સ્વાતિ
સ્વાતિ
આકાશમાં સંધ્યાનાં રંગોની સુંદર રંગોળી પુરાઈ હતી. સંધ્યા પુરબહારમાં ખીલી હતી. જાણે કોઈ કેસરી વસ્ત્રોમાં કોઈ મુગ્ધા જેવી દીપી ઊઠી હતી, ક્ષિતિજે જાણે આકાશ ધરાનાં ગાલ પર ચુંબન કરી રહ્યો હતો. શરમનાં કારણે આખું આકાશ લાલચોળ જેવું લાગતું હતું. કોઈ સુહાગણનાં સેંથામાં પૂરેલા સિંદૂર જેવું લાગતું હતું. દરિયો જાણે આકાશનાં આ રૂપની પ્રશંસા કરી રહ્યો હોય એમ મોજા ઉછાળી ઉછાળી હરખાતો હતો. પંખીઓ પોતાની સફર પૂરી કરવા માળા તરફ જઈ રહ્યા હતા. ખેડૂતો પોતાના ગાડા ને લઈ ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતા. સૌને ઘરે જવાની લગની લાગી હતી. પણ જોબથી ઘર તરફ જતી સ્વાતિ ન મનમાંનાં કોઈ ઉમંગ હતો, ન ઉલ્લાસ હતો, બસ યંત્રવત પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહી હતી.
સ્વાતિ ગામડાની એક સુંદર, સુશીલ સમજુ ડાહી અને ભણેલ ગણેલ યુવતી હતી. કુદરતે એને સુંદર રૂપ આપ્યું હતું. રૂપ આપવામાં ઈશ્વરે કોઈ કસર છોડી નહોતી. લાંબા ઘટાદાર વાળ, ગોળ મટોળ સુંદર ચહેરો, આંખો જાણે માછલી જેવી, આંખોમાં જોનાર તેના પ્રેમમાં પડી જાય એવી સમંદર જેવી ગહન આંખો, હોઠ પર કાળુ તલ એના સૌંદર્યમાં વધારો કરતું હતું. સપ્રમાણ દેહલતા જાણે કોઈ સ્વર્ગની અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય એવું લાગતું હતું.
આજે તો સાતમ આઠમનો મેળો હતો, આકાશી કલરનાં ચણીયા ચોળીમાં જાણે એ અપ્સરા જેવી સુંદર દેખાતી હતી. લોકોની નજર એના તરફ જ મંડરાઇ રહી હતી. તે બહેનપણીઓની સાથે મેળામાં જાય છે. બાજુના શહેરનાં ઉદ્યોગપતિનો એકનો એક પુત્ર રાજ પણ પોતાના મિત્રો સાથે મેળામાં આવે છે. તેની નજર સ્વાતિ પર પડે છે. અને એના રૂપથી એ મોહિત થઈ જાય છે. અને લગ્ન કરીશ તો બસ આની જ સાથે એવું નક્કી કરે છે. પોતાના મિત્રો પાસેથી વિગત લઈ સ્વાતિનાં ગામમાં તેના માતપિતાને મોકલે છે. જ્યારે સ્વાતિનાં માતપિતાને ખબર પડે છે કે રાજ મોટા ઉદ્યોગપતિનો એકનો એક પુત્ર છે. ધન દૌલત નોકર ચાકર બધું જ છે, તો મારી દીકરી રાજ કરશે આ વિચારથી ફૂલ્યા નથી સમાતા. અને દરેકમાં બાપની એવી જ ઈચ્છા હોય કે સાસરીયામાં રાજ કરે. અને બંનેનાં લગ્ન નક્કી થાય છે.
રાજ અને સ્વાતિનાં લગ્ન ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા, રિસેપ્શનમાં મોટા મોટા ફિલ્મ હીરો અને નેતાઓ પણ આવ્યા હતા. શાદી સમારંભ ખૂબ મોટી હોટેલમાં રાખવામાં આવ્યું હતું. અને બધી જ સગવડ હતી.
શાદી સમયે બંને ખુબ શોભતા હતા. લોકો સ્વાતિનાં વખાણ કરતા નહોતા થાકતા. લોકો સ્વાતિ ખૂબ નસીબદાર છે. એવી વાતો કરી રહ્યા હતા. સ્વાતિ પણ પોતાની જાતને ખૂબ નસીબદાર માની રહી હતી. ગરીબ માતપિતાની પુત્રી હતી એટલે આર્થિક સંકડામણમાં રહી હતી. સુવિધાઓ બધી હતી. એટલે સાસરે બહુ ગમ્યું.
લગ્ન પછી હનીમૂન મનાવવા સ્વિત્ઝર્લેન્ડ જાય છે. ખૂબ મોજમજા કરે છે. અને આવું સુંદર જીવન આપવા માટે સ્વાતિ ઈશ્વરનો આભાર માને છે. પંદર દિવસની ટુર પછી બંને પોતાના ઘરે પાછા ફરે છે.
સ્વાતિ ઘરમાં અને રાજ બિઝનેસમાં ઓતપ્રોત થઈ જાય છે. મોડા આવવું, શરાબ પીવો, પાર્ટીમાં જવું, બીજી સ્ત્રીઓ સાથે ફરવું આ રાજનો નિયમ થઈ ગયો. તેને પોતાનું અસલી પોત પ્રકાશ્યું. જેમ ભમરો રસ ચૂસીને ચાલ્યો જાય એમ સ્વાતિને તરછોડી દીધી.
બધી ભૌતિક સગવડતા છે સ્વાતિ પાસે પણ પતિનો પ્રેમ નથી. એક સ્ત્રીને મન સાધન સગવડ કરતા પતિનો પ્રેમ મહત્વનો હોય છે. અને એ રાતભર જાગતી રહે પણ રાજ ઘરે આવે જ નહિ.
જ્યારે એ પોતાના પિયર જાય છે. ત્યારે એના માતપિતાને વાત કરે છે. પણ રાજ એની બધી વાતો ખોટી પાડે છે. અને સ્વાતિને ધાકધમકી આપે છે અને ચૂપ રહેવા મજબૂર કરે છે.
સ્વાતિનો બચપણનો મિત્ર અનીશ આ બધી વાતોથી વાકેફ હોય છે. અને એ સ્વાતિને ખૂબ ચાહતો હોય છે. પણ ક્યારેય સ્વાતિ સામે એકરાર નહોતો કર્યો. સ્વાતિને આ વાતની જાણ થાય છે ત્યારે એના માટે લાગણીની કૂંપળ ફૂટે છે. અનીશ એને ખૂબ પ્રોત્સાહિત કરે છે. સાંત્વના આપે છે. દરેક કામમાં મદદ કરે છે. સ્વાતિ ખૂબ ચાહવા લાગે છે.
સ્વાતિ હવે મૂંઝવણમાં મૂકાય છે. એક તરફ પોતાનો પ્રેમ છે તો બીજી તરફ સમાજનાં ખોટા રીત રિવાજોની મોટી દીવાલ છે.
એક બાજુ લગ્નનું સોનેરી પીંજરું છે તો બીજી તરફ પ્રેમનું અસીમ આકાશ છે. સ્વાતિ વિચારે છે હવે શું કરવું ?
