Sujal Patel

Romance Inspirational Others

4  

Sujal Patel

Romance Inspirational Others

લાઇફલાઇન

લાઇફલાઇન

8 mins
338


"પ્રિયા ક્યારે એ દિવસને ભૂલી શકશે ? મને તો કંઈ સમજાતું નથી આ બધું શું થવા બેઠું છે." વંદનાબેને ચિંતિત સ્વરે કહ્યું.

"સમજાતું તો મને પણ નથી. એ વાતને આજે બે વર્ષ થયાં. પણ પ્રિયા હજું સુધી એ વાત ભૂલી નથી." રમેશભાઈએ વિચારોમાં ખોવાયેલ અવાજે કહ્યું.

દીકરી જ્યારે તકલીફમાં હોય. ત્યારે કોઈપણ માઁ-બાપ શાંતિથી રહી શકતા નથી. અત્યારે એવી જ હાલત વંદનાબેન અને રમેશભાઈની હતી. દરેક રંગનું જીવનમાં અલગ-અલગ મહત્વ હોય છે. એવો જ એક રંગ છે લાલ રંગ ! જેને પ્રેમનું પ્રતિક પણ માનવામાં આવે છે. એ જ લાલ રંગ સાથે પ્રિયાની જિંદગીના બે કિસ્સા જોડાયેલા છે. એક સુખ તો એક દુઃખનો કિસ્સો !

એ વાતને લગભગ બે વર્ષ થયાં. પ્રિયા સારાંશ નામનાં છોકરાંને પ્રેમ કરતી હતી. બંનેનાં લગ્ન પણ નક્કી થઈ ગયાં હતાં. એમાં બન્યું એવું કે જે સારાંશ પ્રિયા સાથે લગ્ન કરીને એની માંગમાં લાલ સિંદૂર ભરવાનો હતો. એ ધૂળેટીનાં દિવસે જ એક કાર એક્સિડન્ટમા મૃત્યુ પામ્યો. પ્રિયા ગુલાલની થાળી લઈને સારાંશને રંગવા માટે દરવાજે ઊભી હતી. એ સમયે જ એનો ફોન રણક્યો, અને સારાંશના પપ્પાએ એનાં મૃત્યુનાં સમાચાર પ્રિયાને આપ્યાં. ગુલાલની થાળી પ્રિયાના હાથમાંથી નીચે ઢોળાઇ ગઈ, અને પ્રિયા દરવાજાનાં ઉંબરામાં બેસીને જ રડવા લાગી. થોડીવાર પછી સમયનું ભાન થતાં એ તરત જ ગાડી લઈને સારાંશની ઘરે આવી પહોંચી. જે વ્યક્તિએ પ્રિયાના જીવનમાં પ્રેમ રૂપી લાલ રંગ ભર્યો હતો. એ જ વ્યક્તિની લાલ રંગનાં ખૂનથી લહૂલોહાણ હાલત જોઈને પ્રિયા એકદમ જ પડી ભાંગી. 

પ્રિયા આજે પણ એ દિવસ ભૂલી ન હતી. કમનસીબે આજે પણ ધૂળેટીનો દિવસ જ છે. પણ પ્રિયાની જિંદગીના તો તમામ રંગો બે વર્ષ પહેલાં જ છીનવાઈ ગયાં હતાં. જેનાં થકી એ ધૂળેટીનાં દિવસે ઘરની બહાર જ નાં નિકળતી. ગુલાલ જોઈને એને બે વર્ષ પહેલાંનો દિવસ યાદ આવી જતો. જે દિવસે એનું બધું છીનવી લીધું હતું. પણ કહેવાય છે ને જ્યારે ભગવાન બધું જ છીનવી લે. ત્યારે કંઈક એવું આપે છે. જે આપણને ફરી એકવાર બધું જ આપી દે છે.

પ્રિયા એનાં રૂમમાં બેસીને લેપટોપ પર કંઈક ટાઈપ કરી રહી હતી. એ સમયે જ એનો ફોન રણક્યો. સ્ક્રીન પર કેતકી નામ જોઈને, કંઈક વિચાર્યા પછી પ્રિયાએ આખરે ફોન ઉપાડીને કાને લગાવ્યો, "હેલ્લો."

"હેલ્લો, પ્રિયા જી ?" સામે છેડેથી કોઈ છોકરાનો અવાજ સંભળાયો. 

"હાં, પણ તમે કોણ ?" પ્રિયાએ થોડાં ચિંતિત સ્વરે પૂછ્યું.

"આ ફોન જેનો છે. એનું એક્સિડન્ટ થઈ ગયું છે. તમારો નંબર લાસ્ટ ડાયલમા જોયો. તો મેં તમને ફોન કર્યો. તમે જલ્દી લાઇફલાઇન હોસ્પિટલ પહોંચો." છોકરાએ ઝડપથી કહ્યું.

'એક્સિડન્ટ' શબ્દ સાંભળતાં જ પ્રિયાના હાથમાંથી ફોન નીચે પડી ગયો. એનાં હાથ-પગ ધ્રૂજવા લાગ્યા. કેતકી પ્રિયાની બેસ્ટ ફ્રેન્ડ છે. પ્રેમ પછી એ બેસ્ટ ફ્રેન્ડને ગુમાવવા ન હતી માંગતી. એક વર્ષ પહેલાં આ દિવસે જ પ્રિયા સારાંશને ગુમાવી બેઠી હતી. આજે ફરી એ જ દિવસે કેતકીનુ એક્સિડન્ટ થવું. એ વાતથી પ્રિયાનો મગજ સુન્ન થઈ ગયો હતો. એણે પાગલની જેમ ઘરની બહાર દોટ મૂકી. રમેશભાઈએ પ્રિયાને એ રીતે ભાગતા જોઈને, એનો હાથ પકડીને એને રોકતાં પૂછ્યું, "બેટા ! આટલી જલ્દીમા ક્યાં જાય છે ?"

"કેતકીનુ એક્સિડન્ટ થઈ ગયું છે. એ લાઇફલાઇન હોસ્પિટલમાં દાખલ છે. મારે જલ્દી જવું પડશે." પ્રિયાએ ડરેલા અવાજે કહ્યું.

"ઓકે, હું પણ તારી સાથે આવું છું." સમયની નજાકતને સમજતાં રમેશભાઈએ કહ્યું.

રમેશભાઈ પ્રિયાને લઈને લાઇફલાઇન હોસ્પિટલ પહોંચ્યા. પ્રિયા રિસેપ્શનિસ્ટને પૂછીને એ રૂમમાં પહોંચી. જ્યાં કેતકી એડમિટ હતી. કેતકીને જોઈને પ્રિયાને ઝટકો લાગ્યો. કારણ કે કેતકી એકદમ ઠીક હતી. એને કંઈ થયું ન હતું. એ જોઈને પ્રિયાને થોડો ગુસ્સો આવ્યો. એણે ગુસ્સામાં જ કહ્યું, "આ બધું શું છે ? તું તો એકદમ ઠીક છે. તો પછી પેલો કોલ….એ કોણે કર્યો ?"

"આઈ એમ સોરી, એ મારાં કહેવાથી જ અહીંના વોર્ડ બોય એ કર્યો હતો." કેતકીએ કાન પકડીને કહ્યું.

"પણ શા માટે ?" પ્રિયાએ એ જ ગુસ્સામાં પૂછ્યું.

"મારાં માટે." એક જાણીતો અવાજ પ્રિયાના કાનમાં પડ્યો. 

પ્રિયા તરત જ દરવાજા તરફ પલટી અને બોલી ઉઠી, "શિવમ તું ? તે આ બધું કર્યું ?"

"હાં, શું કરું ? તું કંઈ માનવાં તૈયાર જ ન હતી. તું આજનાં દિવસે ઘરમાંથી નીકળવા જ તૈયાર ન હતી. એટલે મારે આ બધું નાટક કરવું પડ્યું." શિવમે રૂમમાં આવીને કહ્યું.

"તને શું લાગે છે આવું બધું કરીને તું મને મનાવી લઈશ ? ક્યારેય નહીં, બે વર્ષ પહેલાં હું બધું ગુમાવી ચુકી છું. હવે ફરી ગુમાવવાની હિંમત નથી. હું જાણું છું. તું મને પ્રેમ કરે છે. પણ હું તને એ પ્રેમ ક્યારેય નહીં આપી શકું. કારણ કે હું હજું જૂનાં ઘા ભૂલી નથી શકી, અને મારું માનવું છે વ્યક્તિ જ્યાં સુધી જૂનું નાં ભૂલી શકે. ત્યાં સુધી નવી શરૂઆત નાં કરી શકે. કદાચ કરે તો પણ નાં એ ખુશ રહી શકે. નાં બીજાંને રાખી શકે. એટલે તારી ભલાઈ એમાં જ છે કે તું મારાથી દૂર રહે." પ્રિયા રડતાં રડતાં જ એટલું કહી ગઈ. જેનું એને ખુદને પણ ભાન ન હતું.

શિવમે પ્રિયાની બધી વાતો સાંભળી લીધી. જ્યારે એ ચુપ થઈ ગઈ. ત્યારે શિવમે તેનો હાથ પકડીને કહ્યું, "બોલી લીધું ? હવે મારી વાત સાંભળ. જ્યાં સુધી વ્યક્તિ આગળ નાં વધે. ત્યાં સુધી જૂનું ભૂલી પણ નાં શકે. જૂનું ભૂલવા નવી શરૂઆત કરવી પડે. બે વર્ષ પહેલાં થયું. એ હું બદલી તો નાં શકું. પણ બે વર્ષ પહેલાં જે થયું. એવું આગળ પણ થાય. એવું જરૂરી નથી એટલું કહી જરૂર શકું. હવે નિર્ણય તારાં હાથમાં છે. તારે એ એક દિવસને પકડીને બેસી રહેવું છે, કે મારો હાથ પકડીને આગળ વધવું છે ? હું તને ફોર્સ નહીં કરું. પણ એટલું જરૂર કહીશ કે એ એક દિવસને તું બે વર્ષથી પકડીને બેઠી છે. એમાં માત્ર તું જ નહીં. તારાં મમ્મી-પપ્પા, તારી બેસ્ટ ફ્રેન્ડ, હું અમે બધાં તકલીફમાં છીએ, અને ખાસ કરીને‌ તું, તું પણ તકલીફમાં છે. હવે વિચારી લેજે. તારે આ તકલીફમાં રહીને બધાંને તકલીફ આપવી છે કે આમાંથી નીકળીને ખુદ ખુશ રહીને અમને બધાંને પણ ખુશ કરવા છે." એટલું કહીને શિવમે પ્રિયાનો હાથ છોડ્યો અને ચાલતો થઈ ગયો.

પ્રિયાએ રમેશભાઈ સામે જોયું. તો એમની આંખોમાં આંસું હતાં. કેતકી પણ રડી રહી હતી. એ બધું જોઈને પ્રિયાના કાનમાં શિવમની કહેલી વાતો ગુંજવા લાગી, અને એ ફસડાઈ પડી. રમેશભાઈએ એને સંભાળવાની કોશિશ કરી. તો પ્રિયાએ ધીમાં અવાજે પૂછ્યું, "પપ્પા ! ખરેખર તમે મારાં લીધે તકલીફમાં છો ?"

"નાં બેટા." રમેશભાઈએ પોતાનાં આંસુ લૂછીને કહ્યું. પણ એમની આંખો કહેતી હતી, કે પોતાની એકની એક દીકરીને તકલીફમાં જોઈને બાપ કેવી રીતે ખુશ રહી શકે ? એમને તો દીકરો અને દીકરી બંને પ્રિયા જ હતી.

પ્રિયા રમેશભાઈની આંખોમાં રહેલો જવાબ વાંચીને ચાલતી થઈ ગઈ. એને ખુદને ખબર ન હતી. એ ક્યાં જઈ રહી છે ? બહાર આવીને જોયું તો શિવમ ક્યાંય દેખાયો નહીં. પ્રિયાને એકલી નાં છોડવી જોઈએ. એમ વિચારીને કેતકી અને રમેશભાઈ પણ એની પાછળ પાછળ આવ્યાં. પ્રિયા હોસ્પિટલની બહાર ઊભી હતી. એ ગાડીની ડ્રાઈવર સીટ પર બેઠી. કેતકી પાછળ અને રમેશભાઈ આગળ બેસી ગયાં. પ્રિયાએ ગાડી હંકારી મૂકી. કેતકી અને રમેશભાઈ બંને અજાણ હતાં કે પ્રિયા ક્યાં જઈ રહી છે ? છતાંય હાલ પૂરતું બંનેએ મૌન રહેવું યોગ્ય સમજ્યું. 

રસ્તા પર બધાં રંગે રમતાં હતાં. પ્રિયા ગાડીની બારીના કાચમાંથી એ દ્રશ્યો જોતી આગળ વધી રહી હતી. આંખો સામે બે વર્ષ પહેલાં આ જ દિવસે બનેલી ઘટના તરવરી રહી હતી. તો કાનમાં શિવમના કહેલાં શબ્દો ગુંજી રહ્યાં હતાં. પ્રિયાએ ઘરે આવીને ગાડી પાર્ક કરી, અને તરત જ દોડીને ઘરની અંદર આવી પહોંચી. હોલના સોફા પર વંદનાબેન બેઠાં હતાં. શિવમ નીચે ફર્શ પર વંદનાબેનના ખોળામાં માથું ઢાળીને બેઠો હતો. પ્રિયાને જોઈને એણે કંઈ રિએક્ટ નાં કર્યું. બસ એમ જ બેસી રહ્યો.

"તને આ રીતે દુઃખી જોઉં છું. તો મને પણ દુઃખ થાય છે. મેં વિચાર્યું ન હતું, કે હું તને ક્યારેય આવી વાત પણ કહીશ. પણ સાચું કહું તો તું મને પહેલેથી જ પસંદ હતી. પણ તને સારાંશ પસંદ હતો. આપણાં ત્રણેયની દોસ્તી કોલેજમાં થઈ હતી. ત્યારથી હું તને પસંદ કરતો. બસ ક્યારેય કહેવાની હિંમત નાં થઈ. આજે સારાંશ આ દુનિયામાં નથી એટલે હું તારો સહારો બનવા માંગુ છું. એવો મારો કોઈ ઈરાદો નથી. મારે તો તારાં સહારાની જરૂર છે. સારાંશના ગયાનું દુઃખ મને પણ છે. પણ હું તને આ રીતે દુઃખી નથી જોઈ શકતો. જે વાત પાંચ વર્ષ સુધી નાં કહી શક્યો. એ આજે કહું છું. પ્લીઝ મને અપનાવી લે. મારી સાથે લગ્ન કરી લે." પ્રિયાના કાનમાં ફરી એક અવાજ ગુંજ્યો. એ પણ શિવમનો જ હતો. એક મહિના પહેલાં જ એણે પ્રિયાને આ વાત કરી હતી. 

પેલું કહે છે ને જે કિસ્મતમાં હોય. એ કદી ક્યાંય જતું નથી. પ્રિયા કદાચ શિવમની કિસ્મતમાં અને હાથની રેખાઓમાં પહેલાંથી જ લખાઈ ગઈ હતી. સારાંશના ગયાનું દુઃખ બધાંને હતું. પણ હવે પ્રિયા એની બેસ્ટ ફ્રેન્ડ કેતકી, પોતાનાં મમ્મી-પપ્પા અને શિવમને વધું તકલીફ આપવા માંગતી ન હતી. પ્રિયાના મમ્મી-પપ્પાએ તો એક મહિના પહેલાં જ શિવમને અપનાવી લીધો હતો. બસ પ્રિયાની હા ની જરૂર હતી. શિવમ પાંચ વર્ષથી પ્રિયા અને એનાં મમ્મી-પપ્પાને ઓળખે છે. કોલેજના ત્રણ વર્ષ અને કોલેજ પછીનાં બે વર્ષ જે સમય દરમિયાન આગળની સ્ટડી માટે શિવમ મુંબઈ જતો રહ્યો હતો. એને પ્રિયાની હાલત અંગે બધી જાણકારી હતી. છતાંય એ બે વર્ષ મન મારીને રહ્યો. કદાચ પ્રિયા પોતાની જાતને સંભાળી લે. તો શિવમે એનાં દિલની વાત ના કહેવી પડે એ ઉમ્મીદ સાથે એ પ્રિયાથી દૂર રહ્યો. 

બે વર્ષ થવા છતાંય જ્યારે પ્રિયા પોતાનાં ભૂતકાળમાંથી નીકળી નાં શકી. ત્યારે એક મહિના પહેલાં શિવમે આવીને એને પોતાનાં દિલની વાત કહી જ દીધી. પ્રિયા તો બે વર્ષ પહેલાં જ પોતાનાં દિલનાં દરવાજા બંધ કરી ચુકી હતી. શિવમની વાત સાંભળીને એણે પોતાનાં ઘરનો દરવાજો પણ બંધ કરી દીધો હતો. પણ આજે શિવમે જે કહ્યું. એ સીધું પ્રિયાના દિલમાં ઉતર્યું હતું. ખરેખર, જૂનું ભૂલવા નવી શરૂઆત કરવી જ પડે.

પ્રિયાને આવેલી જોઈને વંદનાબેને શિવમને ઊભા થવા ઈશારો કર્યો. એ ઊભો થઈને ડોક નીચી કરીને ઊભો રહી ગયો. પ્રિયા એકીટશે એને જોઈ રહી. પછી અચાનક જ મંદિરમાં રહેલું ગુલાલ લાવીને શિવમના ગાલ પર લગાવી દીધું. શિવમ કંઈ સમજે એ પહેલાં જ પ્રિયાએ એનો હાથ પકડીને કહ્યું, "તું કોલેજમાં કહેતો કે તને મારાં મમ્મી-પપ્પામાં તારાં મમ્મી-પપ્પા નજર આવે છે. એ તો તને છોડીને ભગવાન પાસે જતાં રહ્યાં. પણ મારી સાથે દોસ્તી કરીને તને ફરી મમ્મી-પપ્પાનો પ્રેમ મળી ગયો. તો શું તું મારાં પ્રેમની સાથે મારાં મમ્મી-પપ્પાનો પ્રેમ પણ અપનાવી શકીશ ? જો હાં તો જ હું તારી સાથે લગ્ન કરીશ."

પ્રિયાનું છેલ્લું વાક્ય સાંભળીને જાણે શિવમને એનાં કાન પર વિશ્વાસ નાં આવ્યો હોય એમ એણે કહ્યું, "શું કહ્યું ? ફરી એકવાર કહે." 

"જો તું મારી સાથે મારાં મમ્મી-પપ્પાને પણ અપનાવે. તો હું તારી સાથે લગ્ન કરવાં તૈયાર છું." પ્રિયાએ શિવમની આંખોમાં આંખો પરોવીને કહ્યું.

"ચોક્કસ, હું તો ક્યારનો તૈયાર બેઠો છું." કહીને શિવમ પ્રિયાને ભેટી પડ્યો. 

બે વર્ષ પહેલાં આ દિવસે બધાંની આંખોમાં દુઃખના આંસુ હતાં. તો બે વર્ષ પછી આ જ દિવસે બધાંની આંખોમાં ખુશીનાં આંસુ હતાં. શિવમને પ્રિયાના પ્રેમની સાથે મમ્મી-પપ્પાનો પ્રેમ પણ મળી ગયો હતો, અને રમેશભાઈ અને વંદનાબેનને જમાઈના રૂપમાં દીકરો મળી ગયો હતો. ટૂંકમાં આજે કેટલાંય અધૂરાં સંબંધો પૂરાં થઈ ગયાં હતાં. કોને ખબર હતી, કે લાઇફલાઇન હોસ્પિટલ શિવમની જિંદગીની લાઇફલાઇન બની જશે ?


Rate this content
Log in

Similar gujarati story from Romance