાંભળી રહી હતી. એ આગળ બોલ્યો, "મને ખબર પડી કે મોનાલિસાના લીધે કેયુર કોલેજે નથી આવતો. ત્યારે મેં એને કેયુરની માફી માંગવા કહ્યું. પણ એ નાં માની. એણે છોકરી હોવાનો ખોટો ફાયદો ઉઠાવ્યો. એ મને જરાં પણ પસંદ આવ્યું ન હતું. એ છોકરી છે તો કંઈ પણ કરી શકે ? એ યોગ્ય નથી. એ વાત હું પણ જાણું છું. છોકરાંઓની પણ કોઈ ફિલીંગ હોય છે. એ બાબતથી હું અવગત છું. એટલે જ મેં એ દિવસે તારો સાથ આપવાનું વિચાર્યું." એણે થોડું વિચારીને આગળ કહ્યું, "મેં એ દિવસે કોલેજના અમુક સ્ટુડન્ટ્સને મોનાલિસાના પપ્પા પાસે મોકલ્યાં. એનાં પછી એનાં પપ્પાએ મોનાલિસા સાથે વાત કરી. એ મોનાલિસાની હરકતથી બહું દુઃખી હતાં. જેનું મોનાલિસાને પણ દુઃખ થયું. હવે એ બધાંની સામે કેયુરની માફી માંગીને એક નવી શરૂઆત કરવાં માંગે છે. તો મારો વિચાર છે કે...."

"માનવ! જલ્દીથી કોલેજ કેમ્પસમાં આવી જા. મોનાલિસાએ બધાંને ત્યાં બોલાવ્યાં છે." માનવ અને ઝલકની વાત ચાલતી હતી. એની વચ્ચે એક સ્ટુડન્ટે આવીને કહ્યું.

મોનાલિસાએ બધાંને કેમ્પસમાં એકઠાં કર્યા છે. એ સાંભળીને જ ઝલકે માનવ તરફ એક ધારદાર નજર કરી. એક ક્ષણ માટે તો માનવ પણ ડરી ગયો. એ બધી વાત શાંતિથી થાળે પાડવામાં લાગ્યો હતો અને મોનાલિસા ફરી કોઈ ગરબડ કરી દેશે તો ફરી બધું સરખું કરતાં વધું સમય લાગશે. એ વિશે જ એ વિચારી રહ્યો હતો. ત્યાં જ ઝલક તો ઊભી થઈને કેમ્પસમાં જવાં ચાલતી થઈ ગઈ હતી. માનવ પણ ફટાફટ એની પાછળ ગયો.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Romance